આ વર્ષે હોળીની જ્વાળા ઉત્તરમાં રહેશે તો વરસાદ સારો થશે, દક્ષિણમાં રહેશે તો દુષ્કાળની ભીતી

આ વર્ષે હોળીની જ્વાળા ઉત્તરમાં રહેશે તો વરસાદ સારો થશે, દક્ષિણમાં રહેશે તો દુષ્કાળની ભીતી

  • હોળીની જાળ પશ્ચિમ દિશામાં હોય તો આઠઆની ચોમાસુ થશે
  • હોળીની જાળ અગ્નિ દિશામાં હોય તો દેશમાં વરસાદ ઓછો થાય

ધર્મ દર્શન ડેસ્ક: આ વર્ષે હોળી ફાગણ સુદ 15 સોમવાર તા. ૦9-૦3-2020ના સાંજે ૦6-4૦ થી ૦7-5૦ સુધીના સમયમાં હોળી પ્રગટાવી. સામાન્ય રીતે આખા વર્ષનો વરતારો(જ્યોતિષનો ફળાદેશ) આ હોળીની જ્વાળા (પવન) કઈ દિશામાં છે તેના પર થાય છે. શાસ્ત્રમાં હોળીના પવનની દિશા કઈ બાજુ અને તેનાથી સામાન્ય જીવનમાં થતાં ફેરફારો અને તે વર્ષમાં થતો લાભ અને નુકસાન દર્શાવ્યા છે.

શાસ્ત્રોમાં નીચે મુજબની દિશામાં હોળીના પવનથી થતો વરતારાનો ઉલ્લેખ ભાવનગરના શ્રીધર પંચાંગવાળા કિશનભાઈ ગિરીશભાઈ જોશી દ્વારા જણાવવામાં આવી રહ્યો છે.

  • જો હોળીનો પવન પૂર્વ દિશામાં હોય તો આ વર્ષ બારઆની ચોમાસુ થાય છે. સામાન્ય કરતાં વધારે સારું ચોમાસુ થાય છે. ખંડવૃષ્ટિ વરસાદ થાય. એકંદરે વર્ષ સુખદ પસાર થાય છે.
  • જો હોળીની જાળ પશ્ચિમ દિશામાં હોય તો આઠઆની ચોમાસુ થાય છે. મધ્યમ પ્રકારની ખેતી થાય. “ન નફો.. ન નુકસાન” જેવી સ્થિતિ દેશમાં પસાર થાય. પશુ માટે ઘાસચારો સારો થાય છે. પાણીની જો બચત શક્તિ સારી હશે તો ભરપૂર પ્રમાણમાં પાણીનો ઉપયોગ થઈ શકે એવી સારી સ્થિતિ થાય છે. એકંદર વર્ષ સારું પસાર થાય છે.
  • જો હોળીની જાળ ઉત્તર દિશામાં હોય તો દેશમાં વરસાદ સારો થાય. ગાજવીજ સાથેનો વરસાદ થાય છે. ક્યારેક અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતી પણ સર્જાય છે. વિપુલ પ્રમાણમાં ધાન પાકે, જગતની તાત એટલે ખેડૂત ધાર્યા પ્રમાણે પાક થાય. લોકોનું જીવન સારું પસાર થાય, લોકોના મન પ્રફુલ્લિત રહે, શાંતિનો એહસાસ થાય, વાતાવરણમાં એકંદરે સુખનો અવનુભ થાય છે. એકંદરે શ્રેષ્ઠ વર્ષ પસાર થાય છે.
  • જો હોળીની જાળ દક્ષિણ દિશામાં હોય તો દેશમાં દુષ્કાળ જેવી સ્થિતિ થાય છે. દેશમાં પૈસાની અછત થાય, પાકની અછત સર્જાય. દુષ્કાળના કારણે જાહેર જીવન પણ શુષ્ક, નીરસ, મંદીનો માહોલ વર્ષ દરમિયાન રહે છે.
  • જો હોળીની જાળ વાયવ્ય દિશામાં હોય તો સોળઆની વર્ષ પસાર થાય છે. સારો વરસાદ થાય, પવન-તોફાન સાથે વરસાદ થાય. લાંબો સમય ચોમાસુ રહે. ધનધાન્ય સારા થાય. ઉનાળાનો પ્રારંભ મોડો થાય..
  • જો હોળીની જાળ અગ્નિ દિશામાં હોય તો દેશમાં વરસાદ ઓછો થાય. ગરમીનું પ્રમાણ વધે. અસહ્ય ગરમીના કારણે રોગોમાં વૃદ્ધિ થાય, તાવ, ચામડીના, પેટના, ગરમીજન્ય રોગોમાં વધારો થાય, ગરમી વધુ પડે.
  • જો હોળીની જાળ નૈઋત્ય દિશામાં હોય તો એકંદર વર્ષ સાધારણ રહે છે. ઠંડીનું પ્રમાણ વધે છે. પાકમાં હાનિ થાય, જીવજંતુ વધે, જીવલેણ રોગનો ફેલાવો થાય, તીડ જેવા જંતુ જે પાકને નુકસાન કરી શકે એવા જંતુઓની શક્યતા વધે છે.
  • જો હોળીની જાળ ઇશાન દિશામાં હોય તો વર્ષ નબળું પસાર થાય છે. વર્ષ સોળ આની રહે છે.
  • જો હોળીની જાળ ઉપરને ઉપર ચડે તો દેશમાં યુદ્ધ-લડાઈ જેવી પરિસ્થિતી સર્જાય. દેશમાં કટોકટી જેવી સ્થિતિ થાય.
  • જો હોળીની જાળ ચોતરફ ફેલાય તો દેશમાં વાવાજોડું કે ધરતીકંપ કે પૂર જેવી કુદરતી આફતોનો સામનો કરવો પડે.
  • આ રીતે શાસ્ત્રમાં હોળીની જાળનો દરેક દિશા પ્રમાણે વરતારો આપ્યો છે. ભગવાન શ્રીધર સૌનું વર્ષ સારું, સુખમય અને શાંતિપૂર્વક પસાર કરે એવી પ્રાર્થના.