કોરોનાવાઇરસ / અમદાવાદમાં 24 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નહીં, 16ના રિપોર્ટ પણ નેગેટિવ

કોરોનાવાઇરસ / અમદાવાદમાં 24 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નહીં, 16ના રિપોર્ટ પણ નેગેટિવ

શહેરમાં હજુ પણ 30ના રિપોર્ટ આવવાના બાકી

અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. છેલ્લા 2 દિવસમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે એસવીપી હોસ્પિટલમાં 32 લોકોને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 16ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. શહેરમાં  હજુ પણ 30ના રિપોર્ટ આવવાના બાકી છે. અત્યાર સુધી નેગેટિવ રિપોર્ટરની સંખ્યા 254 થઈ છે. 
કોરોનાનાં શંકાસ્પદ લક્ષણ સાથે શુક્રવારે 14ને SVPમાં દાખલ કરાયા
અમદાવાદ: અમદાવાદમાં અત્યારસુધી કુલ 15 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એસવીપી હોસ્પિટલમાં શુ્ક્રવારે વધુ 14 શંકાસ્પદ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. ગુરુવારે દાખલ કરવામાં આવેલા કુલ 15 લોકોના રિપોર્ટ હજુ બાકી હોવાનું જાણવા મળ્યું છે. 
છેલ્લા 48 કલાકમાં એસવીપી હોસ્પિટલમાં કુલ 32 લોકોને એડમિટ કરવામાં આવ્યા હતા જેમાંથી એક પોઝિટિવ કેસ નોંધાયો તો અને 15ના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અત્યારસુધી સમગ્ર શહેરમાંથી કુલ 281 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 254 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 30 રિપોર્ટ હજુ પેન્ડિંગ હોવાનું મ્યુનિ.સુત્રોનું કહેવું છે.
36 કલાકમાં 108ને 9374 કોલ મળ્યા
108નાં સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 36 કલાકમાં 108 એમ્બુલન્સને 9374 ઇમરજન્સી કોલ્સ પ્રાપ્ત થયા હતા. જ્યારે 307માં કોરોનાના શંકાસ્પદ લક્ષણો હોવાનું જણાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. 104 હેલ્પ લાઇનને 36 કલાકમાં 33,564 ફોન કોલ્સ મળ્યા હતા. આ કોલ્સમાં હવે કોરોનાની માહિતી કરતાં અન્ય માહિતી માટેના ફોન વધ્યા છે. 108 ઇએમઆરઆઇનાં સીઓઓ(ચીફ ઓપરેટિંગ ઓફિસર) જસવંત પ્રજાપતિ કહે છે. કે રાજ્યભરમાં કોરોનાના કેસ માટે 48 એમ્બુલન્સ ફાળવી છે. જેમાં  માર્ચ-2020થી અત્યાર સુધીમાં કોરોનાના પ્રાથમિક શંકાસ્પદ લક્ષણો સાથેનાં કુલ 991 લોકોને એમ્બુલન્સ સેવા આપી છે. 

