કોંગ્રેસ / રાહુલે દસ વર્ષની બાળકીને પૂછ્યું, ‘પાંચ વર્ષમાં ભાઇચારો ગાયબ થઇ ગયો એ ખબર પડી ને?’

કોંગ્રેસ / રાહુલે દસ વર્ષની બાળકીને પૂછ્યું, ‘પાંચ વર્ષમાં ભાઇચારો ગાયબ થઇ ગયો એ ખબર પડી ને?’

  • એક રેલીમાં રાહુલ ગાંધીએ સભામાં બેઠેલી કોઇ બાળકીને સવાલ કરીને જવાબ લીધા
  • જો દસ વર્ષની બાળકીને ખબર પડતી હોય તો તમે પણ સમજી ગયાને કે માહોલ બગડી ગયો છે- રાહુલ

નેશનલ ડેસ્ક: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક રેલીના સંબોધનમાં દસ વર્ષની બાળકીને ઉદ્દેશીને દેશની વર્તમાન પરિસ્થિતિ વિશે સવાલો પૂછીને જવાબ માંગ્યા હતા. એક રેલીમાં રાહુલ ગાંધીએ સભામાં ઉપસ્થિત કોઇ બાળકીને પૂછ્યું, ‘તમે કેટલા વર્ષના છો ?’. તેનો જવાબ મળ્યો કે તે દસ વર્ષની છે. વીડિયોના અંતે તેનું નામ આકૃતિ હોવાનું પણ કોઇએ રાહુલ ગાંધીને કહ્યું હતું. આકૃતિને સંબોધીને રાહુલ ગાંધીએ પૂછ્યું, ‘‘તમને ખબર પડી, છેલ્લા પાંચ વર્ષમાં જોયું તમે કે માહોલ બગડી ગયો ? જોયું ને? જે પહેલા મૂડ હતો, શાંતિ હતી, ભાઇચારો હતો, તે ગાયબ થઇ ગયું ને? તમારું નામ શું છે? અચ્છા આકૃતિ. જો આકૃતિ, દસ વર્ષની બાળકીને આ વાત સમજાઇ ગઇ તો સૌને ખબર પડી ને કે માહોલ બગડી ગયો.’’

તે સિવાય રાહુલ ગાંધીએ કહ્યું-આ જે નરેન્દ્ર મોદી ભાષણ આપી રહ્યો છે, 6 મહિના બાદ તે બહાર નહીં નિકળી શકે. હિન્દુસ્તાનના યુવાનો તેને એવા ડંડા મારશે, તેને સમજાવી દેશે કે હિન્દુસ્તાનના યુવાઓને રોજગાર આપ્યા વિના દેશ આગળ નહીં વધી શકે.

બેકાર બજેટનો દોષ નિર્મલાજી પર નાખીને વડાપ્રધાન બચી શકે છે: રાહુલ
દિલ્હીમાં ચૂંટણીપ્રચાર પૂરો થવાની તૈયારીમાં છે. રેલીઓની સંખ્યા વધવા લાગી છે. ટિ્વટર દ્વારા હુમલા તેજ થઇ ગયા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે ટિ્વટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો. તેમણે લખ્યું- પ્રિય વડાપ્રધાન, અર્થતંત્ર ધરાશાયી થઇ ગયું છે. તમારે તે અંગે મંથન કરવું જોઇએ કે જવાબદારીથી કેવી રીતે બચવાનું છે? તમે બેખબર નિર્મલાજીએ રજૂ કરેલા બેકાર બજેટનો સહારો લો. તેમને બરતરફ કરો અને બધો દોષ તેમના પર ઢોળી દો. સમસ્યા ઉકેલાઇ જશે. ભાજપપ્રમુખ જે. પી. નડ્ડાએ શાહીનબાગ મામલે ટિ્વટ કર્યું. તેમણે લખ્યું- કેજરીવાલ જી, જો તમે કામ કર્યું હોત તો આ નોબત ન આવી હોત. પહેલાં જામિયા અને સીલમપુરમાં ટોળાને ઉશ્કેર્યા. ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં આગચંપી અને પથ્થરમારો કરાવ્યા, પછી શાહીનબાગમાં ધરણાં. ત્યાં તમારા જ કાર્યકર પાસે ગોળી ચલાવડાવી. શું મોદી અને શાહને હરાવવા દિલ્હી સળગાવી મારશો? કેજરીવાલે ટિ્વટ કરીને કહ્યું- હું અમિત શાહજીને મુદ્દા અંગે ચર્ચા માટે આમંત્રિત કરું છું.