કોરોનાના હાહાકાર વચ્ચે અમેરિકામાં હથિયારોની ખરીદીમાં લોકોની રીતસર પડાપડી

કોરોનાના હાહાકાર વચ્ચે અમેરિકામાં હથિયારોની ખરીદીમાં લોકોની રીતસર પડાપડી

અમેરિકામાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ મહામારી વચ્ચે અમેરિકામાં એક ચોંકાવરો આંકડો સામે આવ્યો છે. જેમાં લોકો ધડાધડ હથિયારો ખરીદી રહ્યાં છે. અમેરિકનો દ્વારા ફાયરઆર્મ્સની ગત મહિને કરવામાં આવેલી ખરીદી છેલ્લા 20 વર્ષમાં સૌથી વધારે છે. આમ થવા પાછળનું કારણ શું?

દેશભરમાં મૃતાંક વધી રહ્યો હોવા છતાં અને દેશભરમાં લગભગ લોકડાઉનની સ્થિતિ હોવાના કારણે પણ અનેક અમેરિકીઓ મહામારીમાં પણ હથિયારોને વધારે મહત્વપૂર્ણ માને છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આમ માત્ર સામાજીક વ્યવસ્થાના કારણે ઉભા થયેલા ડરના કારણે નથી.

માર્કેટમાં પડાપડી

હથિયારોની ખરીદીમાં અમેરિકાનો ઈલિનોય પ્રાંત સૌથી આગળ છે. અહીં માર્ચ મહિનામાં લગભગ 5 લાખ હથિયાર વેચાયા છે. ત્યાર બાદ ટેક્સાસ, કેંટુકી, ફ્લોરિડા અને કેલિફોર્નિયાનો નંબર છે. દેશ આખામાં હથિયારોના દુકાનદારોનું  કહેવું છે કે, તેઓ પોતાના ત્યાં કોઈ સ્ટોક નથી કરી શકતા. કારણ કે, લોકોમાં હથિયારો ખરીદવાની રીતસરની પડાપડી થઈ રહી છે.

માર્ચ 2020માં હથિયારોના વેચાણના આંકડાએ  33 લાખના રેકોર્ડને તોડી નાખ્યો છે. આ રેકોર્ડ ડિસેમ્બર 2015માં નોંધાયો હતો. તે સમયે ઓબામા પ્રસાશને એ શક્યતા તરફ ઈશારો કર્યો હતો કે, તે એસોલ્ટ રાઈફલના વેચાણ પર પ્રતિબંધ લગાવી શકે છે. કેલિફોર્નિયાના બર્નાડિનોમાં થયેલા માસ શૂટિંગની ઘટનાને ધ્યાનમાં રાખતા ઓબામા પ્રશાસને આ તરફ આગળ વધવાના સંકેત આપ્યા હતાં.

આખરે હથિયારોનું વેચાણ કેમ વધી રહ્યું છે?

જ્યોર્જિયા સ્ટેટ યૂનિવર્સિટી લૉ સ્કૂલના પ્રોફેસર ટિમોથી લિટન અમેરિકી ગન ઈન્ડસ્ટ્રીના એક્સપર્ટ માનવામાં આવે છે. લિટનના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસની મહામારીના આ તબક્કામાં હથિયારોનું વેચાણ વધવાના દેખિતા બે કારણ છે. પહેલું એ ડર છે કે, સિવિલ સોસાયટી જેમાં ફાયર, પોલીસ અને સ્વાસ્થ્ય સેવાઓ આવે છે તેની સ્થિતિ દિવસે ને દિવસે વધારે ખરાબ થઈ રહી છે. જેના કારણે કાયદો અને વ્યવસ્થાનું માળખું બગડી શકે છે. ટિમોથી કહે છે કે, લોકોને લાગે છે કે, જો આવી સ્થિતિ ઉભી થઈ તો હથિયાર જ પોતાની રક્ષા માટેનો શ્રેષ્ઠ ઉપાય સાબિત થઈ શકે છે.

જ્યારે બીજુ કારણ એ છે કે, સરકાર મોટા પ્રમાણમાં લોકોની અંગત બાબતોમાં દખલ અંદાજી કરી હથિયાર ખરીદવા જેવા અધિકારો પર નિયંત્રણ મુકી શકે છે.

આ રહ્યાં આંકડા

એફબીઆઈના આંકડા પ્રમાણે માર્ચ 2019ની સરખામણીએ માર્ચ 2002માં તેમાં 11 લાખનો વધારો થયો છે. અમેરિકી મીડિયાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે માર્ચમાં જ 20 લાખથી પણ વધારે લોકોએ હથિયાર ખરીધ્યા છે.