કાશ્મીરના DSP દેવિંદર સિંહ ગયા વર્ષે આતંકવાદીને જમ્મુમાં તેના ઘરે લઈ ગયો હતો, આ વખતે પકડાયો તો કહ્યું- ગેમ બગડી ગઈ

કાશ્મીરના DSP દેવિંદર સિંહ ગયા વર્ષે આતંકવાદીને જમ્મુમાં તેના ઘરે લઈ ગયો હતો, આ વખતે પકડાયો તો કહ્યું- ગેમ બગડી ગઈ

  • જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલનો રહેવાસી દેવિંદરની ઉંમર 57 વર્ષ, પરિવારમાં પત્ની, બે દિકરી એક દિકરો
  • સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેવિંદર ગયા વર્ષે પણ હિઝબુલના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી નવીદને તેની સાથે જમ્મુ લઈ ગયો હતો
  • આ વખતે મદદ કરવા દેવિંદરે કહ્યું- આ એક ઓપરેશનનો હિસ્સો હતો, સફળતા મળી હોત તો પોલીસને પ્રશંસા મળી હોત

શ્રીનગરથી ઈકબાલઃ જમ્મુ-કાશ્મીર પોલીસના સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહની ગત રવિવારે હિઝબુલ મુઝાહિદ્દીનના બે આતંકવાદી સાથે ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે દેવિંદર પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ તપાસ પૂરી થયા બાદ તેને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ને સોંપી દેવામાં આવશે. દેવિંદરની કેરિયર શરૂઆતથી જ વિવાદાસ્પદ રહી છે. અનેક વખત તેમનું નામ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉછળેલુ હોવાનું સામે આવ્યું છે, પરંતુ આતંકવાદીઓ સામેની કાર્યવાહી કરવાને લીધે તેની સામે કોઈ જ તપાસ થઈ ન હતી.

કોણ છે દેવિંદર સિંહ?

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલના રહિશ દેવિંદર સિંહના પરિવારમાં 23 વર્ષ અને 26 વર્ષની બે દિકરી અને એક દિકરો છે. બન્ને દિકરી બાંગ્લાદેશમાં MBBSનો અભ્યાસ કરે છે. દિકરો હજુ શાળામાં છે. દેવિંદરની પત્ની શાળામાં શિક્ષિકા છે. દેવિંદર વર્ષ 1990માં જમ્મુ-કાશ્મીરમાં સબ-ઈન્સ્પેક્ટર તરીકે જોડાયા હતા. વર્ષ 1996માં જ તેમને આતંકવાદી સામે કાર્યવાહી કરતા ગ્રુપ સ્પેશિલ ઓપરેશન ગ્રુપ (SOG)માં સામેલ કરવામાં આવ્યો હતો. SOGમાં દેવિંદરે 14 વર્ષ સુધી કામ કર્યું. અનેક ઓપરેશન્સમાં ભાગ લીધો હતો. વર્ષ 1997માં પ્રમોશન મળતા સબ-ઈન્સ્પેક્ટરથી ઈન્સ્પેક્ટર બનાવવામાં આવ્યા. વર્ષ 2003માં DSP બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2018માં આતંકવાદીઓ સામેની કાર્યવાહી કરવા બદલ શેર-એ-કાશ્મીર ગેલેન્ટ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. દેવિંદર શ્રીનગરના ઈન્દિરાનગર વિસ્તાર તેમ જ સનત નગર વિસ્તારમાં એક-એક ઘર છે. તેઓ જમ્મુમાં પણ એક ઘર ધરાવે છે તેમ જ દિલ્હીમાં પણ એક ફ્લેટ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અનેક વખત તેમને આતંકવાદીઓ તરફથી ધમકી મળી હતી અને તેને લીધે તેઓ ત્રાલથી શ્રીનગર આવી વસવાટ કર્યો હતો. શ્રીનગરના ઈન્દિરા નગરમાં સેનાની 15મી કોરની હેડ ઓફિસની પાસે તેમનું ઘર આવેલુ છે.

