એટીએમમાં કેશ નહીં હોય તો RBI બેન્ક પાસેથી દંડ વસૂલશે

એટીએમમાં કેશ નહીં હોય તો RBI બેન્ક પાસેથી દંડ વસૂલશે

મુંબઈ, તા. 15 જૂન, 2019, શનિવાર

જો બેન્કના એટીએમ ત્રણ કલાકથી વધુ સમય કેશ વગરના રહે અને ખાતેદારો નાણા ન કાઢી શકે તો આરબીઆઈ કસૂરવાર બેન્ક પાસેથી પેનલ્ટી વસૂલશે. ગ્રાહકોને અગવડ ન પડે એ માટે આરબીઆઈએ બેન્કો પાસેથી દંડ વસૂલવાનો નિર્ણય લીધો છે. આ બાબતની જાણ કરતો સર્કયુલર બેન્કો સુધી પહોંચી ગયો છે.

હવે સીસ્ટમમાં ભરપૂર ચલણી નોટો આરબીઆઈએ ઠાલવી હોવા છતાં ઘણાં નાનાં શહેરોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં રોકડની તીવ્ર અછત વરતાય છે. ઘણીવાર અમુક કલાકો અને દિવસો સુધી એટીએમમાં કેશ હોતા નથી. જેને પરિણામે જે તે બેન્કની શાખાઓની બહાર રોકડ કઢાવવા ગ્રાહકોની કતાર લાગે છે.

હકીકતમાં એટીએમમાં સેન્સર હોય છે જે અમુક સપાટીથી રોકડ રકમ નીચે જાય તો તુરંત બેન્કોને ચેતવણી આપે છે.  મશીનમાં કેશ ઘટવાની સાથે જ ચેતવણી મળવા છતાં અમુક બેન્કો કેશવાન નથી રવાના કરતી. હવે દંડના ભયે બેન્કો આમ કરતી અટકશે.