કોરોનાની સારવારમાં જોડાયેલા ડોક્ટરોને બ્રેક આપો : સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ટકોર

કોરોનાની સારવારમાં જોડાયેલા ડોક્ટરોને બ્રેક આપો : સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ટકોર

સુપ્રીમ કોર્ટે મંગળવારે કોરોનાની સારવારમાં જોડાયેલા ડોક્ટરોને બ્રેક આપવા માટે કેન્દ્ર સરકારને ટકોર કરી હતી. અન્ય એક ચુકાદામાં સુપ્રીમે જણાવ્યું હતું કે, ક્વોલિફાઇડ આયુષ ડોક્ટરો ૬ માર્ચ ૨૦૨૦ના રોજ સરકાર દ્વારા જારી કરાયેલી ગાઇડલાઇન અનુસાર કોરોનાના દર્દીઓને સરકાર દ્વારા મંજૂર કરાયેલ ટેબલેટ અથવા મિક્સચરને ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે લેવા ભલામણ કરી શકશે.

જોકે, જસ્ટિસ અશોક ભૂષણનાં નેતૃત્વ હેઠળની બેન્ચે શરત મૂકી હતી કે આયુષ ડોક્ટરો કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવે છે તેવી જાહેરાત કરી શકશે નહીં. માત્ર દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની દવાઓની ભલામણ કરી શકે છે તેવી આયુષ મંત્રાલયની ગાઇડલાઇનને યોગ્ય ગણાવી હતી.

અગાઉ કેરળ હાઇકોર્ટે ૨૧મી ઓગસ્ટના રોજ તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, આયુષ મેડિકલ પ્રેક્ટિશનર્સ કોરોનાના દર્દીઓને ફક્ત ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે સરકાર દ્વારા મંજૂર કરાયેલી દવાઓની ભલામણ કરી શકે છે. હોમિયોપથી, આયુર્વેદ, સિદ્ધ, યુનાની અને નેચરોપથીનો ઉપયોગ ફક્ત રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જ કરી શકાય.

આયુષ મંત્રાલય દ્વારા ભલામણ કરાયેલી દવાઓ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જ છે : સરકાર

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને જણાવ્યું હતું કે, આયુષ મંત્રાલય દ્વારા ભલામણ કરાયેલી દવાઓ કોરોનાના દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જ છે. તેથી આયુષ ડોક્ટરો કોરોનાના દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાઓની ભલામણ કરી ન શકે તેવી દલીલ ટકી શકે તેમ નથી. આયુષ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી દવાઓનો ઉપયોગ કોરોનાના દર્દીની સારવાર માટે નહીં પરંતુ રોગનો પ્રસાર અટકાવવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરી શકાય છે.

અમે ડોક્ટરોને વિરામ આપવા વિચારી રહ્યાં છીએ : સરકાર

સુપ્રીમ કોર્ટની બેંચે કેન્દ્ર સરકારને ટકોર કરી હતી કે કોરોનાની સારવારમાં જોડાયેલા ડોક્ટરોને બ્રેક આપો. તેઓ છેલ્લા ૭-૮ મહિનાઓથી સતત ડયૂટી કરી રહ્યાં છે. આ બહુ જ પીડાદાયક છે અને ડોક્ટરોના માનસિક સ્વાસ્થ પર અસર પડી રહી છે. જવાબમાં સોલિસીટર જનરલ તુષાર  મહેતાએ સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓની સારવાર માટે જે ડોક્ટરોનો સમય લંબાવવામાં આવ્યો છે તેમને વિરામ આપવા માટે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે.