ઉત્તરાખંડમાં NRIના શાહી લગ્ન, 200 હેલિકોપ્ટર બુક, ચાંદીની સાડાચાર kgની કંકોત્રી, સ્વિટઝરલેન્ડથી આવશે ફૂલ

ઉત્તરાખંડમાં NRIના શાહી લગ્ન, 200 હેલિકોપ્ટર બુક, ચાંદીની સાડાચાર kgની કંકોત્રી, સ્વિટઝરલેન્ડથી આવશે ફૂલ

દક્ષિણ આફ્રિકા સાથે સંબંધ ધરાવતા વિવાદાસ્પદ NRI ગુપ્તા બંધુઓના બે દીકરાના હાઇ-પ્રોફાઇલ લગ્ન ઉત્તરાખંડના શાનદાર હિલ સ્ટેશન ઓલીમાં થવા જઇ રહ્યા છે. હાઇ પ્રોફાઇલનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે લગ્નનો ખર્ચ 200 કરોડ રૂપિયા થશે તેવી ચર્ચા છે.

પહેલાં લગ્ન અજય ગુપ્તાના દીકરા સૂર્યકાંતના 18-20 જૂનની વચ્ચે થશે. જ્યારે નાના ભાઇ અતુલ ગુપ્તાના દીકરાના લગ્ન શશાંકના 20-22 જૂનના રોજ છે. સૂર્યકાંતના લગ્ન હીરાના વેપારી સુરેશ સિંઘલની દીકરી કૃતિકા સિંઘલ અને શશાંકના લગ્ન દુબઇના વેપારી વિશાલ જલાનની દીકરી શિવાંગી જલાન સાથે થશે.

હાલ તો આ હાઇપ્રોફાઇલ લગ્નના લીધે તમામ હોટલ અને રિસોર્ટ એક સપ્તાહ માટે ગુપ્તા બંધુના નામે બુક છે. લગ્નમાં સજાવટ માટે 5 કરોડ રૂપિયાના ફૂલ સ્વિટ્ઝરલેન્ડથી મંગાવ્યા છે. દિલ્હીથી મહેમાનોને લાવવા-લઇ જવા માટે 200 હેલિકોપ્ટર ભાડે લીધા છે. આ રોયલ લગ્ન માટે 100 પંડિત બુક થઇ ગયા છે. લગ્નનું કાર્ડ પણ અનોખું છે. ચાંદીથી બનેલા કાર્ડનું વજન અંદાજે સાડા ચાર કિલોગ્રામ છે.

મહેમાનોમાં નેતા, બિઝનેસ લીડર, બોલિવુડ સ્ટાર્સ અને અન્ય ગણમાન્ય વ્યક્તિ સામેલ થશે. લગ્નમાં સામેલ થનાર મહેમાનોને દર્શન કરવા માટે બદ્રીનાથ મંદિર પણ લઇ જવાશે. આ સિવાય મહેમાનો માટે લગભગ 400 પકવાનોની વ્યવસ્થા થસે.

કોણ છે ગુપ્તા બ્રધર્સ
ઉત્તર પ્રદેશના સહારનપુરથી 1993મા ત્રણ ભાઇ અજય ગુપ્તા, અતુલ ગુપ્તા અને રાજેશ ગુપ્તા દક્ષિણ આફ્રિકા પહોંચ્યા હતા. ત્રણેય ભાઇઓએ દક્ષિણ આફ્રિકામાં બિઝનેસનું વિશાળ સામ્રાજ્ય ઉભુ કર્યુ છે. તેમના પિતા શિવકુમાર ગુપ્તાની સહારનપુરની રાનીબજાર સ્થિત રાયવાલા માર્કેટમાં એક સમયે રેશનિંગની દુકાન હતી. પિતા સહારનપુરમાં મસાલાના જાણીતા વેપારી હતા. દક્ષિણ આફ્રિકામાં ગુપ્તા બંધુનો કોમ્પ્યુટરિંગ, માઇનિંગ, એર ટ્રાવેલ, રિઅલ એસ્ટેટ, ટેકનોલોજી અને મીડિયાનો બિઝનેસ પથરાયેલો છે. ગુપ્તા બંધુઓ પર હાલ દક્ષિણ આફ્રિકામાં રાજકીય ક્ષેત્રે પહોંચ વધતા વિવાદનો મધપૂડો છંછેડાયો હતો અને કેટલાંય કેસ ચાલી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના લોકપ્રિય રાષ્ટ્રપતિ જૈકબ જુમાને આ ભાઇઓના લીધે ખુરશી ગુમાવી પડી. જુમાના કાર્યકાળ દરમ્યાન ગુપ્તા પરિવાર પર સરકાર ચલાવાનો આરોપ મૂકાયો છે. હાલ આ ભાઇઓ પર ન્યાયિક તપાસ ચાલી રહી છે અને વિવાદોના લીધે તેમનો પરિવાર હાલ દુબઇમાં રહે છે.

ગુપ્તા બંધુઓનો રૂતબો
2002મા દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે હતી. એ સમયે ગુપ્તાએ બંધુએ આખી દક્ષિણ આફ્રિકાની ટીમને સહારનપુર બોલાવ્યો હતો. કહેવાય તો એ પણ છે કે 2009માં જ્યારે મોદી આઇપીએલને દક્ષિણ આફ્રિકા લઇ ગયા હતા તો ત્યાં તમામ વ્યવસ્થાઓ ગુપ્તા બંધુઓ એ જ કરી હતી.