કોરોનાની રસી વિકસાવતી કંપનીઓને સરકારનું સંપૂર્ણ સમર્થન : વડા પ્રધાન

કોરોનાની રસી વિકસાવતી કંપનીઓને સરકારનું સંપૂર્ણ સમર્થન : વડા પ્રધાન

। નવી દિલ્હી ।

દેશમાં કોરોના વાઇરસની રસી તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મોદી સરકાર દરેક નાગરિકને કોરોનાની રસી આપવાની રણનીતિ પર કામ કરી રહી છે. આ પ્રયાસો અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં તૈયાર થઇ રહેલી કોરોનાની ૩ અગ્રણી વેક્સિનની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ માટે વડાપ્રધાન મોદી શનિવારે અમદાવાદમાં ઝાયડસ કેડિલા, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂણેમાં સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાતે પહોંચ્યા હતા.

વડા પ્રધાન શનિવારે સવારે ૧૦ કલાકે સૌથી પહેલા અમદાવાદ સ્થિત ઝાયટસ કેડિલાના બાયોટેક પાર્ક ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે પીપીઇ કિટમાં સજ્જ થઇને કંપની દ્વારા તૈયાર થઇ રહેલી ઝાયકોવ-ડી વેક્સિન અંગેની જાણકારી મેળવી વૈજ્ઞાનિકો સાથે સમીક્ષા કરી હતી. ઝાયડસ બાયોટેકની મુલાકાત બાદ પીએમ મોદીએ જણાવ્યું હતું  કે, મેં વેક્સિન તૈયાર કરી રહેલી આખી ટીમને શુભેચ્છા પાઠવી છે.  ભારત સરકાર કોરોનાની રસી વિકસાવી રહેલી કંપનીઓને  સંપૂર્ણ સમર્થન આપી રહી છે. વેક્સિન ન કેવળ સારા આરોગ્ય માટે પરંતુ વૈશ્વિક સુખાકારી માટે મહત્વની છે.

ત્યારબાદ વડાપ્રધાન મોદી હવાઇ માર્ગે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકના પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા. અહીં વડા પ્રધાનેઆઇસીએમઆરના સહયોગમાં ભારત બાયોટેક દ્વારા વિકસાવવામાં આવી રહેલી કોવેક્સિન રસી અંગે વૈજ્ઞાનિકો પાસેથી જાણકારી મેળવી હતી. વડા પ્રધાન મોદીની વેક્સિન ટૂરનું છેલ્લુ સ્થળ પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા રહ્યું હતું. સીરમ ઇન્સ્ટિટયૂટ ખાતે બ્રિટનની એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિર્વિસટી દ્વારા વિકસિત કોવિશિલ્ડ વેક્સિનની તૈયારીઓની વડા પ્રધાન મોદીએ સમીક્ષા કરી હતી.વડા પ્રધાન મોદીએ જણાવ્યુ હતું કે, સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ  ઇન્ડિયાની ટીમ સાથે મારે સારી વાતચીત થઇ છે.

વેક્સિન ન કેવળ સારા આરોગ્ય માટે પરંતુ વૈશ્વિક સુખાકારી માટે મહત્ત્વની : મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાંગોદર ખાતેની ઝાયડસ કેડિલાના બાયોટેક પ્લાન્ટની શનિવારે મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલ અને એમડી ર્શિવલ પંકજ પટેલે વડા પ્રધાનને કોરોના વેક્સિનના પ્રોગ્રેસ વિષે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત, વડા પ્રધાને સાયન્ટિફિક રિસર્ચ ફેસિલિટીનું રસપૂર્વક નિરીક્ષણ કરી વિજ્ઞાનીઓ સાથે સંવાદ કર્યો હતો.

વડા પ્રધાન મોદીની વેક્સિન ટૂર

  1. અમદાવાદ । ઝાયડસ કેડિલા, ચાંગોદર, ગુજરાત

વેક્સિન – ઝાયકોવ – ડી (સંપૂર્ણ સ્વદેશી)

સ્ટેટસ – ફેઝ ટુની ક્લિનિકલ ટ્રાયલ જારી

ઝાયડસ કેડિલા ખાતેની પીએમ મોદીની મુલાકાત સારવારની જરૂરિયાતોમાં રહેલી ખામીઓ દૂર કરવા, ઊંચા શિખરો સર કરવા પ્રોત્સાહિત કરી ગઇ.

  • પંકજ પટેલ, ચેરમેન

 હૈદરાબાદ । ભારત બાયોટેક, હૈદરાબાદ, તેલંગણા

વેક્સિન – કોવેક્સિન – સંપૂર્ણ સ્વદેશી રસી

સ્ટેટસ – ફેઝ થ્રીની ક્લિનિકલ ટ્રાયલ શરૂ

વડા પ્રધાનની મુલાકાતથી અમને મહાન પ્રેરણા મળી. અમે સંશોધન, આરોગ્યની સમસ્યાઓના નિવારણ, કોરોના સામેની લડાઇ માટે પ્રતિબદ્ધ છીએ.

  • ક્રિશ્ના એલ્લા, ચેરમેન

. પૂણે । સીરમ ઇન્સ્ટિટયૂટ,પૂણે , મહારાષ્ટ્ર

વેક્સિન – એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ

સ્ટેટસ – ફેઝ થ્રીની ક્લિનિકલ ટ્રાયલ જારી

બ્રિટનમાં ચાલી રહેલી ટ્રાયલ અંગે અમેવડા પ્રધાનને માહિતી આપી. રસી વિતરણ અંગે પણ ચર્ચા કરી. ઇમર્જન્સી લાઇસન્સ મેળવવાની પ્રક્રિયામાં છીએ.

  • આદર પૂનાવાલા, CEO

ગુજરાતથી દેશના ખૂણે ખૂણે કોરોનાની રસી પહોંચાડવાની યોજના

અહેવાલો પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં કોરોનાની રસીના વિતરણ માટે જરૂરી સ્પેશિયલ રેફ્રિજરેટેડ પ્લાન્ટની સ્થાપના કરવાની લક્ઝમબર્ગના વડા પ્રધાન ઝેવિયર બિટલની ઓફર સ્વીકારી છે. દિલ્હી અને અમદાવાદના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર દેશના દરેક ગામ અને ખૂણેખૂણા સુધી કોરોનાની રસી પહોંચાડવા માટે ગુજરાતમાં સ્પેશિયલાઇઝડ રેફ્રિજરેટેડ વેક્સિન ટ્રાન્સપોર્ટેશન પ્લાન્ટની સ્થાપના કરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોલર વેક્સિન રેફ્રેજરેટ૪સ, ફ્રીઝર્સ અને ટ્રાન્સપો૪ટ બોક્સિસ સહિતની વેક્સિન કોલ્ડ ચેઇન ઊભી કરવા માટે આગામી સપ્તાહમાં લક્ઝમબર્ગની બી મેડિકલ સિસ્ટમ્સની એક ઉચ્ચ સ્તરીય ટીમ ગુજરાત આવી પહોંચશે. સંપૂર્ણ પ્લાન્ટ ઊભો કરવામાં લગબગ બે વર્ષનો સમય લાગી શકે છે તેથી કંપનીએ હાલ લક્ઝમબર્ગથી રેફ્રિજરેશન બોક્સ આયાત કરવાનો નિર્ણય કર્યો છે.