પોલીસમાં આવતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ

દેવિંદર સાથે જે ત્રણ લોકો પકડાયા છે, તે પૈકી એક નવીદ બાબૂ હિઝબુલ મુઝાહિદ્દીનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. શોપિયાંનો રહેનારો નવીદ આતંકવાદી બન્યો તે અગાઉ જમ્મુ-કાશ્મીર પોલીસમાં હતો. વર્ષ 2017માં નવીદ બડગામથી 5 AK-47 લઈ ફરાર થઈ ગયો હતો. નવીદ અનુચ્છેદ-370 હટાવ્યા બાદ અનેક બીન-કાશ્મીરીની હત્યા કરવામાં સંડોવાયેલો હતો. દેવિંદર સાથે બીજા આતંદવાદી રફી અહેમદ હતો, જે નવીદ સાથે હિઝબુલમાં હતો. ત્રીજો ઈરફાન અહેમદ હતો, જે વ્યવસાયથી વકીલ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈરફાન 5 વખત પાકિસ્તાન ગયો હતો, અને તેની પાસેથી પાસપોર્ટ પણ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં માહિતી મળી છે કે ઈરફાનના પિતા પણ આતંકવાદી હતો, જે વર્ષ 1990ના દાયકામાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.

દેવિંદર પકડાયો તો કહ્યું- તમે પૂરી ગેમ બગાડી નાંખી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેવિંદરને પોલીસે કસ્ટડીમાં લીધો ત્યારે તેણે જણાવ્યું હતું કે જે આતંકવાદી છે તે હકીકતમાં તેના PSO છે, એટલે કે પર્સનલ સિક્યોરિટી ઓફિસર છે. જોકે, જ્યારે DIG દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે તમે પૂરી ગેમ બગાડી નાંખી છે. દેવિંદરે કહ્યું હતું કે તે એક ઓપરેશનમાં સામેલ હતો અને જો તે ઓપરેશન થઈ જાત તો જમ્મુ-કાશ્મીર પોલીસને ઘણી પ્રશંસા મળી હોત. ધરપકડ બાદ પોલીસે દેવિંદરના ઘર પર દરોડા પાડ્યા હતા અને મોટા પ્રમાણમાં હથિયાર અને વિષ્ફોટકો મેળવ્યા હતા. તેમા અનેક ગ્રેનેડ અને AK-47 રાઈફલનો સમાવેશ થાય છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામ બાબત પાછળ દેવિંદરનો ઉદ્દેશ પૈસા કમાવાનો હતો અને પૈસા માટે જ તે આતંકવાદીઓ સાથે સંડોવાયેલો હતો. એવી પણ માહિતી મળી છે કે ગયા વર્ષે પણ દેવિંદર નવીદને તેની સાથે જમ્મુ લઈ ગયો હતો અને ત્યાં નવીદ તેના ઘરે રોકાયો હતો. દેવિંદરને હાલમાં પોલીસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તેની પૂછરપછ કરવામાં આવી રહી છે. નવીદ, રફી અને ઈરફાનની રાજ્ય તથા કેન્દ્ર સરકારની અનેક તપાસ એજન્સીઓની એક ટીમ પૂછપરછ કરી રહી છે.

પોલીસની રડારમાં આવ્યો, તેમ છતાં મહત્વના પદ પર જ તેનું પોસ્ટીંગ

દેવિંદર અનેક વખત પોલીસની રડાર પર આવ્યો પરંતુ તેમ છતાં તે મહત્વના પદો પર જળવાઈ રહ્યો હતો. ગત સપ્તાહ દેવિંદર એ અધિકારીઓની ટીમમાં સામેલ હતો કે જે ટીમે વિદેશી ડેલિગેશનને શ્રીનગર એરપોર્ટ પર રિસીવ કર્યું હતું. તેમનું પોસ્ટીંગ શ્રીનગર એરપોર્ટ પર પોલીસના એન્ટી-હાઈજેકિંગ વિંગમાં કરવામાં આવી હતી. વર્ષ 2017માં જ્યારે પુલવામામાં ડિસ્ટ્રીક્ટ પોલીસ લાઈન પર જૈશ-એ-મોહમ્મદનો આત્મઘાતી હુમલો થયો ત્યારે દેવિંદર પોલીસ લાઈનમાં DSP તરીકે ફરજ પર હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હુમલાની રાતે દેવિંદર પોલીસ લાઈનમાં જ રોકાયો હતો અને તે સમયે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે સંઘર્ષ થયો હતો. દેવિંદરને 2018માં શેર-એ-કાશ્મીર-ગેલેન્ટ્રી એવોર્ડથી સન્માનિત મળ્યું હતું.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ ત્રણ પ્રશ્ન ઉપસ્થિત થયાઃ

અફઝલની ચીઠ્ઠી બાદ પણ પોલીસે દેવિંદર અંગે તપાસ શાં માટે ન કરી?
દેવિંદર ક્યારથી આતંકવાદી સાથે મળી કામ કરતો હતો અને તેની પાછળ કયો ઉદ્દેશ હતો?
શું દેવિંદર એકલો જ કામ કરતો હતો કે તેની સાથે અન્ય લોકો પણ સામેલ હતા?