કરતારપુર કોરિડોર : ભારત 23મી ઓક્ટોબરે પાક. સાથે કરાર માટે તૈયાર

કરતારપુર કોરિડોર : ભારત 23મી ઓક્ટોબરે પાક. સાથે કરાર માટે તૈયાર

20 ડોલરનો ‘જજિયાવેરો’ વસૂલવા પાકિસ્તાનનું અક્કડ વલણ

દર્શનનો સમય, ફી વગેરે મુદ્દે બંને દેશો વચ્ચે અસહમતિ, દૈનિક 10 હજાર શ્રદ્ધાળુઓને મંજૂરી આપવા ભારતની માગણી

નવી દિલ્હી, તા. 21 ઓક્ટોબર, 2019, સોમવાર

કરતારપુર કોરિડોરના એગ્રિમેન્ટ પર હસ્તાક્ષર કરવા માટે ભારતે તૈયારી દર્શાવી છે અને આગામી 23 ઓક્ટોબરના રોજ બંને દેશ વચ્ચેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. ભારત સરકારના અનેક વિરોધ છતા પાકિસ્તાને શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલર ચાર્જ લેવાની શરત રાખી છે. 

ભારતના અનેક વિરોધ છતા પાકિસ્તાને શ્રદ્ધાળુઓ પાસેથી ફી વસૂલવાના નિર્ણયને ન બદલતા ભારતે તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ભારતે પાકિસ્તાનને હંમેશા શ્રદ્ધાળુઓની ઈચ્છા અંગે માહિતગાર કર્યું છે. 

આ ઉપરાંત તેઓ આ મામલે 23 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સાથે એગ્રિમેન્ટ સાઈન કરશે તેમ જણાવ્યું હતું. એગ્રિમેન્ટ પર હસ્તાક્ષર કરવાનો નિર્ણય જાહેર કર્યા બાદ ભારતે ફરી એક વખત પાકિસ્તાનને શ્રદ્ધાળુઓ પાસેથી ચાર્જ લેવા માટે પુનર્વિચાર કરવા જણાવ્યું હતું. 

ભારતે કોઈ પણ સમયે એગ્રિમેન્ટનું ફોર્મેટ બદલવાની તૈયારી દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુરૂદ્વારા દરબાર સાહિબ કરતારપુર માટે રવિવારથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની શરૂઆત થવાની હતી પરંતુ પાકિસ્તાને શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલરની ફી લેવા મામલે અડગતા બતાવી હતી.

આ મામલે ભારત દ્વારા વિરોધ જાહેર કરવામાં આવ્યા બાદ રજિસ્ટ્રેશન અટકી પડયું હતું. પાકિસ્તાન પ્રત્યેક શ્રદ્ધાળુ પાસેથી 20 ડોલર એટલે આશરે 1,400 રૂપિયા લેવાની ઈચ્છા ધરાવે છે. કરતારપુર કોરિડોરને લગતા તમામ મુદ્દે શનિવારે બંને દેશ વચ્ચે સમહતિ સધાશે તેવી આશા હતી પરંતુ તેમ નથી બન્યું. 

હાલમાં કરતારપુર સાહિબના દર્શનનો સમયગાળો અને 20 ડોલરની ફી વગેરે મુદ્દે બંને દેશ વચ્ચે અસહમતિ છે. આ ઉપરાંત ભારતે દરરોજ 10,000 શ્રદ્ધાળુને દર્શનની તથા દરરોજ ભારતીય પ્રોટોકોલ અિધકારીના પ્રવાસને મંજૂરી આપવા માંગ કરી છે. 

આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને નવ નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોર ખોલવામાં આવશે તેવી જાહેરાત કરી છે. માત્ર એક પરમિટના આધારે શ્રદ્ધાળુઓ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં આવેલા ડેરા બાબા નાનક ધર્મ સૃથળથી કરતારપુરના દરબાર સાહિબના દર્શને જઈ શકશે.