કોરોનાની આ સ્થિતિમાં જાહેર નવરાત્રી કરવી યોગ્ય નહીં : ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ

કોરોનાની આ સ્થિતિમાં જાહેર નવરાત્રી કરવી યોગ્ય નહીં : ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ સોમવારે પત્રકારો સાથે ઇલેક્ટ્રોનિક માધ્યમથી સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું કે હાલ કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે હું અંગત પણે માનું છું કે નવરાત્રિ ન થવી જોઇએ. તેમની સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જાહેર રસ્તા પર માસ્ક વગર ગરબે ઘુમ્યા હતા અને તેમાંથી કંઇ કેટલાંય પાછળથી સંક્રમિત થઇ ગયા હતા. પોતે પણ કોરોનામાં પટકાયા પછી પાટીલને આ બ્રહ્મજ્ઞાન લાદ્યું છે.

પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે કોરોનાની આ સ્થિતિમાં ગરબાના કાર્યક્રમોના આયોજનોની જાહેરાત થવી જોઇએ નહીં. હું અંગતપણે માનું છું કે આવા કાર્યક્રમો થવા જોઇએ નહીં કારણ કે ડોક્ટરો પણ તેનો વિરોધ કરે છે. સરકાર અને ગરબા આયોજકો વચ્ચે આ અંગે વાતચીત ચાલે છે અને આયોજકોએ પણ આ સમજવું જોઇએ. આ અંગે આયોજકોને પણ સરકાર સમજાવશે તેવું તેમણે જણાવ્યું હતું.

મૂળભૂત રીતે કેન્દ્ર સરકારના કૃષિવિષયક વિધેયકોના થઇ રહેલા વિરોધને લઇને પાટીલે પત્રકારો સાથે ચર્ચા કરવા આ સંવાદ યોજ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકાર ક્યારેય ખેડૂતો માટે વિપરિત વિચાર કરી જ ન શકે. આ વિધેયક ખેડૂતોની આવક બમણી કરવા માટેનું ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું છે. કોંગ્રેસ માત્ર રાજકીય લાભ માટે આમ કરી રહી છે.