કોરોના / 26 મૃતકોમાંથી 14ને કોરોના સિવાય કોઈ બીમારી નહોતી, ચારનાં મોત દાખલ થયા તે જ દિવસે થયાં

કોરોના / 26 મૃતકોમાંથી 14ને કોરોના સિવાય કોઈ બીમારી નહોતી, ચારનાં મોત દાખલ થયા તે જ દિવસે થયાં

શહેરમાં સોમવારે કુલ 259 કેસ, જમાલપુર-ખાડિયામાં 50, મણિનગરમાં સ્થિતિ ગંભીર વધુ 13 કેસ

અમદાવાદ. અમદાવાદમાં સોમવારે કોરોનાના 259 પોઝિટિવ કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં કુલ 29 દર્દીના મોત થયા હતા. જેમાંથી 26 દર્દી અમદાવાદના હતા. 26 મૃતકોમાંથી 14ને કોરોના સિવાય અન્ય કોઈપણ પ્રકારની બીમારી નહોતી, ચારના મોત તો દાખલ થયા તે દિવસે જ થયા હતા.  24ના મૃત્યુ સિવિલમાં જ્યારે 2ના મૃત્યુ એસવીપી હોસ્પિટલમાં થયા છે. 26માંથી 24 મોત રેડ ઝોન એેવા મધ્ય અને દક્ષિણ ઝોનમાં થયા છે. શહેરમાં કુલમૃત્યુઆંક 234એ પહોંચ્યો છે. જમાલપુર-ખાડિયામાં 50 કેસ નોંધાયા છે. મણિનગરમાં પણ 13 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો 4 હજારને પાર થઈ ગયો છે. 
શહેરમાં સોમવારે ‘હોટસ્પોટ’ ગણાતા મધ્ય ઝોનમાંથી 79 કેસ મળ્યા હતા. જ્યારે દક્ષિણ ઝોનમાં 50 કેસ નોંધાયા હતા. આ સિવાય નવરંગપુરામાં 9, બોડકદેવમાં 5, વાસણામાં પણ 7 કેસ નોંધાયા હતા.  જો કે, શહેરમાં કોરોનાના કારણે 14 લોકોના મોત થયા હતા. જ્યારે 12ને મલ્ટિપલ બીમારી જેમ કે ડાયાબિટીસ, હાયપર ટેન્શન, કિડની, ટીબી, ફેફસાં અને થાઈરોડ જેવી બીમારી હતી. મૃતકોમાં 16 પુરુષ અને 10 મહિલાઓનો સમાવેશ થાય છે. દાણીલીમડામાં 7, જમાલપુરમાં 5, દરિયાપુર-અસારવામાં 3-3, શાહપુરમાં 2 અને લાંભા, ખાડિયા, ખોખરા, રામોલ-હાથીજણ, ઈસનપુર અને સરદારનગરમાં એક-એક દર્દીના મોત નીપજ્યા હતા. શહેરમાં કુલ મૃત્યુઆંક 234 થયો છે.
છેલ્લા 1 મહિનામાં 4031 કેસ

  • 21 માર્ચથી 4 એપ્રિલ સુધી માત્ર 45 પોઝિટિવ કેસ હતા. 4 મે સુધીમાં કુલ કેસની સંખ્યા વધીને 4076એ પહોંચી ગઈ. એટલે કે માત્ર એક મહિનામાં 4031 વધી ગયા છે. 
  • 29 એપ્રિલથી 4 મે સુધી સતત 230થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 6 દિવસમાં જ 1533 કેસ નોંધાયા છે.

6 દિવસથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે
29 એપ્રિલે 9નાં મોત થયા હતા.  4 મેના રોજ તે સંખ્યા લગભગ ત્રણ ગણી જેટલી વધીને 26 થઈ ગઈ છે. 
માત્ર કોરોનાથી મરનારાઓનો આંક વધી રહ્યો છે
શરૂઆતમાં કો-મોર્બિડ એટલે કે હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈડબ્લડ પ્રેશરવાળા દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામતા હતા. પરંતુ હવે અન્ય બીમારી ન હોય તેવા દર્દીઓના મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે.