કોરોનાવાયરસ / અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે ગુજરાતીઓએ ઘર અને મોટેલના દરવાજા ખોલ્યા

કોરોનાવાયરસ / અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે ગુજરાતીઓએ ઘર અને મોટેલના દરવાજા ખોલ્યા

  • જ્યોર્જિયા સહિત અલગ અલગ સ્ટેટના સંગઠનો આગળ આવ્યા
  • અમેરિકામાં યુનિવર્સિટી, શાળાઓ બંધ થવાથી વિદ્યાર્થીઓને સમસ્યા
  • ગુજરાતીઓ ભોજન, રહેણાક સહિત ટ્રાવેલ અને વિઝાને લગતી બાબતોમાં મદદ કરી રહ્યા છે

ઇન્ટરનેશનલ ડેસ્ક: કોરોના વાયરસના લીધે અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમરજન્સી જાહેર કરી દીધી છે. તેના લીધે સોમવારથી જ લોકોના મુવમેન્ટ પર નાકાબંધી શરૂ કરી દેવામાં આવી છે. શાળાઓ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને મ્યૂઝિયમ બંધ છે. આ પરિસ્થિતિમાં અહીં રહેતા ભારતીયોને કોઇ મુશ્કેલી ન પડે તેના માટે ગુજરાતી સંગઠનો આગળ આવ્યા છે. જ્યોર્જિયાના ઇન્ડિયન અમેરિક એસોસિએશનના નેજા હેઠળ ગુજરાતી સમાજ, ગોકુલધામ હવેલી ,શક્તિ મંદિર તેમજ મેકોન સ્થિત ઉમિયામાતા મંદિર દ્વારા વિદ્યાર્થીઓ માટે ભોજનથી લઇને અલગ અલગ સેવાઓ પૂરી પાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

સંગઠન તરફથી પ્રેસિડન્ટ વાસુદેવ પટેલે જણાવ્યું હતું કે અમે અત્યારે જ્યોર્જિયા અને અલાબામામાં અલગ અલગ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની મદદ માટે કાર્ય કરી રહ્યા છીએ. કોરોના વાયરસના લીધે તેમને ભોજન, રહેણાકથી લઇને ઇમિગ્રેશન સહિતની બાબતોમાં કોઇ સમસ્યા ન થાય તેના માટે અમે હેલ્પલાઇન સેન્ટર બનાવ્યું છે. તેમનો સંપર્ક પણ કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓ માટે સંગઠનના સભ્યો તેમના ઘરથી લઇને મોટલમાં પણ વ્યવસ્થા પૂરી પાડવા માટે તૈયાર છે. વિઝા અને ટ્રાવેલને લગતી સમસ્યાઓ માટે લગાતાર કોન્સ્યૂલેટના અધિકારીઓ પાસેથી બ્રિફીંગ લઇને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. કોઇને સંપર્ક કરવો હોય તો contactfiaga@gmail.com ઇમેલ એડ્રેસ પર સંપર્ક કરી શકે છે. તે સિવાય આ સંગઠનોને સીધો સંપર્ક પણ કરી શકાય છે.