એમઓયુ / ધોલેરામાં રૂ.10,500 કરોડના રોકાણના ચાઈના સાથે MoU

એમઓયુ / ધોલેરામાં રૂ.10,500 કરોડના રોકાણના ચાઈના સાથે MoU

  • ગુજરાત સરકારના ચાઇના SME એન્ટરપ્રાઇઝીઝ સાથે કરાર
  • પાર્કમાં પ્રદૂષણરહિત અને હાઇટેક્નોલોજીના ઉદ્યોગો કાર્યરત થશે
  • 15 હજાર સ્થાનિક રોજગારીની તકો ઊભી થશે

ગાંધીનગરઃ ધોલેરામાં 10,500 કરોડના મૂડી રોકાણ સાથે ચાઇના ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક વિકસાવવા માટે ચાઇના એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીઝ અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં થયેલા આ એમઓયુ મુજબ ધોલેરામાં ચાઇનીઝ કંપનીઓ માટે પ્લગ એન્ડ પ્લેના ધોરણે ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક વિકસાવાશે.

પ્રોત્સાહનનો લાભ ચાઇનાને મળશે
આ પાર્કમાં પ્રદૂષણ રહિત અને હાઇ ટેક્નોલોજી આધારિત ઉદ્યોગો કાર્યરત થશે. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 15 હજાર સ્થાનિક રોજગારીની તકો ઉભી થશે. સીએમ રૂપાણીએ કહ્યું કે આ એમઓયુના પરિણામે ચીનના મધ્યમ અને નાના ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણની તકો મળશે. ગુજરાતમાં મોટાપાયે એફડીઆઇ આવી રહ્યું છે ત્યારે ચાઇનીઝ ઉદ્યોગકારો પોતાના પ્લાન્ટની જરૂરી પ્રોસેસ પૂર્ણ કરીને 2022 સુધીમાં ઉત્પાદન શરૂ કરી પ્રોત્સાહનોનો લાભ મેળવે તે સમયની માંગ છે. તાજેતરમાં ભારત સરકારે ઉદ્યોગોને જે કર રાહતો આપી છે તેમજ ગુજરાત સરકારે એમએસએમઇ સેક્ટર માટે પ્રોત્સાહનો જાહેર કર્યા છે તેનો લાભ પણ ચાયનાના ઉદ્યોગોને મળશે. ચાઇનીઝ એસોસિએશન ધોલેરા એસઆઇઆરને મેજર ઇન્વેસ્મેન્ટ હબ તરીકે ચાઇનીઝ ઉદ્યોગો માટે પ્રમોટ કરશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ધોલેરામાં ધોલેરા સ્માર્ટ સિટી, એરપોર્ટ સહિતના પ્રોજેક્ટને સફળ કરવા માટે વેગવાન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં વિશ્વના નામાંકિત ઉદ્યોગોને લાવવાનું આયોજન કરાયું છે.