‘કોરોના’ એ દુનિયાભરના બજારોને કચડી નાખ્યાં, ભારતીય બજારોમાં જોવા મળશે ‘બ્લેક ફ્રાઇડે’!

‘કોરોના’ એ દુનિયાભરના બજારોને કચડી નાખ્યાં, ભારતીય બજારોમાં જોવા મળશે ‘બ્લેક ફ્રાઇડે’!

કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ સર્જાયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્વારા કોરોના વાયરસને મહામારી જાહેર કર્યા બાદ ગુરૂવારે શેર માર્કેટમાં પણ ઐતિહાસિક કડાકો જોવા મળ્યો છે. ભારતીય શેર માર્કેટમાં સેન્સેક્સ ગુરૂવારે 2,919 અંક પટકાઈને જ્યારે નિફ્ટી 868 અંક ગગડીને સેટલ થયા હતા. અંકોના આધારે આ સેન્સેક્સનો અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો છે.

ગુરૂવારે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ એક સમય 3,200થી વધુ પોઈન્ટ પટકાયો હતો. જ્યારે નિફ્ટી પણ 950 પોઈન્ટ સુધી પટકાયો હતો. કોરોના વાયરસની અસરે વૈશ્વિક બજાર પણ જબરદસ્ત પ્રભાવિત થયા છે. કોરોના વાયરસના કારણે વિશ્વના કેટલાક દેશોએ પોતાની ઇન્ટરનેશનલ બોર્ડરને બંધ કરી દીધી છે. જેમાં અમેરિકા પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ મુજબ બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસના કારણે યુરોપ પ્રવાસને સ્થિગત કર્યો હતો. જેના પછી અમેરિકન માર્કેટમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો.

S&P 500 અને Nasdaqમાં કડાકો:

રિપોર્ટ મુજબ S&P 500 અને Nasdaqમાં 16 સેશન પહેલા રેકોર્ડ લેવલે પહોંચ્યાથી લગભગ 24 ટકા સુધીનો કડાકો જોવા મળ્યો હતો. જ્યારે ડાઉ જોન્સ ગુરુવારે 2352 પોઈન્ટના ઘટાડા સાથે બંધ આવ્યો. ત્યારે હવે બજાર નિષ્ણાતો મુજબ અમેરિકન શેર માર્કેટમાં કડાકાની અસર હવે ભારતીય શેર માર્કેટ સેન્સેક્સ અને નિફ્ટી પર જોવા મળી શકે છે. બુધવાર અને ગુરૂવારના ટ્રેડને જોતા હવે શુક્રવારે પણ ભારતીય શેર માર્કેટમાં મંદ વલણ જોવા મળી શકે છે અને ‘બ્લેક ફ્રાઇડે’ સાબિત થઈ શકે છે.

ડાઉ જોન્સમાં 15 મિનિટ માટે ટ્રેડિંગ બેન:

મીડિયા રિપોર્ટ મુજબ ડાઉ જોંસમાં કડાકાને જોતા લોઅર સર્ક્રિટ બ્રેકર લાગૂ કરવામાં આવ્યું. જેના પગલે ટ્રેડિંગ 15 મિનિટ સુધી રોકવામાં આવી હતી. શેર માર્કેટમાં જો 10 ટકા અથવા તેનાથી વધુનો ઘટાડો નોંધવામાં આવે તો લોઅર સર્કિટ લાગે છે અને શેર ટ્રેડિંગ રોકવામાં આવે છે. ઉપરાંત S&P 500 9.51 ટકા, Nasdaq 9.43 ટકા, હેંગસેંગ 3.66 ટકા, સીએસી 12.28 ટકા અને નિક્કઈ 9.48 ટકા પટકાયા.