કોરોના / અમેરિકામાં દર અઢી મિનિટે ૧નું મોત થાય છે ૨૪ કલાકમાં 1000 સાથે કુલ 5100ના મોત

કોરોના / અમેરિકામાં દર અઢી મિનિટે ૧નું મોત થાય છે ૨૪ કલાકમાં 1000 સાથે કુલ 5100ના મોત

। નવી દિલ્હી ।

વિશ્વમાં કાળપંજો પ્રસારી ચૂકેલો કોરોના વાઇરસ મહાસત્તાઓ સહિત ગરીબ દેશોને પણ હચમચાવી રહ્યો છે. બુધવારે વિશ્વમાં કોરોના પોઝિટિવના કુલ કેસ ૮,૮૪,૦૭૫ અને કુલ મોત ૪૪,૧૬૯ પર પહોંચી ગયા હતા. દરેક મોરચે દુનિયામાં અગ્રેસર એવો અમેરિકા પણ કોરોના વાઇરસની સામે લાચાર બની ગયો છે. યુરોપની આર્થિક મહાસત્તાઓ તેના નાગરિકોને મોતના મુખમાં હોમાતા બચાવી શકતી નથી. અમેરિકામાં કોરોનાના કારણે મંગળવારે કુલ ૯૧૨ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો ચાર હજારને પાર કરી બુધવાર સવાર સુધીમાં ૪૦૬૬ પર પહોંચી ગયો હતો.

અમેરિકામાં ચીન કરતાં પણ વધુ લોકો કોરોનાની આગમાં હોમાઇ ગયા છે. મંગળવારે રાત્રે મોતનો કુલ આંકડો 5000ને પાર કરી ગયો હતો. બુધવાર સવાર સુધીમાં નોંધાયેલા કુલ ૯૧૨ મોતમાંથી ૪૦ ટકા એટલે કે ૩૬૦ કરતાં વધુ મોત એકલા ન્યૂયોર્કમાં નોંધાયાં હતાં.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, આગામી બે સપ્તાહ અમેરિકા માટે અત્યંત પીડાદાયક સાબિત થવાના છે. હું અમેરિકાના દરેક વ્યક્તિને આગામી આકરા દિવસો માટે તૈયારી કરવા અપીલ કરું છું. આગામી બે સપ્તાહ અમેરિકા માટે અત્યંત આકરા પુરવાર થવાના છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં અમેરિકામાં એક લાખથી ૨,૪૦,૦૦૦ લોકોનાં મોત થઇ શકે છે. ન્યૂયોર્ક સ્ટેટમાં ૧૫૫૦ કરતાં વધુ મોત નોંધાયાં છે. જેમાંના ૧૦૦૦થી વધુ મોત ન્યૂયોર્ક શહેરમાં થયાં છે. આગામી સમય ન્યૂયોર્ક માટે અત્યંત કપરો સાબિત થવાનો છે.

અમેરિકામાં દર અઢી મિનિટે એક વ્યક્તિનું મોત થઇ રહ્યું છે. ન્યૂયોર્ક શહેર કોરોના પોઝિટિવ કેસના મામલામાં ચીનના વુહાનને પછાડીને આગળ નીકળી ગયું છે. શહેરમાં લાશોના ઢગલા સર્જાઇ રહ્યા છે. અંતિમક્રિયા કરનારી કંપનીના જણાવ્યા અનુસાર ન્યૂયોર્કમાં તમામ શબઘર ભરાઇ ગયાં છે. શહેરમાં લાશો દફનાવવાની જગ્યા ખૂટી રહી છે.

