કોરોના / વિશ્વમાં કોરોનાને લીધે 3,814 લોકોના મોત, 109122 લોકો સંક્રમિત થયા, ઈટલીમાં એક દિવસમાં 133 મોત થયા

કોરોના / વિશ્વમાં કોરોનાને લીધે 3,814 લોકોના મોત, 109122 લોકો સંક્રમિત થયા, ઈટલીમાં એક દિવસમાં 133 મોત થયા

બેઈજીંગ/જીનિવા/નવી દિલ્હીઃ ચીનના હુબેઈ પ્રાંતની રાજધાની વુહાનથી ઉદભવેલો કોરોના વાઈરસ અત્યાર સુધીમાં વિશ્વના 100થી વધારે દેશમાં ફેલાઈ ગયો છે અને આશરે 3,814 કરતા વધારે લોકોનો ભોગ લીધા છે. આ ઉપરાંત 1,09,122 લોકો વાઈરસને લીધે સંક્રમિત થયા છે. ચીનમાં કોરોનાને લીધે મૃત્યુ પામનાર પૈકી 80 ટકા કેસમાં મૃતકો 60 વર્ષથી વધુ ઉંમરના છે. બીજી બાજુ સંક્રમિત લોકોની સંખ્યા સરકારી આંકડાથી ઘણી વધારે હોઈ શકે છે. ચીનમાં
અત્યાર સુધીમાં 3,119 લોકોના મોત થયા છે અને 80,735 લોકોને સંક્રમણ થયું છે.ચીનની બહાર કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે ત્યાંરે ચીનમાં કોરોનાના કેસની સંખ્યામાં ઝડપભેર ઘટાડો થઈ રહ્યો છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના અહેવાલ પ્રમાણે ચીનમાં સોમવારે 22 લોકોના કોરોનાને લીધે મોત થયા છે.

ઈટલીમાં કોરોનાથી 366 લોકોના મોત

આ સાથે અત્યાર સુધીમાં 3,119 લોકો કોરોનાને લીધે મૃત્યુ પામ્યા છે. સમગ્ર ચીનમાં સોમવારે 40 નવા કેસ સામે આવ્યા છે, જે જાન્યુઆરી બાદ સૌથી ઓછા છે. બીજી બાજુ ઈટલીમાં કોરોનાને લીધે છેલ્લા 24 કલાકમાં 133 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. ઈરાનમાં રવિવારે કુલ 49 લોકોના કોરોનાને લીધે મોત થયા છે. ઈરાનમાં 24 કલાકમાં મૃત્યુનો આ સૌથી મોટો આંક છે. ઈરાનમાં 743 નવા કેસની પૃષ્ટી થઈ છે અને મૃત્યુઆંક પણ 194 પહોંચી ગયો છે. ઈટલીમાં રવિવારે કોરોના વાઈરસથી મૃત્યુની ઘટનામાં વિશ્વમાં બીજુ સ્થાન હાંસલ કરી લીધું. ચીનમાં સૌથી વધારે મોત થયા છે. ઈટલી બાદ દક્ષિણ કોરિયાનું નામ છે, જ્યાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યા છે.ઈટલી નાગરિક સુરક્ષા એજન્સીના જણાવ્યા પ્રમાણે હાર્ડબોન લોમ્બાર્ડી ક્ષેત્રમાં સૌથી વધારે મોત થયા હોવાનું સામે આવ્યું છે. અહીં મૃત્યુઆંક લગભગ ત્રણ ગણો છે. રવિવારે વધુ 133 લોકોના મોત થતા ઈટલીમાં કુલ મૃતકોની સંખ્યા 366 થઈ ગઈ છે.

દક્ષિણ કોરિયામાં 7,375 લોકો કોરોનાથી સંક્રમિત
ઈટલીમાં એક જ દિવસમાં કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીની સંખ્યા 1,492થી વધીને 7,375 થઈ ગઈ છે. બીજી બાજુ કોરિયામાં અત્યારે 7,313 કેસ સામે આવ્યા છે અને રવિવારે સંક્રમણનો દર ધીમો પડ્યો છે. ઈટલીની નાગરિક સુરક્ષા એજન્સીના વડા એન્જેલો બોરેલીએ કહ્યું કે કોરોના વાઈરસના પ્રકોપને અટકાવવા માટે 220 લાખ સર્જીકલ માસ્કનો આર્ડર આપવામાં આવ્યો છે.

અમેરિકામાં 22 લોકોના મોત, 213 લોકો સંક્રમિત
અમેરિકામાં પણ કોરોનાની અસર વધી રહી છે. અત્યાર સુધીમાં કોરોનાને લીધે અમેરિકામાં 22 લોકોના મોત થયા છે જ્યારે 213 લોકોને સંક્રમણ થયું છે. અમેરિકાના ન્યુ યોર્ક, વોશિંગ્ટન, કેલિફોર્નિયા અને ફ્લોરિડા સહિત આઠ પ્રાંતમાં કોરોના વાઈરસના સંક્રમણને લીધે સ્થાનિક પ્રશાસને ઈમર્જન્સી જાહેર કરી છે. વિશ્વના અન્ય દેશોમાં કોરોનાની સ્થિતિને જોઈએ તો ફ્રાંસમાં અત્યાર સુધીમાં 19, સ્પેનમાં 8, જાપાનમાં 6, ઈરાકમાં 4, નેધર્લેન્ડ-ઓસ્ટ્રેલિયા અને હોંગકોંગમાં 3-3 લોકોના મોત થયા છે. સ્વિત્ઝરલૅન્ડ અને બ્રિટનમાં 2-2 લોકોના તથા સેન્ટ મેરીનો, આર્જેન્ટીના, થાઈલેન્ડ અને તાઈવાનમાં એક-એક લોકોના મોત થયા છે.