લૉકડાઉન છતાં બહાર ફરતાં લોકોના ફોટા ડ્રોનથી પાડી લઈ પોલીસ કાર્યવાહી કરશે
કોરોના વાઈરસના ખતરાને દૂર રાખવા 21 દિવસ લૉકડાઉન ચાલી રહ્યું છે. આમ છતાં શહેરના કેટલાક વિસ્તારોમાં લોકો રોડ પર આવી જતા હોય છે. પોલીસે આવા લોકોને પકડવા નવો માર્ગ અપનાવ્યો છે. શુક્રવારે ચાણક્યપુરીમાં પોલીસે ડ્રોન ઉડાડ્યું હતું. આ ડ્રોનથી તસવીરો ખેંચવામાં આવે છે અને કામ વગર બહાર ફરતાં લોકોના ફોટા પડી જાય છે. પોલીસ આ ફોટા પરથી તેમને શોધી આકરી કાર્યવાહી કરશે.
મહિલા ડૉક્ટરના સંપર્કમાં આવેલા 13 ક્વોરન્ટાઈનમાં
શહેરમાં મહિલા તબીબને કોરોના પોઝેટિવ થતા તેમના સંપર્કમાં આવેલા લોકોને શોધવાની કામગીરી મ્યુનિ.હેલ્થ વિભાગની ટીમો કરી રહી છે. શુક્રવારે વધુ 13 લોકોને ક્વોરન્ટાઈનમાં મૂકી દેવાયા છે. તેમના સંપર્કમાં આવેલા કુલ 82 લોકો ક્વોરન્ટાઈનમાં છે. અત્યારસુધી શહેરમાં આવેલા 15 પોઝિટિવ કેસ પૈકી મહિલા તબીબના સંપર્કમાં સૌથી વધુ લોકો આવ્યા છે. કુલ 15 પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા 272 લોકો ક્વોરન્ટાઈન હેઠળ છે. આ મહિલા તબીબના પતિ પણ હોમ ક્વોરન્ટાઈનમાં છે. મહિલા ઈએસઆઈ હોસ્પિટલમાં કામ કરતા હોવાથી સ્ટાફની પણ ચકાસણી થઈ રહી છે. 
વિદેશથી આવેલા 4 હજાર લોકો સંપર્કમાં આવેલાનાં નામો આપે 
અમદાવાદ મ્યુનિ.કમિશનરે વિદેશથી અમદાવાદ આવેલા 4000 લોકોને અપીલ કરી છે અને તેઓ એરપોર્ટ પર ઉતર્યા ત્યારથી ઘરે પહોંચ્યા અને ઘરે રહ્યાં ત્યારે પણ જે જે લોકોના સંપર્કમાં આવ્યા હોય તે તમામ લોકોના નામ-નંબરની યાદી કોર્પોરેશનને સોંપવા કહ્યું છે. કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, તમે વિદેશથી આવ્યા પછી ઘણા લોકો સામે અમે સખત કાર્યવાહી કરી છે, પોલીસ પગલાં પણ લેવામાં આવ્યા છે, છતાં ક્વોરન્ટાઈનમાં તમારા અનુભવો સારા રહે તે માટે અમારી મ્યુનિ.ની ટીમ દ્વારા તમને અનાજ સહિત ફુડની વ્યવસ્થા ગોઠવી આપી છે. જેથી તમારા 14 દિવસો પણ સરળતાથી પૂરા થઈ શકે. પણ આજે હું તમને એક મહત્વની અપીલ કરું છુ કે,તમે જયારે એરપોર્ટ પર ઉતર્યા ત્યારથી અત્યારસુધી તમે જે જે લોકોના સંપર્કમાં આવ્યા છો જેમ કે, એરપોર્ટ પર તમને લેવા આવ્યા હોય તે હોય કે દિકરો હોય, મિત્ર હોય સગા હોય કે પાડોશી હોય તે તમામના નામ અને નંબરની યાદી તમે એક કાગળ પર લખો અને તમારે ત્યાં આવતા મ્યુનિ.ના કર્મચારીને આ યાદી આપો. ઉપરાંત આ બધા લોકો પણ સંપૂર્ણ રીતે હોમ ક્વોરન્ટાઈનમાં રહે. અમારે આ તમામ સંપર્ક સુત્રોનો સંપર્ક કરવો જેથી વાઈરસ આગળ ફેલાય નહીં.
5561 લોકો ક્વોરન્ટાઈનમાં

  • હોમક્વોરન્ટાઈન- 3920
  • કુલ ક્વોરન્ટાઈન સેન્ટર- 205
  • 14 દિવસના ક્વોરન્ટાઈન પૂર્ણ- 1641
  • કુલ ક્વોરન્ટાઈનમાં લોકો-5561
  • પોઝિટિવના સંપર્કમાં આવેલ લોકો-272