કર્ણાટકમાં ખેતમજૂરે  તેની બાળકી 1 લાખમાં વેચીને નવી બાઇક, મોબાઇલ ફોન ખરીદ્યાં

કર્ણાટકમાં ખેતમજૂરે તેની બાળકી 1 લાખમાં વેચીને નવી બાઇક, મોબાઇલ ફોન ખરીદ્યાં

। ચિક્કાબલ્લાપુર ।

ચિક્કાબલ્લાપુર જિલ્લાના એક ખેત મજૂરે પોતાની ત્રણ મહિનાની બાળકીને રૂ. ૧ લાખમાં વેચીને નવી મોટરસાઇકલ અને મોબાઇલ ફોન ખરીદ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. નજીકના ગામના એક નિઃસંતાન દંપતીને વેચી મારવામાં આવેલી બાળકીને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓએ શનિવારે બચાવી લીધી હતી. બાળકીની માતાની અટકાયત કરવામાં આવી છે પરંતુ પિતા ફરાર છે. બેંગ્લુરુથી ૭૦ કિ.મી.ના અંતરે ચિંતામણિ તાલુકાના તિનાકાલ ગામે આ ઘટના ઘટી હતી. બાળકી વેચાઇ હોવાની બાતમી મળતાં અધિકારીએ ગામમાં પહોંચીને માતા સહિત કેટલાક લોકોની પૂછપરછ કરી હતી.

પતિએ બીજા લગ્ન કર્યા હતા. પતિ ઉડાઉ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે. બાળકીનો જન્મ થતાં દંપતીએ તેને વેચવાનો નિર્ણય કર્યો હતો. તેમણે બેંગ્લુરુ નજીક કેટલાક લોકો સાથે વાટાઘાટો શરૂ કરી હતી. પરંતુ હોસ્પિટલના સત્તાવાળાને તેમની યોજનાની ગંધ આવી જતાં તેઓ સાવધાન થઇ ગયા હતા. તે દરમિયાન મલામાચેનાહાલી ગામના એક નિઃસંતાન દંપતી બાળકીને ખરીદવાનો સોદો પાકો કરી લીધો. આધેડ વયની તે વ્યક્તિએ બાળકીના બદલામાં રૂ. એક લાખની ચુકવણી કરી દીધી હતી. બાળકીને ચિક્કાબલ્લાપુરના બાળદત્તક કેન્દ્રમાં સોંપવામાં આવી છે.