કોરોના વાઇરસ ઇફેક્ટ / એક મહિલાએ કહ્યું, ‘મને અને સાસુને સપના આવે છે કે બંનેના પતિનું કોરોનાથી મોત થયું છે ’

કોરોના વાઇરસ ઇફેક્ટ / એક મહિલાએ કહ્યું, ‘મને અને સાસુને સપના આવે છે કે બંનેના પતિનું કોરોનાથી મોત થયું છે ’

  • સલાહ કેન્દ્રમાં કોરોનાના કારણે ચિત્ર-વિચિત્ર સપના આવતા હોવાની ફરિયાદ
  • શાસ્ત્રો મુજબ કોઇના મૃત્યુનું સ્વપ્ન આવે તો તેનું આયુષ્ય વધે તેવી સલાહ આપી

રાજકોટ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન સલાહ કેન્દ્રના કાઉન્સેલિંગ સેન્ટરમાં શુક્રવારે કોરોનાના ભયના કારણે આવતા ચિત્ર-વિચિત્ર સપનાંઓની સમસ્યા આવી હતી. એક મહિલાએ ફોન કરી જણાવ્યું હતું કે મને અને મારા સાસુને એક સમાન સ્વપ્ન આવે છે. મારા સાસુને એવું સ્વપ્ન આવે છે કે મારા સસરાને કોરોના થયો ને તેઓનું અવસાન થયું અને મને પણ એવા જ સપના આવે છે કે મારા ઘરવાળાને કોરોના થયો ને તેઓનું અવસાન થયું. અમે બન્ને સાસુ-વહુ રડી રડીને અડધા થઇએ છીએ. આવા સપના કેમ આવતા હશે.? સલાહકારે જણાવ્યું કે ચિંતાને લીધે આવા સ્વપ્ન આવતા હોય છે. ભારતીય શાસ્ત્રો મુજબ કોઇના મૃત્યુનું સ્વપ્ન આવે તો તેમની આયુષ્ય ‌વધતી હોય છે માટે ચિંતા ન કરો. તેની સંભાળ રાખો.

સપનામાં કોરોના વાઇરસના વિચારો આવે છે
બીજા બનાવમાં એક પતિએ એવી સમસ્યા વર્ણવી હતી કે મારી પત્નીને એવા સપના આવે છે કે કોઇ મોટા દાનવના મોઢામાં આખી પૃથ્વી આવી ગઇ છે તે ધીરે ધીરે પૃથ્વી ગળી રહ્યો છે. આ દાનવ લાલ કલરનો અને તેના શરીરમાં ઝીણા ઝીણા ભાલા જેવા રુંવાડા છે. સાહેબ..આવું શક્ય બને ખરું? અન્ય સમસ્યામાં મહિલાએ કહ્યું કે મને સતત એવા જ વિચારો આવે છે કે મારી જેઠાણી રસોઇ બનાવે તેમાં કોરોના વાઇરસ નાખી દેશે અને મને કોરોના થશે તો? અનેય એક સમસ્યામાં કહેવાયું છે કે નળમાંથી પાણી ભરું કે હાથ ધોઉં તો એમ જ થાય છે કે પાણી સાથે વાઇરસનો ફૂવારો મારા પર થાય છે. મેં સમાચાર જોયા કે પાણીમાં પણ કોરોના વાઇરસ હોય છે ત્યારથી આવા વિચારો આવે છે.