ઉદ્ધવ આજે મારું ઘર તૂટયું છે, કાલે તારો ઘમંડ તૂટશે : કંગના રનૌત

ઉદ્ધવ આજે મારું ઘર તૂટયું છે, કાલે તારો ઘમંડ તૂટશે : કંગના રનૌત

। મુંબઇ ।

સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં બોલિવૂડ, મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારની આકરી ટીકા બાદ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચે શરૂ થયેલા વાક્યુદ્ધે બુધવારે મુંબઇમાં વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું. કંગના રનૌત અને શિવસેના વચ્ચેના જુબાની જંગમાં ન કેવળ નૈતિકતાના લીરેલીરા ઊડયા પરંતુ રાજનીતિ કેટલી અધમ કક્ષાએ પહોંચી છે તેનો ઉદાહરણ મુંબઇમાં જોવા મળ્યો હતો. શિવસેના સાથેના જુબાની જંગના પગલે બીએમસીએ કંગના રનૌતને રાજકીય લક્ષ્યાંક બનાવી તેની ઓફિસ અને બંગલામાં ગેરકાયદેસર બાંધકામ કરાયું હોવાની નોટિસ ફટકારી હતી. કંગનાના વકીલે બીએમસીને તેની નોટિસનો જવાબ ૭ દિવસમાં આપવા માગેલી મહેતલની પણ રાહ જોવાઇ નહોતી. કંગના રનૌત બુધવારે ૩ કલાકે મુંબઇ પહોંચે તે પહેલાં જ બીએમસીનાં ધાડાં બુલડોઝર સાથે બાંદ્રા વેસ્ટના પાલી હિલ વિસ્તારમાં આવેલા તેના બંગલા મણિકર્ણિકા ખાતે પહોંચી હતી અને કંગનાની ઓફિસ અને બંગલામાં તોડફોડ શરૂ કરી દીધી હતી. જેના પગલે કંગનાના વકીલોની ટીમ બોમ્બે હાઇકોર્ટ ખાતે પહોંચી હતી અને તોડફોડ અટકાવવાની માગ કરી હતી. બપોરે ૧૨.૩૦ કલાકે યોજાયેલી સુનાવણીમાં હાઇકોર્ટે બીએમસીને કંગનાની ઓફિસમાં તાત્કાલિક તોડફોડ અટકાવવાનો આદેશ આપતાં બીએમસી પાસે જવાબ માગ્યો હતો. પરંતુ કંગના રનૌતના વકીલો હાઇકોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવે તે પહેલાં જ બીએમસીએ કંગનાની ઓફિસમાં કથિત ગેરકાયદેસર બાંધકામની તોડફોડ પૂરી કરી લીધી હતી.

એક અભિનેત્રી અને રાજ્યની સત્તાધારી પાર્ટી વચ્ચેનો ગજગ્રાહ આટલી ઊંચી સપાટી પર પહોંચશે તેનો કોઇએ સ્વપ્નમાં પણ વિચાર કર્યો નહોતો. એમ લાગી રહ્યું હતું કે, સમગ્ર દેશ આ મામલામાં બે તબક્કામાં વિભાજિત થઇ ગયો હતો. કંગના રનૌતનું મુંબઇ એરપોર્ટ પર આગમન થયું ત્યારે રામદાસ આઠવલેની પાર્ટી, કરણી સેનાના કાર્યકરો કંગનાના સ્વાગત માટે એરપોર્ટ પર ઊમટી પડયાં હતાં તો શિવસેનાના કાર્યકરો કાળા ઝંડા સાથે એરપોર્ટ પર પહોંચ્યા હતા. જેના પગલે એરપોર્ટ પર જ ગંભીર ટકરાવની સ્થિતિ પેદા થઇ હતી. દેશના રાજકીય તબક્કામાં પણ ઉત્તર ભારતીય વર્સિસ મરાઠાનું સમીકરણ ઊભરી આવ્યું હતું. ભાજપ, આરએસએસ સહિત એનડીએના ઘટક પક્ષોએ કંગના રનૌતને સમર્થન જાહેર કર્યું હતું. મહારાષ્ટ્રની અઘાડી સરકારના મહત્ત્વના ઘટક પક્ષ એનસીપીના સુપ્રીમો શરદ પવાર અને કોંગ્રેસે પણ બીએમસીની કામગીરીની ટીકા કરી હતી. ભારતના ઇતિહાસમાં એક અભિનેત્રી અને એક રાજકીય પક્ષ વચ્ચેનો જુબાની જંગ આટલી નિમ્ન કક્ષાએ પહોંચી જશે તેની કોઇએ કલ્પના કરી નહીં હોય.

