ઓર્બિટર સાત વર્ષ કામ કરશે, ચંદ્રયાન-3ની વિચારણા ચાલી રહી છે : ઇસરો

ઓર્બિટર સાત વર્ષ કામ કરશે, ચંદ્રયાન-3ની વિચારણા ચાલી રહી છે : ઇસરો

2021 સુધીમાં ભારત માનવીને ચંદ્ર પર મોકલશે

ચંદ્રયાન-2 98 ટકા સફળ રહ્યું છે, ઓર્બિટર અનેક રીતે મદદરૂપ થશે, વિક્રમ લેંડરની શોધ જારી : સિવાન

નવી દિલ્હી, તા. 21 સપ્ટેમ્બર, 2019, શનિવાર

ચંદ્રયાન-2નું અભિયાન સંપૂર્ણપણે નિષ્ફળ નથી રહ્યંુ, કેમ કે ચંદ્રયાનના ત્રણ ભાગ છે એક વિક્રમ લેન્ડર, બીજુ પ્રજ્ઞાાન અને ત્રીજુ છે ઓર્બિટર. હાલ ઇસરો દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ચંદ્રયાન-2નું ઓર્બિટર તેની ગતીથી યોગ્ય દિશામાં અને સારી રીતે કામ કરી રહ્યું છે. ઇસરોને એવી આશા છે કે આગામી દિવસોમાં પણ તે યોગ્ય રીતે જ કામ કરતું રહેશે.  

પ્રાપ્ત માહિતી અનુસાર ઇસરોએ જણાવ્યું છે કે એવી આશા છે કે ચંદ્રયાન-2નું ઓર્બિટર હજુ પણ આગામી સાતથી આઠ વર્ષ સુધી કામ કરી શકે છે. એટલે કે ચંદ્રયાન-2ની આ પણ એક સફળતા સાબીત થઇ છે, કેમ કે ઓર્બિટર આગામી સાત વર્ષ સુધી દેશને બધા જ પ્રકારની માહિતી આપતું રહેશે. ખાસ કરીને તે જે ગતીએ અને જે દિશામાં ફરી રહ્યું છે ત્યાંની તસવીરો પણ મોકલતુ રહેશે અને આવુ સાત વર્ષ સુધી ચાલશે જે ઇસરો અને અન્ય વૈજ્ઞાાનિકોને પણ મદદરૂપ સાબિત થઇ શકે છે. 

ઇસરોના ચેરમેન સિવાને આ જાણકારી આપી હતી, તેમણે સાથે એમ પણ કહ્યું હતું કે ખરેખર લેંડર વિક્રમ સાથે શું થયું તેની જાણકારી મેળવવાનો પ્રયાસ જારી છે. જોકે હાલ ઓર્બિટર આઠ ઇન્સ્ટ્રૂમેન્ટની સાથે યોગ્ય દિશામાં સારી રીતે કામ કરી રહ્યું છે.

કેટલીક તસવીરો પણ આ ઓર્બિટરે આપણને મોકલી છે જે ખરેખર અદભૂત છે. સામાન્ય રીતે ઓર્બિટર એક કે બે વર્ષ સુધી જ કામ કરતા હોય છે જોકે આ ઓર્બિટરને એવી રીતે તૈયાર કરાયું છે કે તે આગામી સાત વર્ષ સુધી દેશને વિવિધ માહિતી પુરી પાડતુ રહેશે. 

સિવાને સાથે એમ પણ કહ્યું હતું કે લેંડર વિક્રમ સાથે શું થયું તેની ચોક્કસ જાણકારી મેળવવા માટેના પ્રયાસો જારી છે અને આ માટે એક કમિટીની રચના પણ કરવામાં આવી છે કે જે વિવિધ પાસાની તપાસ કરી રહી છે.

અમને પુરી આશા છે કે આગામી દિવસોમાં વિક્રમ લેંડરનો પણ સંપર્ક કરી લેવામાં આવી શકે છે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ઇસરો 2020માં વધુ એક ચંદ્ર મિશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જોકે આ પ્રોજેક્ટ વિચારણા હેઠળ છે. જોકે ફરી એક વખત ચંદ્રયાન મોકલવામા આવશે તો તે ભારતનું ત્રીજુ ચંદ્ર પરનું મિશન ગણાશે. 

ઇસરોના ચેરમેન સિવાને જાહેરાત કરી હતી કે ભારત 2021માં ચંદ્ર પર માનવીને મોકલવામાં સફળ રહેશે. ડિસેંબર 2021 સુધીમાં આ માટે ઇસરો દરેક પ્રકારની તૈયારી કરી લેશે. હાલ પણ તેના પર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.