કોરોનાએ વિદેશ અભ્યાસ કરવા માટે તલપાપડ ગુજરાતી વિદ્યાર્થીઓનો મોહ ભાંગ્યો, આ રહસ્યમય વાતથી…!

કોરોનાએ વિદેશ અભ્યાસ કરવા માટે તલપાપડ ગુજરાતી વિદ્યાર્થીઓનો મોહ ભાંગ્યો, આ રહસ્યમય વાતથી…!

સુરત – ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષા બાદ મેડિકલ અને મેનેજમેન્ટ ક્ષેત્રના અભ્યાસક્રમો માટે વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થી, વાલીઓનો મોહ ચાલુ વર્ષે ભાંગી ગયો છે. હાલમાં વિશ્વઆખું કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યું છે. અમેરિકા, બ્રિટન સહિતના વિકસિત દેશોમાં પણ ભારે ખુવારી જોવા મળી રહી છે. એવામાં હવે કોરોનાના ડર વચ્ચે વિદેશ અભ્યાસ માટે તલપાપડ વિદ્યાર્થીઓમાં નીરસતા જોવા મળી રહી છે.

એમબીબીએસ કરવા માટે રશિયા, બેલારૂસ, ફિલિપાઇન્સ જેવા દેશોમાં જવા માટે દર વર્ષે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉત્સુક દેખાઇ છે. તે સામે હવે સપ્ટેમ્બર માસથી શરૂ થઇ રહેલા નવા સત્રમાં અભ્યાસ માટે કોઇને રસ ન હોય એજન્ટ અને તજજ્ઞોને ત્યાં ઝીરો ઇન્ક્વાયરી જોવા મળી રહી છે.

ગુજરાતની મેડિકલ કોલેજમાં એમબીબીએસ જેવા અભ્યાસક્રમમાં પ્રવેશ લેવો દરેક વિદ્યાર્થી માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થાય છે. રેન્કર્સ વિદ્યાર્થીઓને ક્વોટા, મેરિટને આધારે સરકારી કોલેજમાં પ્રવેશ મળે છે. જ્યારે અન્યોએ મસમોટી ફી ચૂકવીને ખાનગી કોલેજમાં અભ્યાસ કરવો પડે છે.

વળી, સરેરાશ ૫૦થી ૭૫ ટકા ધરાવતા વિદ્યાર્થીઓને ગુજરાતની પસંદગીની કોલેજમાં પ્રવેશ મળતો ન હોવાની સાથે જ ઘણા વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ પર મીટ માંડીને બેઠા હોય છે. જોકે, ચાલુ વર્ષે કોરોનાના ફફડાટ વચ્ચે ભૂતકાળમાં વિદેશ અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ અટવાયા હોય હવે નવા સત્રમાં વિદેશ અભ્યાસ માટે વિદ્યાર્થીઓમાં નીરસતા જોવા મળી રહી છે.

વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે માર્ગદર્શન આપતા એક તજજ્ઞએ જણાવ્યું હતું કે, એમબીબીએસ અભ્યાસક્રમ માટે રશિયા, ફિલિપાઇન્સ, બેલારૂસ, યુક્રેઇન, ચાઇના, કઝાકિસ્તાન ફેવરિટ છે. જ્યારે બીબીએ, એમબીએ જેવા મેનેજમેન્ટ કોર્સ માટે સિંગાપોર, પાઇલોટના કોર્સ માટે ફિલિપાઇન્સ ફેવરિટ ગણાય છે. સિંગાપોરમાં છ મહિના અભ્યાસ બાદ સ્થાનિક સરકાર દ્વારા જ છ મહિનાની નોકરી અપાતી હોય વિદ્યાર્થીઓમાં તેનો ક્રેઝ વધુ છે.

પરંતુ ચાલુ વર્ષે કોરોનાના ડર વચ્ચે હમણાં સુધી કોઇ ઇન્ક્વાયરી આવી નથી. વિદેશની કોલેજોમાં સપ્ટેમ્બર અને ફેબ્રુઆરી એમ વર્ષમાં બે વાર ઇન્ટેક ભરાઇ છે. તેમાં સપ્ટેમ્બરથી શરૂ થનારા સત્રમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓમાં નીરસતા જોવા મળી રહી છે. ઘણા વાલી, વિદ્યાર્થીઓ હવે માહોલ શાંત થાય પછી ફેબ્રુઆરીથી શરૂ થતા સત્રમાં વિદેશ અભ્યાસ કરવાનો વિચાર કરી રહ્યા છે.

દર વર્ષે સુરતમાંથી ૪૦૦, રાજ્યમાંથી જતા ૧ હજાર વિદ્યાર્થી

તજજ્ઞના મત મુજબ, દર વર્ષે સુરતમાંથી ૪૦૦ અને ગુજરાતમાંથી ૧ હજાર વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે રશિયા, સિંગાપોર, ફિલિપાઇન્સ, બેલારૂસ, યુક્રેઇન, ચાઇના અને કઝાકિસ્તાન જાય છે. છેલ્લાં ઘણા વર્ષોથી આ પ્રકારે વિદેશ અભ્યાસનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તે સામે ચાલુ વર્ષે વિદેશની ઘણી કોલેજોએ સુરત, ગુજરાતની કોલેજો સાથે જોડાણ કરીને વિદ્યાર્થીઓને અભ્યાસ માટેનું આયોજન કર્યું છે. તેમાં વિદ્યાર્થીઓ છ મહિના, એક વર્ષનો અભ્યાસ અહીં કર્યા બાદ બાકીનો અભ્યાસ વિદેશની કોલેજમાં પૂરો કરી શકે છે. જોકે, તેમાં પણ હજુ કોઇ ઇન્કવાયરી જોવા મળતી નથી.

૨૦થી ૩૦ લાખના પેકેજને કારણે વાલીઓને પણ ભારે રસ

સામાન્યપણે સુરત, ગુજરાતની સરકારી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તો જ ઓછી ફી સાથે અભ્યાસ થઇ શકે છે. નહીંતર ખાનગી મેડિકલ કોલેજમાં પણ વિદ્યાર્થી, વાલીએ લાખો રૂપિયાની ફી ચૂકવવી પડે છે. તેની સરખામણીએ રશિયા, ચાઇના, કઝાકિસ્તાન, બેલારૂસ જેવા દેશોમાં ૨૦થી ૩૦ લાખ રૂપિયાના પેકેજમાં હોસ્ટેલ, રહેવા-જમવાનું સહિતના ખર્ચનો સમાવેશ થઇ જાય છે. જેને કારણે મધ્યમવર્ગના વાલીઓ અથવા તો ૫૦થી ૭૫ ટકા વચ્ચે પરિણામ લાવનારા વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ માટે આ દેશો પર પસંદગી ઉતારે છે. ઘણા વર્ષોથી આ ટ્રેન્ડ જોવા મળે છે.