કોરોના ચૂંટણી અને સભાઓથી ડરે છે એટલે ચૂંટણીવાળા રાજ્યોમાં જતો નથી !

કોરોના ચૂંટણી અને સભાઓથી ડરે છે એટલે ચૂંટણીવાળા રાજ્યોમાં જતો નથી !

કોરોનાની સ્ફોટક પરિસ્થિતિ છતી ન થાય એટલા માટે ચૂંટણીવાળા રાજ્યોના કેસની વિગતો જાહેર કરાતી નથી

નવી દિલ્હી

દેશમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે બીજીબાજુ પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. કોરોના જાણે ચૂંટણી અને સભાઓથી ડરતો હોય તેમ ચૂંટણીવાળા રાજ્યોમાં જતો જ નથી એટલે આ રાજ્યોમાં જાણે કોરોના છે જ નહીં એવી રીતે જંગી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે.

સરકાર લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સતત નિર્દેશ આપે છે. મોટાભાગના દરેક રાજ્યની સરકારો કોરોનાના દૈનિક કેસની યાદી પણ બહાર પાડે છે. પરંતુ ચૂંટણીવાળા રાજ્યોમાં જાણે કોરોનાના છે જ નહીં તેમ નેતાઓ જંગી રેલીઓ અને સભાઓ યોજી રહ્યા છે. વધુમાં આ રેલીઓ અને સભાઓમાં કોઈ માસ્ક પહેરતું નથી અને સોશિયલ ડિસ્ટન્સના તો ધજાગરા ઊડી જાય છે. આમ છતાં લોકો કે નેતાઓ કોઈના પેટનું પાણી નથી હલતું. બીજી બાજુ ચૂંટણી સિવાયના રાજ્યમાં જો એકલ-દોકલ વ્યક્તિ પણ માસ્ક વગર ફરતી દેખાય તો પોલીસ દંડ ફટકારે છે અને ચૂંટણી સભા તથા રેલીઓમાં હજારો લોકો માસ્ક વગર ફરે છે ત્યારે તેમને કોઈ દંડ થતો નથી. ચૂંટણીવાળા રાજ્યોમાં સરકારની નિષ્ક્રિયતા સામે લોકો જાગૃત નહીં બને તો કોરોના મહામારી વધુ વકરી શકે છે. દરમિયાનમાં ગુજરાતમાં કોરોના વકર્યો છે, સ્થિતિ અત્યંત ગંભીર છે છતાં સરકાર ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી રંગે ચંગે યોજવા જઈ રહી છે.

( Source – Gujarat Samachar )