કતારમાં પ્રોપર્ટી ખરીદો અને PR મેળવો

કતારમાં પ્રોપર્ટી ખરીદો અને PR મેળવો

। દોહા ।

ગેસ સમૃદ્ધ દેશ કતારે પોતાનું મિલકત બજાર વિદેશીઓ માટે ખુલ્લું મૂકી દીધું છે. કતારે એવી વિઝા યોજના અમલી બનાવી છે કે જેથી કતારમાં ઘર ખરીદનાર આ અખાતી દેશમાં નિવાસી વિઝાનો લાભ મેળવી શકશે. મિલકત વિઝા યોજના અમલી બનતાં રૂપિયા બે લાખ ડોલર સુધીની મિલકતો ખરીદનારા વિદેશી રોકાણકારોને હંગામી નિવાસી વિઝા સાથે મિલકતની માલિકીનો હક મળી રહેશે. કતારની રહેઠાણ કે દુકાન જેવી મિલકતોમાં ૧૦ લાખ ડોલરનું રોકાણ કરનારા વિદેશી રોકાણકર્તાને કાયમી નિવાસી વિઝા મળી રહેશે. તે ઉપરાંત વિનામૂલ્યે શિક્ષણ અને આરોગ્ય સેવાનો લાભ પણ મળશે. આ યોજના હેઠળ વિદેશી રોકાણકારો દોહા આસપાસના ૨૫ જેટલા વિસ્તારોમાં રહેણાક મિલકત ખરીદી શકશે. નવ વિસ્તારોમાં મુક્તપણે ખરીદી કરી શકશે તો બાકીના વિસ્તારમાં ૯૯ વર્ષના ભાડાપટે મિલકતો ખરીદ કરી શકશે.

કતારના અર્થતંત્રને માત્ર તેલની નિર્ભરતામાંથી બહાર કાઢવા તેમજ વર્ષ દેશમાં ૨૦૨૨ના ફૂટબોલ વિશ્વ કપ આયોજન પહેલાં વિદેશી મૂડીને આકર્ષવા કતારે સપ્ટેમ્બર મહિનાથી જ આ વિઝા નીતિ અમલી બનાવી દીધી છે. જાહેર થયેલી યોજના મુજબ કતારમાં રોકાણ કરવા ઇચ્છનારા વિદેશી નાગરિક હવે દોહાના દરિયા કાંઠે ઊભેલી ગગનચુંબી ઇમારતો, દોહામાં માનવસર્જિત પર્લ આઇલેન્ડ પર તેમ જ લ્યુસેઇલ સિટી પ્રોજેક્ટ વિસ્તારમાં વિદેશી ધનવાનો મિલકતોમાં રોકાણ કરીને નિવાસી વિઝાનો લાભ મેળવી શકશે.