એક વ્યક્તિ દેશ માટે શું કરી શકે તે સરદાર પટેલ પાસેથી શીખવા જેવું

એક વ્યક્તિ દેશ માટે શું કરી શકે તે સરદાર પટેલ પાસેથી શીખવા જેવું

  • કોમનવેલ્થનાં જનરલ સેક્રેટરી ભારત મુલાકાત દરમિયાન કેવડિયા આવ્યા
  • કોમનવેલ્થનાં જનરલ સેક્રેટરી બોરોનેસ પેટ્રીશીયા SOUની મુલાકાતે

કેવડીયા: કોમનવેલ્થનાં જનરલ સેક્રેટરી બોરોનેસ પેટ્રીશીયા હાલ ભારતની મુલાકાતે છે. તેઓએ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલની પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા ડેમનો નજારો પણ માણ્યો હતો. તદ્દઉપરાંત પ્રતિમાની આજુબાજુનાં પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે નર્મદાના દર્શન કર્યા હતા. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદારના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

બોરોનેસ પેટ્રીશીયાને સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટનાં સભ્યસચિવ સંદીપ કુમારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતાઓ અંગે માહિતી આપી હતી. બોરોનીસ પેટ્રીશીયાએ પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, આજનો દિવસ મને સદાય યાદ રહેશે. મારૂં સદભાગ્ય છે કે મેં આટલી વિરાટ પ્રતિભાનાં દર્શન કર્યા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ મુલાકાત ઘણી જ પ્રેરણાદાયક છે, જે બતાવે છે કે એક વ્યક્તિ પોતાનાં દેશ માટે શું કરી શકે છે. હું ભારતનાં આ મહાન સપુતને દીલથી સલામ કરૂં છું.

આ મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટનાં સભ્યસચિવ સંદીપ કુમાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય વહિવટદાર અને જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મદદનીશ કમિશ્નર અને નાયબ કલેક્ટર નિલેશ દુબે, નાયબ કલેકટર બી.એ.અસારી, નાયબ પોલીસ અધિક્ષક એસ.જે.મોદી તેઓની સાથે રહ્યા હતા.