કોવિડ-19 : માનવ અસ્તિત્વનો સૌથી કપરો કાળ, નોકરીની તક કરતાં માનવીને બચાવવા વધુ જરૂરી

કોવિડ-19 : માનવ અસ્તિત્વનો સૌથી કપરો કાળ, નોકરીની તક કરતાં માનવીને બચાવવા વધુ જરૂરી

। જિનીવા ।

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ડીજી ટેડરોસ અને  આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ ( આઇએમએફ)ના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવા એમ વિશ્વના બે મોટા સંગઠનોના વડાએ કોવિડ -૧૯ને કારણે ઉભી થયેલી સ્થિતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. નોકરીની તકને બચાવવા કરતાં જીવન બચાવવા વધુ જરૂરી છે તે બાબત પર ભાર મુકતાં તેમણે જણાવ્યું હતું કે માનવ અસ્થિત્વના ખુબ જ કપરા કાળમાંથી આપણે પસાર થઇ રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે આર્થિક ગતિવિધીને પુનઃ ચેતનવંતી કરતાં પહેલાં કોવિડ -૧૯ વાયરસને અંકુશમાં લેવો જરૂરી છે. જોકે બંનેએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે બંને પ્રક્રીયા વચ્ચે સંતુલન સાધવુ ખુબ જ મુશ્કેલ છે. વાયરસ અને તેને કારણે પ્રવર્તી રહેલા લોકડાઉનને કારણે વિશ્વની અડધો અડધ વસતી ઘરમાં પુરાણી છે, તેવામાં આર્થિક પ્રવૃત્તિ ઠપ છે.

મંદીમાંથી ઉગરવા થઇ રહ્યા છે પ્રયાસઃ ક્રિસ્ટાલિના

આઇએમએફના વડાએ જણાવ્યું હતું કે સંકટનો સામનો કરવા આઇએમએફ ૧ ટ્રિલીયન ડોલર ( અંદાજે ૭૬ લાખ કરોડ રૂપિયા) કામ લગાડશે, વિશ્વ અર્થતંત્રને બચાવી લેવા તે જરૂરી છે. હાલમાં બજારમાં ૯૦ અબજ ડોલરની અછત છે.

દેવાળિયા બનનારની સંખ્યા વધશે

ક્રિસ્ટાલિનાએ જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતી જોતાં લાગે છે કે દેવાળિયા બનનાનારાની સંખ્યા વધશે. આઇએમએફ દ્વારા આપવામાં આવેલા ધિરાણની રીકવરી મુશ્કેલ બનશે તેવા સંકેત છે. ૯૦ દેશોએ આઇએમએફ પાસેથી તાકીદના ભંડોળની માગણી કરી છે.