મહારાષ્ટ્રના અઘાડી ગઠબંધનમાં સરકારની કામગીરી સામે વિરોધાભાસ

મુંબઇમાં ઘણા ગેરકાયદે બાંધકામ, કંગનાની ઓફિસમાં બિનજરૂરી તોડફોડ : શરદ પવાર

એનસીપી સુપ્રીમો શરદ પવારે જણાવ્યું હતું કે, બીએમસીના અધિકારીઓને કંગનાની ઓફિસમાં તોડફોડ ભલે યોગ્ય લાગતી હોય પરંતુ તેમણે લોકોને શંકાનું કારણ આપ્યું છે. આપણે આ પ્રકારનાં નિવેદનો આપનારા લોકોને ખોટું મહત્ત્વ આપીએ છીએ. લોકો પર આ પ્રકારના નિવેદનની અસર સમજવી જોઇએ. લોકો આ પ્રકારનાં નિવેદનોને ગંભીરતાથી લેતાં નથી. મુંબઇમાં ગેરકાયદેસર બાંધકામની નવાઇ નથી. મુંબઇમાં ઘણા ગેરકાયદેસર બાંધકામ છે ત્યારે કંગનાની કચેરીમાં તોડફોડ બિનજરૂરી હતી. જોકે બીએમસીના પોતાના નિયમો છે અને તે અંતર્ગત તેમને પગલાં લેવાનું યોગ્ય લાગ્યું હશે.

બીએમસીની કાર્યવાહી બદલાની ભાવનામાં ઓતપ્રોત : સંજય નિરૂપમ

મહારાષ્ટ્રની અઘાડી સરકારમાં ઘટક પક્ષ કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કંગનાની ઓફિસ ગેરકાયદેસર હતી કે તેને તોડી પાડવાની કાર્યવાહી? કારણ કે હાઇકોર્ટને કાર્યવાહી ખોટી જણાઇ તો તાત્કાલિક તેના પર રોક લગાવી દીધી છે. બીએમસીની કાયર્વાહી બદલાની ભાવનામાં ઓતપ્રોત છે પરંતુ રાજનીતિનું આયુષ્ય ઘણું ઓછું હોય છે. એક ઓફિસના ચક્કરમાં શિવસેનાનું ડિમોલિશન શરૂ ન થઇ જાય.

બીએમસી v/s કંગનાનો હાઇકોર્ટમાં જંગ

માલિક હાજર નહોતા ત્યારે બીએમસીના અધિકારી પ્રોપર્ટીમાં કેમ પ્રવેશ્યા : બોમ્બે હાઇકોર્ટ

બોમ્બે હાઇકોર્ટે કંગનાની ઓફિસમાં તોડફોડ અટકાવવાનો આદેશ કરતા જણાવ્યું હતું કે, બીએમસીના અધિકારી માલિક હાજર નહોતા ત્યારે પ્રોપર્ટીમાં શા માટે પ્રવેશ્યા? જસ્ટિસ એસ જે કાથાવાલાએ બીએમસીને આદેશ કર્યો હતો કે તેના અધિકારીઓ કેવી રીતે કંગનાની ઓફિસમાં પ્રવેશ્યા તે અંગે એફિડેવિટ રજૂ કરવામાં આવે. હાઇકાર્ટે ગુરુવાર પર સુનાવણી મોકૂફ રાખી હતી.

કંગનાની ઓફિસમાં કોઈ ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યું નહોતું : કંગનાના વકીલ

કંગનાના વકીલ રિઝવાન સિદ્દિકીએ જણાવ્યું હતું કે, બીએમસી રેકોર્ડ પર જુઠ્ઠાણું ચલાવી રહી છે. કંગનાની ઓફિસમાં કોઇ ગેરકાયદેસર બાંધકામ કરાયું નહોતું. બીએમસીએ કામ બંધ કરવાની નોટિસ આપી છે પરંતુ આવી નોટિસ ત્યારે અપાય છે જ્યારે કોઇ બાંધકામ ચાલી રહ્યું હોય. કંગનાની ઓફિસમાં કોઇ બાંધકામ થઇ રહ્યું નહોતું. દોઢ વર્ષ પહેલાં બાંધકામ પૂરું થઇ ગયું હતું. અમે બીએમસીના અધિકારીઓને કહ્યું કે અમે હાઇકોર્ટમાં અરજી કરી છે તેમ છતાં તોડફોડ અટકાવવામાં આવી નહોતી.

રૂપિયા ૪૮ કરોડના ખર્ચે કંગનાએ ઓફિસનું સ્વપ્ન સાકાર કર્યું હતું

કંગનાની બહેન રંગોલીના જણાવ્યા અનુસાર કંગનાએ ૧૫ વર્ષ પહેલાં પોતાની ઓફિસનું સ્વપ્ન જોયું હતું અને રૂપિયા ૪૮ કરોડના ખર્ચે તે સાકાર થયું હતું. આ ઓફિસમાં કંગનાએ તેના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકાનો પ્રારંભ કર્યો હતો. કંગનાએ બાંદ્રા વેસ્ટમાં આવેલી ૩ માળની ૫૬૫ ચોરસફૂટની આ ઇમારત કેટલાક વર્ષ પહેલાં ખરીદી હતી.

