કોરોના કાનમાંથી પણ શરીરમાં પ્રવેશી શકે છે! : નવા અભ્યાસમાં ઘટસ્ફોટ

કોરોના કાનમાંથી પણ શરીરમાં પ્રવેશી શકે છે! : નવા અભ્યાસમાં ઘટસ્ફોટ

મોં-નાક ઉપરાંત હવે કાનને પણ બચાવવા જરૂરી

અભ્યાસ દરમિયાન વિજ્ઞાનિકોએ નોંધ્યું કે દર્દીઓના કાનની વચ્ચે પણ કોરોના વાયરસની હાજરી હતી

નવી દિલ્હી, તા. 25 જુલાઇ, 2020, શનિવાર

અત્યાર સુધી કોરોના મોં અને નાક વાટે થતો હતો એવી માન્યતા હતી, પરંતુ હવે નવું સંશોધન કહે છે કે કાન વાટે પણ કોરોના વાયરસ શરીરમાં પ્રવેશી શકે છે. મોં-નાક ઉપરાંત હવે કાન બચાવવા પણ જરૂરી થઈ પડયાં છે. કોરોના સંક્રમિત દર્દીઓના કાનની વચ્ચે કોરોના વાયરસની હાજરી નોંધાઈ હતી.

કાનમાંથી પણ કોરોના વાયરસ શરીરમાં પ્રવેશી શકે છે એવી ચેતવણી અમેરિકન વિજ્ઞાાનિકોએ આપી છે. ધ જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશનમાં પ્રસિદ્ધ થયેલાં એક અભ્યાસ પ્રમાણે વિજ્ઞાાનિકોએ કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલાં દર્દીના શરીરનો અભ્યાસ કર્યો હતો.

ઓટોપ્સી રીપોર્ટ તપાસીને ડૉક્ટરો પણ આશ્વર્યમાં પડી ગયા હતા. જોન હોપકિંગ સ્કૂલ ઓફ મેડિસીનની ટીમે કોરોના શરીરમાં ક્યા પ્રવેશદ્વારથી પ્રવેશે છે તે અંગે રીપોર્ટ તૈયાર કર્યો હતો. એ અહેવાલ અમેરિકન સાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો. 

રીપોર્ટમાં દાવો કરાયો હતો કે કોરોના સંક્રમિત દર્દીના કાનની વચ્ચે પણ કોરોના વાયરસની હાજરી જોવા મળી હતી. અત્યાર સુધી નાક-ગળાના માધ્યમે કોરોના શરીરમાં પ્રવેશે છે એવી વ્યાપક ધારણા હતી, પરંતુ શક્તિશાળી કોરોના વાયરસ કાનના માધ્યમે પણ શરીરમાં પ્રવેશતો હોવાનું પ્રથમ વખત નોંધાયું હતું.

કોરોના શરીરમાં પ્રવેશે પછી સૌથી પહેલાં ફેંફસાને અસર કરે છે. તે સિવાય દર્દીની ઉંમર પ્રમાણે તે શરીરના ઘણાં અવયવોને અસર કરે છે, પરંતુ તેનું પ્રવેશદ્વાર  મોં અને નાક બનતા હતા.

આ બંને પ્રવેશદ્વાર સુરક્ષિત રાખવામાં આવે તો કોરોના શરીરમાં પ્રવેશી શકતો નથી એવી માન્યતા વિશ્વભરમાં હતી. જોકે, સંશોધકોએ આશ્વર્ય વ્યક્ત કર્યું હતું કે માત્ર મોં-નાક ઉપરાંત હવે કાનની પણ સંભાળ રાખવી જરૂરી છે. કોરોના વાયરસ શરીરમાં ઘૂસવા માટે કાનને પણ માધ્યમ બનાવી શકે છે.

રીપોર્ટમાં કહેવાયું હતું એ પ્રમાણે મોટીવયના દર્દીના કાનની વચ્ચે કોરોના વાયરસની હાજરી નોંધાઈ હતી. હજુ આ અંગે વધુ સંશોધનોને અવકાશ હોવાનું પણ તેમાં કહેવાયું હતું. વયજૂથના આધારે કોરોના કાનને પ્રવેશદ્વાર બનાવતો હોવાની શક્યતા છે. મોં-નાકના માધ્યમે કોરોના શરીરમાં પ્રવેશે છે એટલી સરળતાથી કાન વાટે પ્રવેશી શકતો નથી એવી નોંધ પણ અહેવાલમાં કરાઈ હતી.