ઈઝરાયેલની કંપનીએ દારૂની બોટલ પર છાપ્યો મહાત્મા ગાંધીનો આપત્તિજનક ફોટો

ઈઝરાયેલની કંપનીએ દારૂની બોટલ પર છાપ્યો મહાત્મા ગાંધીનો આપત્તિજનક ફોટો

જીવનભર શરાબનો વિરોધ કરનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો ઈઝરાયેલની શરાબ કંપનીએ પોતાની બોટલ પર છાપ્યો છે. કંપનીની આ કરતૂત પર ભારત તરફથી આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે. કેરળના મહાત્મા ગાંધી મેમોરિયલ ફાઉન્ડેશનના અધ્યક્ષ એઝીબે જોસે આપત્તિ વ્યક્ત કરતાં બોટલો અને કેન પરથી તરત જ મહાત્મા ગાંધીનો ફોટો હટાવવાની માગ કરી છે. જોસે આ સંબંધમાં ઈઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂ અને પીએમ મોદીને પત્ર લખ્યો છે.

ઈઝરાયેલની શરાબ કંપની માકા બ્રેવરીએ પોતાની બોટલો પર મહાત્મા ગાંધીની તસવીર છાપી છે. આ ફોટોવાળા બોટલોને અમિત શિમોની નામના શખ્સે ડિઝાઈન કરી છે. જોસે કહ્યું કે, શરાબની બોટલો અને કેન પર બાપૂનો ફોટો છાપીને મહાત્મા ગાંધીની મજાક ઉડાવવામાં આવી છે. અમિત શિમોનીની વેબસાઈટ હિપસ્ટોરી.કોમ પર પણ મહાત્મા ગાંધીને ટી-શર્ટ, ઓવરકોટ અને ગોગલ્સ પહેરેલાં દેખાડ્યા છે.

જોસે ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને પત્ર લખીને માગ કરી છે કે, શરાબની બોટલો અને વેબસાઈટથી મહાત્મા ગાંધીના ફોટોને તરત જ હટાવી લેવામાં આવે. અને બાપૂના ફોટાવાળી જેટલી પણ બજારમાં મોકલી દેવામાં આવી છે, તેને પરત મગાવવામાં આવે. જોસે કહ્યું કે, મહાત્મા ગાંધી હંમેશા લોકોને શરાબથી દૂર રહેવાની સલાહ આપતા હતા, પણ કંપનીએ બોટલો પર તેમના ફોટાનો ઉપયોગ કરીને શર્મનાક હરકત કરી છે.