કોરોનાથી અમેરિકામાં 11નાં મોત, ગભરાયેલા લોકો ખાવા-પીવાની ચીજો ભેગી કરવામાં લાગ્યા

કોરોનાથી અમેરિકામાં 11નાં મોત, ગભરાયેલા લોકો ખાવા-પીવાની ચીજો ભેગી કરવામાં લાગ્યા

કોરોના વાયરસનો ડર ધીરેધીરે સમગ્ર દુનિયામાં ફેલાઈ રહ્યો છે. અમેરિકા જેવા વિકસિત અને શક્તિશાળી દેશનાં નાગરિકો પણ આ વાયરસને લઇને ઘણા ભયભીત છે. અહીંનાં લોકોમાં ડર ફેલાયેલો છે કે આ વાયરસનું સંક્રમણ વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાનાં કારણે અમેરિકામાં 11 લોકોનાં મોત થઈ ચુક્યા છે અને 152 લોકોમાં કોરોના જોવા મળ્યો છે. તો સૌથી વધારે પ્રભાવિત થનારા દેશોમાં ચીન, ઈરાન, ઇટાલી સામેલ છે. ભારતમાં પણ અત્યાર સુધી 30 કેસ સામે આવી ચુક્યા છે.

લોકો દૂધ, ફળોથી લઇને નાસ્તાઓ વગેરે સ્ટોર કરી રહ્યા છે

એક રિપોર્ટ અનુસાર છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ડબ્બામાં બંધ ખોરાકની સામગ્રીનાં વેચાણમાં ઘણો વધારો થયો છે. લોકો દૂધ, ફળોથી લઇને નાસ્તાઓ વગેરે સ્ટોર કરી રહ્યા છે. આ ઉપરાંત હેન્ડવૉશ, સેનેટાઇઝરનું વેચાણ પણ વધ્યું છે. આ સ્થિતિ ફ્લોરિડા, મિયામી, ન્યૂયૉર્ક જેવી જગ્યાઓ પર જોવા મળી રહી છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જ સેનેટાઇઝરની માંગમાં 1400 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ઓટ મિલ્કનાં વેચાણમાં 305.5 ટકાની વૃદ્ધિ 

નીલ્સનનાં સર્વે અનુસાર ફેબ્રુઆરીનાં અંતિમ અઠવાડિયામાં ઓટ મિલ્કનાં વેચાણમાં 305.5 ટકાની વૃદ્ધિ જોવા મળી. આ ઉપરાંત લોકો પાળતુ પશુઓનાં ખાવા અને દવાઓનો સ્ટોક કરવામાં પણ લાગ્યા છે. જો કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકાર અનેકવાર કહી ચુકી છે કે કોરોનાને લઇને ગભરાવાની જરૂર નથી. તાજેતરમાં ભારત પ્રવાસ પર આવેલા ટ્રમ્પે કહ્યું હતુ કે આ વાયરસનાં સંક્રમણ દરમિયાન મૃત્યુદર ઘણો ઓછો છે, આ કારણે કોઈપણ અમેરિકીએ ગભરાવાની જરૂર નથી. તેમ છતા અમેરિકામાં ડર અને ભ્રમનો માહોલ છે.

ઇમરજન્સી સ્થિતિ માટે ઘરોમાં દવાઓનો સ્ટોક હોવો જોઇએ

અમેરિકાની દુકાનોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. વધારે વેચાણ અને તેમાં ઉત્પાદન ના થવાનાં કારણે દુકાનોમાં ખાવા-પીવાની ચીજોમાં ઘટાડો થયો છે. વર્ષ 1963થી સંક્રમણ રોગોનો ઉપચાર કરનારા નિષ્ણાંત ડૉક્ટર જેમ્સ ચેરીએ કહ્યું કે સામાનોને સ્ટૉક કરવાની કોઈ જરૂર નથી. બીજી તરફ ફેડરલ મેનેજમેન્ટ એજન્સી અનુસાર કોઈપણ ઇમરજન્સી સ્થિતિ માટે ઘરોમાં ખાવા-પીવાનાં સામાનનાં સામાન અને દવાઓનો સ્ટોક હોવો જોઇએ.