કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઇશું તો હારીશું : પાક. કાયદા મંત્રાલય

કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઇશું તો હારીશું : પાક. કાયદા મંત્રાલય

ઇમરાન અને કુરેશીની ધમકીઓ વચ્ચે કાયદા મંત્રાલયની સ્પષ્ટતા

અગાઉ સુરક્ષા પરિષદની બેઠકમાં હાર છતા પાક.ના કાયદા મંત્રાલયે ઇમરાનને યુએન જવાની સલાહ આપી

ઇસ્લામાબાદ, તા. 14 સપ્ટેમ્બર, 2019, શનિવાર

કાશ્મીર મામલે પાકિસ્તાનના નેતાઓ અને વિદેશ પ્રધાન આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જવાના નિવેદનો કરી રહ્યા છે, આ ઉપરાંત ઇમરાન ખાન પણ સંયુક્ત રાષ્ટ્રમાં આ મુદ્દો ઉઠાવવાની ધાકધમકી આપી રહ્યા છે. આ સિૃથતિ વચ્ચે હવે પાકિસ્તાનના કાયદા મંત્રાલય દ્વારા ઇમરાન ખાનની સરકારને સલાહ આપવામાં આવી છે કે કાશ્મીર મામલાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઇ જવો શક્ય નથી.  

આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવી તે બાદથી પાકિસ્તાન આકુળ વ્યાકુળ થઇ રહ્યું છે. અને કોઇ પણ સંજોગોમાં આ મામલાને આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવા માગે છે. આ માટે તે આંતરરાષ્ટ્રીય કોર્ટે જવાની તૈયારી કરી રહ્યું હતું પણ તેના પર હવે કાયદા મંત્રાલયે પાણી ફેરવી દીધુ છે.

પાકિસ્તાનના કાયદા મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જવુ કાયદા મંત્રાલય માટે જવુ શક્ય નથી. તેથી એવી શક્યતાઓ છે કે કાયદા મંત્રાલયની આ સલાહ બાદ પાકિસ્તાને હવે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જવાનું ટાળી દીધુ હોય તેવા પણ અહેવાલો છે. 

પાકિસ્તાનના કાયદા પ્રધાન ફારૂક નસીમે ઇમરાન ખાન અને અન્ય મંત્રીઓને એવી સલાહ આપી છે કે જો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાકિસ્તાન કાશ્મીરનો મામલો લઇને જશે તો તેની હાર થઇ શકે છે કેમ કે આ મામલે પાકિસ્તાને પોતાનો પક્ષ પુરવાર કરવા માટે પુરતા પુરાવા જોઇશે જે નથી.

જોકે સાથે તેણે એવી પણ સલાહ આપી હતી કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે આ મામલો ઉઠાવવા માગતો હોય તો તેણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા પાસે જવું જોઇએ. જોકે અગાઉ પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની જે બેઠક યોજાઇ તેમાં પણ પછડાટ મળી હતી અને અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા જેવા દેશોએ ભારતને સાથ આપ્યો હતો.

તેથી સુરક્ષા પરિષદમાં પણ પાકિસ્તાન હાર સ્વીકારી ચુક્યું છે તેથી હાલ તેની પાસે અન્ય કોઇ જ રસ્તા નથી રહ્યા કાશ્મીર મામલાને ચગાવવાના. અગાઉ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને વિદેશ પ્રધાન ચીમકી આપતા રહ્યા છે કે અમે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આ મામલો લઇ જઇશું. જોકે હવે તેના આ પ્રયાસો પર પણ પાણી ફરી વળ્યું છે.