‘કેમ છો ટ્રમ્પ’ પ્રોગ્રામ માટે જનમેદની ભેગી કરવા ST વિભાગને કરાયો આદેશ, 2000 બસો દોડાવાશે

‘કેમ છો ટ્રમ્પ’ પ્રોગ્રામ માટે જનમેદની ભેગી કરવા ST વિભાગને કરાયો આદેશ, 2000 બસો દોડાવાશે

સરકારનો એકપણ અધિકારી સત્તાવાર જેના વિષે ‘મગનું નામ મરી’ પાડવા તૈયાર નથી તે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪મી ફેબ્રુઆરીએ અમદાવાદ આવે છે તે નિશ્ચિત થયું છે. સૂત્રોના જણવ્યા મુજબ, આ દિવસે મોટેરા સ્ટેડિયમ પર રાજ્યભરમાંથી જનમેદની ભેગી કરવા એસટી નિગમને ૨,૦૦૦ અને એએમટીએસને ૩૦૦ બસો દોડાવવાનો પરિપત્ર થઈ ગયો છે. વળી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ મુલાકાતના કાર્યક્રમની જવાબદારી માટે ૨૬ અધિકારીઓની પણ ખાસ નિમણૂંક કરી દીધી છે.

દેખીતી રીતે જ મોટેરા ખાતેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કરવા આવી રહેલા યુએસ પ્રેસિડેન્ટ માટે જે  ‘વેલકમ ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાવાનો છે તેમાં હકડેઠઠ મેદની ઊમટી પડે એ માટે ગુજરાતભરના શહેરો અને ગામડાંઓમાંથી ભાજપના આગેવાનો, સરપંચો અને કાર્યકરોને તેમના સ્થળેથી અમદાવાદ લાવવા માટે એસટી કોર્પોરેશનને બે હજાર બસો પૂરી પાડવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે એમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને પણ અઢીસોથી ત્રણસો બસો પૂરી પાડવાની તાકીદ કરવામાં આવી છે.   આ બસોને મોટેરા સ્ટેડિયમથી અઢીથી ત્રણ કિ.મીના અંતરે પાર્ક કરવામાં આવશે. જેની વ્યવસ્થા માટે રાજ્ય સરકારના વાહન વિભાગ અને શહેર ટ્રાફિક વિભાગે રાઉન્ડ લઈને પસંદગીના સ્થળોની ચકાસણી કરી લીધી છે.   દરમિયાન મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના પ્રવાસ અંગેની વિવિધ કામગીરી અને વ્યવસ્થા માટે આઠ ડેપ્યુટી મ્યુનિ. કમિશનરો સહિત કુલ છવ્વીસ અધિકારીઓની નિમણૂકના આદેશો કર્યા હતા.

તો ૨૪મી ફેબ્રુ.ને બદલે પછીના દિવસોમાં રાજ્યનું બજેટ રજૂ થશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ટ ટ્રમ્પની મુલાકાતને કારણે એર ટ્રાફિક, રસ્તા ઉપરનું જનજીવન જ નહી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પણ ખોરાવાય તો નવાઈ નહી. રાજ્યપાલના આહવાનથી વિધાનસભા સચિવાલયે જાહેર કરેલા શિડયુલ મુજબ ગુજરાત સરકાર વર્ષ ૨૦૨૦- ૨૧નું બજેટ ૨૪મી ફેબ્રુઆરીએ રજૂ કરવાની છે. જો કે, આ દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ અહીં હોવાથી ત્યારપછીના દિવસોમાં બજેટ રજૂ થશે. ડ્રોનાલ્ટ ટ્રમ્પની મુલાકાત સંદર્ભે ગુજરાત સરકારના એક પણ અધિકારી કે મંત્રી સત્તાવારપણે કોઈ ફોડ પાડી રહ્યા નથી. પરંતુ, અમદાવાદ- ગાંધીનગરમાં ચાલતી તૈયારીઓને કારણે ૨૪મીએ રજૂ થનારૂ બજેટ પાછળ ઘકેલાય તેવી પૂરેપૂરી શક્યતાઓ CMOના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. તેમના કહેવા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭મી ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે યોજનારા યુનાઈટેડ નેશન્સના કાર્યક્રમમાં આવી રહ્યા છે. એ મુલાકાત વખતે અહીં ચાલી રહેલી તૈયારીઓની સમિક્ષા થશે. ત્યારબાદ ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહે કઈ તારીખે અમેરિકાના રાષ્ટ્રપતિના ગુજરાત આવશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

પ્રવાસન સચિવે સાબરમતી આશ્રમે જઈને સમીક્ષા કરી

પ્રવાસન વિભાગના સચિવ મમતા વર્મા સોમવારે બપોરે સાબરમતી આશ્રમ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે સ્થાનિક સંચાલકો, સલામતી ઓફિસર્સની સાથે બેઠક યોજીને આશ્રમની વ્યવસ્થાઓની સમિક્ષા કરી હતી.