એનાલિસિસ : દેશની હાઈકોર્ટમાં 56 લાખ પેન્ડિંગ કેસ, સાતમાં અડધાથી ઓછા જજ

એનાલિસિસ : દેશની હાઈકોર્ટમાં 56 લાખ પેન્ડિંગ કેસ, સાતમાં અડધાથી ઓછા જજ

દેશની 25 હાઈકોર્ટમાં 56 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. તેમાંથી 7 હાઈકોર્ટમાં અડધા જજ પણ નથી. પરિસ્થિતિ એવી છે કે મંજૂર કરાયેલા 1079 પદ સામે જજોની સંખ્યા માત્ર 661ની છે. 2020માં માત્ર 50 જજની નિમણૂક થઈ શકી જે છેલ્લાં 4 વર્ષમાં સૌથી ઓછી છે. પરિણામે બે વર્ષ પહેલાં પ્રતિ જજ 6700 પેન્ડિંગ કેસની સરેરાશ હતી તે હવે 8500ની થઈ ગઈ છે. મુંબઈ હાઈકોર્ટમાં રોજના 45 હજાર કેસ લિસ્ટ થાય છે. જો તમામ જગ્યા ભરાય તો રોજના 70 હજાર કેસની સુનાવણી થઈ શકે.

ગુજરાત હાઇકોર્ટનો હીરક જયંતી મહોત્સવ ઉજવાયો
ગુજરાત હાઇકોર્ટને 60 વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સથી પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ સહિત સિટિંગ અને નિવૃત્ત જજીસ હાજર રહ્યા હતા. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે આ પ્રસંગે એવું વકતવ્ય આપ્યું હતું કે, આજે ન્યાયનો મંચ છે અને ગુજરાતનો સંદર્ભ છે તો હું એમ કહીશ કે ગુજરાતના લોકપ્રિય નરેન્દ્ર મોદી ન્યાય નિષ્ઠાનું ઉદાહરણ છે. તેમણે માત્ર રાષ્ટ્ર જ નહીં સમગ્ર વિશ્વની સુરક્ષાનો સંકલ્પ ચરિતાર્થ કર્યો છે. જો નેતૃત્વ ન્યાયવાન હોય તો તેમના દળની પ્રતિભાઓને તેમાંથી પ્રેરણા મળે છે. તેમણે ગુજરાત હાઇકોર્ટના જજીસનો ફાળો અને જયુડીશ્યરી વિભાગે આપેલ યોગદાનની પ્રશંસા કરી હતી.

કટોકટીના સંજોગોમાં પણ અધિકારોનું રક્ષણ કર્યું – સુપ્રીમ કોર્ટના જજ
સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર શાહે આ પ્રસંગે વકતવ્ય આપતા જણાવ્યુ હતુ કે,ગુજરાત હાઇકોર્ટની સ્ટેમ્પ બહાર પાડવાના પ્રસંગે મને ગર્વ થાય છે કે હું, વાયબ્રન્ટ, પ્રેમાળ,લોકપ્રિય અને દુરંદેશી વડાપ્રધાનની સાથે આ પ્રસંગે હાજર છું. તમારા કારણે ગુજરાત હાઇકોર્ટની સ્ટેમ્પ બહાર પડી રહી છે તેના માટે હાઇકોર્ટના જજીસ અને તમામ સ્ટાફ તમારા આભારી છે. કટોકટીના સમયમાં પણ ગુજરાત હાઇકોર્ટના જજીસે હંમેશા માનવ અધિકારોનું રક્ષણ કર્યુ છે. આપણા દેશમાં ગુજરાત હાઇકોર્ટે કોર્ટ કાર્યવાહીનું સૌથી પહેલા જીવંત પ્રસારણ શરૂ કર્યુ છે. ગુજરાત હાઇકોર્ટ હંમેશા સ્વતંત્ર ન્યાયપ્રણાલી અને માનવ અધિકારીઓના રક્ષણ માટે ખડે પગે રહી છે.

( Source – Divyabhaskar )