કાશ્મીર પર પાકિસ્તાન ધૂંધવાયું : ભારત સાથેના વેપારી-રાજદ્વારી સંબંધો તોડયા

કાશ્મીર પર પાકિસ્તાન ધૂંધવાયું : ભારત સાથેના વેપારી-રાજદ્વારી સંબંધો તોડયા

। નવી દિલ્હી ।

ભારતે કલમ ૩૭૦ રદ કરી ત્યારથી પાકિસ્તાનની પેંતરાબાજી ચાલુ થઈ છે.રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બાદ પાકિસ્તાને એક મોટા નિર્ણયની જાહેરાત કરતા ભારત સાથેના રાજદ્વારી અને વેપારી સંબંધો કાપી નાખવાની વાત કરી છે. પાકિસ્તાને ભારતીય રાજદૂતની પણ હકાલપટ્ટી કરી દીધી હતી. ઇમરાન ખાનની આગેવાનીમાં નેશનલ સિક્યુરિટી કમિટીની બેઠક થઈ હતી જેમાં આર્ટિકલ ૩૭૦ ને હટાવવાની વિરુદ્ધમાં પ્રસ્તાવ પાસ કરાયો હતો.

પાક.NSC ની બેઠકમા પાંચ નિર્ણય

વડા પ્રધાન ઇમરાનખાન દ્વારા બોલાવાયેલી એનએસસી બેઠકમાં પાંચ નિર્ણય કરાયા હતા.

  • ભારત સાથેના તમામ રાજદ્વારી સંબંધોને ડાઉનગ્રેડ કરાયા
  • ભારત સાથેનો દ્વિપક્ષીય વેપાર રદ
  • ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો અને વ્યવસ્થાઓની સમીક્ષા થશે
  • કાશ્મીર મુદ્દાને યુએનમાં લઈ જવામા આવશે.
  • ૧૪ ઓગસ્ટના દિવસે કાશ્મીરીઓની સાથે એકજૂથતા જાહેર કરવા તથા ભારતના આઝાદી દિવસને કાળા દિવસ તરીકે મનાવવાનો પણ નિર્ણય લેવાયો હતો.

ઇમરાનના મંત્રીએ યુદ્ધની માગ કરી

ઇમરાન સરકારના વિજ્ઞાન મંત્રી ફવાદ ચોધરીએ ભારત સાથે યુદ્ધની માગ કરી હતી. આપણે અપમાન અને યુદ્ધમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે. પાકિસ્તાને યુદ્ધથી ન ડરવં જોઈએ. પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને યુએનમાં લઈ જવાની ધમકી આપી છે.