બદલાની ભાવનાની રાજનીતિ : ભાજપ 

જો કોઇ તમારી વિરુદ્ધ નિવેદન આપે અને તમે આ પ્રકારની કાર્યવાહી કરો તો તે કાયરતા અને બદલાની ભાવના છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારની ભાવનાનું કોઇ સન્માન કરતું નથી.

  •  દેવેન્દ્ર ફડણવીસ, પૂર્વ સીએમ મહારાષ્ટ્ર

અસત્યના હથોડાથી સત્યનો પાયો હચમચી જતો નથી

  • રામલાલ, અખિલ ભારતીય સહપ્રમુખ આરએસએસ

ઉદ્ધવ તને શું લાગે છે, તેં ફિલ્મ માફિયા સાથે મળીને બહુ મોટો બદલો લઈ લીધો છે? : કંગના

હિમાચલથી મુંબઇ આવવા રવાના થયેલી કંગના રનૌતે બીએમસી દ્વારા તેની કચેરીમાં કરાયેલી તોડફોડ અંગે શિવસેના અને તેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ આગઝરતાં નિવેદનો જારી કર્યાં હતાં. બીએમસીએ કંગનાની કચેરીમાં કથિત ગેરકાયદેસર બાંધકામ તોડવાની શરૂઆત કરી ત્યારથી માંડીને તોડફોડ થઇ ગયા બાદના ઘટનાક્રમમાં કંગનાએ સોશિયલ મીડિયા પર શિવસેનાને અનેક પડકાર આપતાં નિવેદન કર્યાં હતાં.

  • ઉદ્ધવ ઠાકરે તને શું લાગે છે? તેં ફિલ્મ માફિયા સાથે મળીને મારું ઘર તોડીને બહુ મોટો બદલો લઇ લીધો છે? આજે મારું ઘર તૂટયું છે, કાલે તારો ઘમંડ તૂટશે. આ સમયનું ચક્ર છે. યાદ રાખજે, સમય હંમેશાં એક જેવો રહેતો નથી.
  • ઉદ્ધવ ઠાકરે અને કરણ જૌહર ગેંગે મારી ઓફિસ તોડી નાખી છે. આવો મારું ઘર તોડી નાખો અને મારો ચહેરો અને શરીર પણ તોડી નાખજો. હું જીવુ કે મરું પણ તમને એક્સપોઝ કરી દઇશ.
  • હું ક્યારેય ખોટી નહોતી અને દુશ્મનોએ સાબિત કરી દીધું છે કે મુંબઇ હવે POK બની ગઇ છે
  • સરકારે પણ કોરોનાના કારણે ૩૦મી સપ્ટેમ્બર સુધી કોઇપણ પ્રકારના ડિમોલિશન પર પ્રતિબંધ મૂક્યો હતો, હવે તમે જ ફાસીવાદનો અસલ ચહેરો જોઇ લો.? બાબર અને તેની સેનાએ લોકશાહીની હત્યા કરી છે
  • આ મારા માટે ઇમારત નહીં પરંતુ રામમંદિર છે, આજે બાબર ત્યાં પહોંચ્યો અને ઇતિહાસનું પુનરાવર્તન થશે, રામમંદિર તોડી પાડવામાં આવશે પરંતુ બાબર યાદ રાખે કે રામમંદિરનું ફરી નિર્માણ થશે.

બીએમસીની કાર્યવાહી સરકારી પગલું બાબરી તોડનારા અમે જ હતા : રાઉત

શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું હતું કે, બીએમસીની કાર્યવાહી સરકારી પગલું છે અને તેની સાથે મારે કોઇ લેવાદેવા નથી. કંગનાએ શિવસેનાને બાબરની સેના ગણાવ્યા પર રાઉતે જણાવ્યું હતું કે, બાબરી મસ્જિદ તોડનારા લોકો જ અમે હતા તો તે અમને શું કહી રહી છે. કંગનાની ઓફિસ પર ગેરકાયદેસર બાંધકામની તોડફોડ અગે બીએમસી કમિશનર જ જવાબ આપી શકે છે. જો કોઇ કાયદો તોડે છે તો તેના પર એક્શન લેવાય છે. પાર્ટી પાસે તેની જાણકારી હોવી જરૂરી નથી. કાયદો તેનું કામ કરી રહ્યો છે તેથી મારે બોલવાની જરૂર નથી. હવે આ મામલો બોમ્બે હાઇકોર્ટ પાસે છે. બીએમસી અદાલતમાં તેના પગલાં અંગે જવાબ આપશે. આ પગલાંમાં બદલાની કોઇ ભાવના નથી. જો કોઇ મહારાષ્ટ્રના સન્માન સાથે ચેડાં કરે છે તો જનતા નારાજ થાય છે.