કોરોના – રસી લેનારનું આધાર લિન્ક થશે, કોવિન ઍપ ડાઉનલોડ કરવી પડશે; રસીકરણની સંપૂર્ણ માહિતી એપ પર મળશે

કોરોના – રસી લેનારનું આધાર લિન્ક થશે, કોવિન ઍપ ડાઉનલોડ કરવી પડશે; રસીકરણની સંપૂર્ણ માહિતી એપ પર મળશે

કોને વેક્સિન લાગી ગઈ, કોને નહીં તે પણ ખબર પડી જશે

દુનિયાની નજર કોરોનાની અસરકારક વેક્સિન પર મંડાયેલી છે. આમ તો દુનિયાભરમાં કુલ 73 વેક્સિન જુદા-જુદા તબક્કામાં છે, જેમાંથી 6 વેક્સિનનો ઇમરજન્સી ઉપયોગ શરૂ થઇ ગયો છે. 73માંથી 5 મુખ્ય વેક્સિન છે, જે આ વર્ષે ડિસે.થી આવતા વર્ષે એપ્રિલ સુધીમાં બજારમાં આવવાની શક્યતા છે. ભારતમાં કોરોના વેક્સિનેશન માટે સરકાર કોવિન ઍપની મદદ લેશે. રસીકરણની યાદીમાં સામેલ કરીને વ્યક્તિને તેના આધાર સાથે લિન્ક કરાશે, જેથી ડુપ્લીકસી ન થાય. જેમની પાસે આધાર ન હોય તેમના માટે શું પગલાં ભરાશે તેની માહિતી હજુ નથી અપાઇ.

દવા કંપનીઓ અંદાજે 530 કરોડ ડોઝ બનાવશે
આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનના જણાવ્યાનુસાર જુલાઇ, 2021 સુધીમાં પ્રાથમિકતા અનુસાર 25-30 કરોડ ભારતીયોને રસી અપાઇ શકે છે. તાજેતરમાં નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. વી. કે. પોલ, ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. કે. વિજયરાઘવન અને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણની બેઠકમાં વેક્સિન આવ્યા પહેલાં કોઇ કંપની પાસેથી તે ખરીદવા માટેની સમજૂતી કરવાના રસ્તા અંગે પણ વાત થઇ. દવા કંપનીઓ અંદાજે 530 કરોડ ડોઝ બનાવશે. તેમાંથી 270 કરોડ એટલે કે અંદાજે 51% અમેરિકા, બ્રિટન જેવા વિકસિત દેશોને મળશે.

ભારતમાં કોવિન એપના માધ્યમથી વેક્સિનનો સ્ટૉક, સ્ટૉરેજ જેવી મહત્ત્વપૂર્ણ માહિતીઓ મળશે. વેક્સિન ક્યારે લાગશે? તેની પણ માહિતી એપ આપશે. તેમાં રિયલ ટાઈમ ડેટા પણ રહેશે. જાણો એપ વિશે અન્ય માહિતીઓ…

વેક્સિનની હેરફેરમાં તાપમાન ન બદલાય તેના પર એપ નજર રાખશે
આ એપ વેક્સિન સ્ટૉરેજથી લઇને હેલ્થ સેન્ટર, હોસ્પિટલ કે રસી કેન્દ્ર સુધી હેરફેરને ટ્રેક કરશે. જો સ્ટૉક પૂરો થઈ જશે તો આ એપ તેના પર નોટિફિકેશન મોકલશે. સંપૂર્ણ હેરફેરમાં વેક્સિનના તાપમાન પર એપ નજર રાખશે.

તમને ડૉઝ લાગ્યા પછી કોવિન એપ સર્ટિફિકેટ આપશે
કોવિન એપના માધ્યમથી લોકો તેમના રસીકરણના શિડ્યૂલ, લૉકેશન અને વેક્સિન કોણ લગાવશે તેની વિગત પણ ચકાસી શકશે. એક વાર વેક્સિનનો ડૉઝ મળી જશે તો એપ સર્ટિફિકેટ પણ આપશે. ડિજિલૉકરમાં સેવ કરી શકાશે.

કોવિન એપમાં ફ્રન્ટલાઈન વર્કર્સ અને દર્દીઓનો ડેટા રહેશે
એપમાં ફ્રન્ટલાઈન વર્કર્સ, 50 વર્ષથી વધુ વયના લોકો અને ગંભીર બીમારીઓનો સામનો કરી રહેલા લોકોનો ડેટા રહેશે. જિલ્લા સ્તરે તેમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કામ કરનારાઓનો ડેટા પણ રહેશે. સૌથી પહેલાં રસી અપાશે.

સ્કૂલો, પંચાયત અને આંગણવાડીમાં પોલિયો અભિયાન બૂથ
કેન્દ્ર સરકાર વેક્સિન ઉત્પાદકો પાસેથી ડોઝ ખરીદશે. રાજ્ય સરકારો એ ઈમારતોની ઓળખ કરી રહી છે, જેનો વેક્સિનેશન બૂથ તરીકે ઉપયોગ કરી શકાય. સ્કૂલો, પંચાયત ઈમારતો અને આંગણવાડી કેન્દ્રોનો પણ તેના માટે ઉપયોગ થઈ શકે છે. વેક્સિનેશનની યાદીમાં સામેલ વ્યક્તિને તેના આધાર સાથે લિંક કરાશે, જેથી ડુપ્લિકેશન ના થાય. તેનાથી એ પણ ટ્રેક થઈ શકશે કે, કોને વેક્સિન અપાઈ ચૂકી છે. દેશના તમામ જિલ્લામાં આશરે 28 હજાર વેક્સિન સ્ટોરેજ સેન્ટર છે, જે ઈલેક્ટ્રોનિક વેક્સિન ઈન્ટેલિજન્સ નેટવર્ક એટલે કે ઈ-વિન સાથે જોડાયેલા છે. તેના પરિવહનમાં આશરે 40 હજાર ફ્રંટલાઈન વર્કર્સ છે.

દુનિયામાં વેક્સિન

  • મોડર્ના- ઇમરજન્સી ઉપયોગની તૈયારીમાં. અસરદાર- 94.5% ડિસેમ્બરમાં આવી શકે છે.
  • ફાઇઝર- ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માગી. અસરદાર- 95% ડિસેમ્બરમાં આવી શકે છે.
  • એસ્ટ્રાજેનેકા- ત્રીજા ફેઝના પરિણામ આવશે. અસરદાર- 95% ફેબ્રુઆરીમાં આવી શકે છે.
  • કોવેક્સિન- ત્રીજી ટ્રાયલ શરૂ થઇ ચૂકી છે. અંદાજે 26 હજાર લોકો પર ટ્રાયલ થશે.
  • સ્પુટનિક- બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. બે ડોઝમાં અપાશે.