ન્યૂયોર્કમાં કોરિડોરમાં લોકોને સારવાર અપાઇ રહી છે

ન્યૂયોર્કમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઇ છે. એકલા ન્યૂયોર્ક શહેરમાં ૪૩૦૦૦ કોરોના પોઝિટિવ દર્દી છે. હોસ્પિટલોમાં બેડ ખૂટી પડવાના કારણે કોરિડોરમાં જ દર્દીઓને સારવાર આપવામાં આવી હી છે. હોસ્પિટલોમાં વેન્ટીલેટરની તીવ્ર અછત ઊભી થઇ છે. ન્યૂયોર્કના ગવર્નરે રાજ્યની અન્ય હોસ્પિટલોમાં દર્દીઓને ખસેડવાના આદેશ આપ્યાં છે.

બ્રિટનમાં એક જ દિવસમાં ૫૦૦થી વધુનાં મોત

બ્રિટનમાં પહેલીવાર એક જ દિવસમાં પાંચસોથી વધુ એટલે કે ૫૬૩ મોત નોંધાયાં હતા. બ્રિટને જણાવ્યું હતું કે, બુધવારે કોરોના વાઇરસના કારણે થયેલા મોતનો આંકડો ૧૭૮૯થી વધીને ૨૩૫૨ પર પહોંચી ગયો હતો. બ્રિટનમાં કોરોનાના કુલ કેસ ૨૯૪૭૪ પર પહોંચી ગયા હતા.

તૂર્કમેનિસ્તામાં કોરોના શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ

મધ્ય એશિયામાં આવેલા તૂર્કમેનિસ્તાને દાવો કર્યો છે કે અમારા દેશમાં કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી. તૂર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિ ગુરબેન્ગુલી બર્ડીમુખામેદોવે દેશમાં કોરોના વાઇરસના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે મીડિયાને કોરોના વાઇરસ શબ્દથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે.

સ્ટારવોર્સના અભિનેતા એન્ડ્રુ જેકનું કોરોનાના કારણે નિધન

સ્ટાર વોર્સના અભિનેતા એન્ડ્રુ જેકનું મંગળવારે કોરોના વાઇરસના કારણે સરે ખાતેની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. તેઓ ૭૬ વર્ષના હતા. તેઓ અંતિમ દિવસોમાં પત્નીને પણ મળી શક્યા નહોતા. તેમના પત્નીને કોરોના વાઇરસને કારણે  ઓસ્ટ્રેલિયામાં ક્વોરન્ટાઇનમાં રખાયાં છે.

સ્પેનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૮૯ના મોત સાથે મૃતાંક ૯૦૦૦ને પાર

સ્પેનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૬૪ મોત સાથે કોરોના વાઇરસના કારણે થયેલા કુલ મોતનો આંકડો ૯૦૦૦ને પાર જતો રહ્યો હતો. બીજી તરફ ઈટાલીમાં એક જ દિવસમાં ૭૨૭નાં મોત થવા સાથે જ મોતનો કુલ મૃતાંક ૧૩,૧૫૫ પહોંચી ગયો છે. તે ઉપરાંત ઇરાનમાં કોરોના વાઇરસના કારણે કુલ મોતનો આંકડો બુધવારે ૩૦૦૦ને પાર કરીને ૩૦૩૬ પર પહોંચી ગયો હતો. ઇરાનમાં બુધવારે ૧૩૮ મોત અને ૨૯૮૮ નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં હતાં.

કોરોના સામે લાચાર મહાસત્તાઓ

કુલ કેસ

૧૮૮૮૮૧      અમેરિકા

૧૦૫૭૯૨      ઇટાલી

૧૦૨૧૩૬      સ્પેન

૮૧૫૫૪        ચીન

૭૪૫૦૮        જર્મની

૫૨૧૨૮        ફાન્સ

૨૯૪૭૪       બ્રિટન

કુલ મોત

૪૦૬૬        અમેરિકા

૧૨૪૨૮       ઇટાલી

૯૦૫૩        સ્પેન

૩૩૧૨        ચીન

૮૨૧          જર્મની

૩૫૨૩        ફ્રાન્સ

૨૩૫૨         બ્રિટન