આર્થિક નીતિ સરકારનો અધિકાર, સુપ્રીમ હસ્તક્ષેપ ના કરે : કેન્દ્ર

આર્થિક નીતિ સરકારનો અધિકાર, સુપ્રીમ હસ્તક્ષેપ ના કરે : કેન્દ્ર

। નવી દિલ્હી ।

સરકારે ગયા સપ્તાહમાં સુપ્રીર્મમાં એફિડેવિટ રજૂ કરીને જણાવ્યું હતું કે, ૬ મહિનાના લોન મોરેટોરિયમમાં રૂપિયા બે કરોડ સુધીની લોનના વ્યાજ પરના વ્યાજમાં માફી આપવામાં આવશે. જોકે, કોર્ટે સરકારને જણાવ્યું હતું કે, તેનો જવાબ સંતોષકારક નથી. સુપ્રીમ કોર્ટે મોટી રકમની લોન લેનારાઓની લોન રિસ્ટ્રક્ચર કરવા માટે કામથ કમિટીના રિપોર્ટને રેકોર્ડ પર લાવવા જણાવ્યું હતું.

નવી એફિડેવિટમાં સરકારે જણાવ્યું હતું કે, ચોક્કસ સેક્ટરો માટે અદાલતમાં પિટિશન કરીને આર્થિક રાહત માગી શકાય નહીં. આ સમસ્યાનું એક જ સમાધાન છે કે, ધિરાણ સંસ્થાઓ અને તેમના લોનધારકો રિસ્ટ્રક્ચરિંગ પ્લાન તૈયાર કરે અને તેમાં કેન્દ્રસરકાર કે રિઝર્વ બેન્ક હસ્તક્ષેપ કરશે નહીં. કામથ કમિટીના રિપોર્ટ પ્રમાણે મહામારીનો સામનો કરવા માટે દરેક સેક્ટર પ્રમાણે રાહત આપવાની કોઈ એક ચોક્કસ ફોર્મ્યુલા શક્ય નથી.

૬ મહિના કરતાં વધુનું લોન મોરેટોરિયમ સમગ્ર ક્રેડિટ ડિસિપ્લિનને ભ્રષ્ટ કરી નાખશે : રિઝર્વ બેન્ક

ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં નવેસરથી રજૂ કરેલી એફિડેવિટમાં જણાવ્યું હતું કે, હવે લોન મોરેટોરિયમનો સમયગાળો લંબાવવાનું શક્ય નથી. ૬ મહિનાનું લોન મોરેટોરિયમ અપાઈ ચૂક્યું છે અને હવે વધુ સમય મોરેટોરિયમ લંબાવાશે તો સમગ્ર ક્રેડિટ ડિસિપ્લિન ભ્રષ્ટ થઈ જશે. અર્થતંત્રમાં ક્રેડિટ ક્રિએશનની પ્રક્રિયા પર ભયાનક અસર થશે. તેનાથી લોનધારકના ક્રેડિટ બિહેવિયર પર અસર થશે. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, વ્યાજ પરના વ્યાજની કોઈપણ પ્રકારની માફી માટે મોટી આર્થિક કિંમત ચૂકવવી પડશે. બેન્કો આ ફટકો પચાવી શકશે નહીં અને તેમના ફાઇનાન્સ પર ગંભીર અસર પડશે. લાંબાગાળે થાપણદારો અને આર્થિક સ્થિરતા પર મોટી અસરો ઊભી થશે. મોરેટોરિયમના સમયમાં વધારો લોનધારકોના હિતમાં પણ નથી.

લોન એકાઉન્ટ એનપીએ જાહેર કરવા પર મૂકેલો સ્ટે હટાવવા RBIની વિનંતી

રિઝર્વ બેન્કે લોન એકાઉન્ટને એનપીએ જાહેર કરવા પર મૂકેલો સ્ટે હટાવી લેવાની વિનંતી કરી હતી. આરબીઆઇએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે આગામી આદેશ ન થાય ત્યાં સુધી કોઈપણ લોન એકાઉન્ટને એનપીએ જાહેર નહીં કરવાનો આદેશ આપ્યો છે. જો આ મનાઈ હુકમ તાત્કાલિક દૂર નહીં કરાય તો તેની બેન્કિંગ સિસ્ટમ પર વિનાશકારી અસરો થશે.

આત્મનિર્ભર અને ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત રૂપિયા ૨૧.૭ લાખ કરોડની સહાય

કેન્દ્ર સરકારે સુપ્રીમમાં રજૂ કરેલા જવાબમાં જણાવ્યું હતું કે, સરકારે ગરીબ કલ્યાણ અને આત્મનિર્ભર પેકેજ અંતર્ગત રૂપિયા ૨૧.૭ લાખ કરોડની આર્થિક સહાય જાહેર કરી છે. જેમાં વિવિધ સેક્ટરને આવરી લેવાયાં છે. સુપ્રીમ કોર્ટે નવી એફિડેવિટમાં રીઅલ એસ્ટેટ અને પાવર સેક્ટરની ચિંતાઓ પર ધ્યાન આપવા જણાવ્યું હતું.