કાશ્મીર ક્યારેય પાક.નું હતું જ નહીં તો આટલી રોકકળ શા માટે? : રાજનાથ

કાશ્મીર ક્યારેય પાક.નું હતું જ નહીં તો આટલી રોકકળ શા માટે? : રાજનાથ

। લેહ ।

જમ્મુ-કાશ્મીરનું વિભાજન કરી અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા બાદ પહેલીવાર લદ્દાખની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ડીઆરડીઓના એક સમારંભમાં જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન ભારતને અસ્થિર કરવાના પ્રયાસો જારી રાખશે તો તેની સાથે કોઇ પ્રકારની મંત્રણા કરાશે નહીં. કાશ્મીર મુદ્દે દુનિયાભરમાં ઉધામા મચાવી રહેલા પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો પાઠવતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, કાશ્મીર પર પાકિસ્તાનનો કોઇ અધિકાર નથી. કાશ્મીર હંમેશથી ભારતનું રહ્યું છે. હું પાકિસ્તાનને સવાલ કરવા માગું છું કે, કાશ્મીર પાકિસ્તાનનું ક્યારેય હતું જ ક્યાં કે તે આટલી રોકકળ મચાવી રહ્યો છે?

રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની રચના થઇ તો ભારત તેના અસ્તિત્વનું સન્માન કરે છે. પરંતુ કાશ્મીર હંમેશાં ભારતનું અભિન્ન અંગ રહ્યું છે. ભારત પાકિસ્તાન સાથે સારા પાડોશી તરીકેના સંબંધ ઇચ્છે છે પરંતુ તે માટે પાકિસ્તાને સૌથી પહેલાં ભારતમાં આતંકવાદની નિકાસ બંધ કરવી પડશે.

રાજનાથે જણાવ્યું હતું કે, પાકિસ્તાને કાશ્મીરના મુદ્દે કાગારોળ મચાવવાને બદલે તેના કબજા હેઠળના કાશ્મીરમાં પાકિસ્તાની સેના દ્વારા થઇ રહેલા માનવઅધિકારોના ઉલ્લંઘન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. કાશ્મીર ભારતનું છે અને તે માટે ભારતમાં કોઇને શંકા નથી. હકીકત તો એ છે કે પાકિસ્તાને પીઓકે, ગિલગિટ અને બાલ્ટીસ્તાન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે.

પાકિસ્તાનની નેતાગીરી કાશ્મીર પર જુઠ્ઠાણા ફેલાવવાનું બંધ કરે : ભારત

કાશ્મીર મુદ્દે પાકિસ્તાની  નેતાઓના ઉશ્કેરણીજનક અને બેજવાબદાર નિવેદનોની આકરી ટીકા કરતા ભારતે ગુરુવારે જણાવ્યું હતું કે, પાકિસ્તાની નેતાગીરી કાશ્મીર મુદ્દા પર બેજવાબદાર નિવેદનો આપવાનું બંધ કરે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે, પાકિસ્તાનનો ઇરાદો વાતાવરણ ડહોળવાનો છે. તેઓ મનઘડંત અને અવાસ્તવિક નિવેદનો દ્વારા વાતાવરણ ઉગ્ર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી વિશ્વને એમ લાગે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યંત નાજુક પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. પાકિસ્તાની નેતાઓ ભારતમાં હિંસા ભડકાવવાના પ્રયાસ કરી રહ્યા છે.