‘આપ’ કા કયા હોગા ગોપાલ : પાંચ વર્ષમાં હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશની આંદોલનકારી ત્રિપુટી ખોવાઈ ગઈ,

‘આપ’ કા કયા હોગા ગોપાલ : પાંચ વર્ષમાં હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશની આંદોલનકારી ત્રિપુટી ખોવાઈ ગઈ,

હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશની આંદોલનકારી ત્રિપુટી ખોવાઈ ગઈ બાદ ગોપાલ નામના વધુ એક આંદોલનકારી રાજકીય રાહ પર…

ગુજરાતમાં પાંચ વર્ષ પહેલાં સામાજિક આંદોલનથી રાજકારણમાં ખળભળાટ મચાવનાર યુવા નેતા હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશની આંદોલનકારી ત્રિપુટી હાલ તો સમાજમાં તો ઠીક રાજકારણમાં પણ ખોવાઈ ગઈ છે. પાટીદાર, ઠાકોર અને દલિત સમાજના નેતાઓ બની ગયેલા આ ત્રણેય યુવા નેતાઓ પાસે કોઇ નવા મુદ્દા પણ નથી અને સમાજે પણ સાથ છોડી દીધા છે. પરિણામે, તેમના સમર્થકો પણ વિભાજિત થયા છે. ત્રણેય નેતાઓનું રાજકીય ભવિષ્ય ડામાડોળ થઈ રહ્યું છે ત્યારે વધુ એક યુવા નેતા ગોપાલ ઇટાલિયા રાજકારણમાં સક્રિય થયા છે. ત્યારે જનતાના મનમાં સવાલ ઊઠ્યો છે કે આપ કા કયા હોગા ગોપાલભાઈ.

જે યુવા નેતાઓનો એક સમયે વટ હતો તે આજે વેરવિખેર
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સરકારમાં જેમનાથી ખુદ સરકાર ફફડી ઊઠી હતી તેવા ત્રણેય નેતાઓ અત્યારે શાંત થઈ ગયા છે. તેમના સમર્થકો પણ વેરવિખેર થઇ રહ્યા છે. ગુજરાતમાં એક સમયે જેમનો વટ હતો, સમાજના પ્રશ્નો માટે કોઈપણ એલાન કર્યા પછી સરકારને ભય પેદા થતો હતો અને યુવાઓ જેમની પાછળ ભાગતા હતા તેવા ત્રણ સમાજના યુવા નેતાઓ- હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી તો ખોવાઇ ગયા છે. વિધાનસભામાં જોરશોરથી પ્રચાર કર્યા પછી લોકસભાની ચૂંટણીમાં સમાજના નામે ભાજપની વિરુદ્ધમાં કામ કર્યું છતાં નિષ્ફળ ગયેલા આ ત્રણેય યુવા નેતાઓ તો રાજકારણીઓ બનીને રાજકીય પક્ષમાં વહેંચાઈ ગયા છે.

ગોપાલ ઇટાલિયા AAPના પ્રમુખ બની ગયા
આનંદીબેન પટેલના શાસનમાં જ ચાલતા પાટીદાર આંદોલન સમયે વધુ એક યુવા લાઈમ લાઈટમાં આવ્યા હતા, તેવા ગોપાલ ઇટાલિયા પણ હવે આ ત્રિપુટીના માર્ગે રાજકારણમાં પ્રવેશ્યા છે, પાટીદાર આંદોલનમાં સક્રિય બનેલા ગોપાલ ઇટાલિયા હવે આમ આદમી પાર્ટીના પ્રમુખ બની ગયા છે. એ જોતાં હવે તેમનું રાજકીય ભવિષ્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં નક્કી થઈ શકે છે.

કોર્ટ કેસોને કારણે હાર્દિક પટેલ ચૂંટણીથી બાકાત
હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ આ ત્રણેય નેતાએ અગાઉ કહ્યું હતું કે અમે કોઇપણ પોલિટિકલ પાર્ટી જોઇન્ટ કરવાના નથી છતાં ચૂંટણી આવતાં લાલચ રોકી શક્યા નહીં. ઠાકોરસેનાના અગ્રણી અલ્પેશ ઠાકોરે પહેલા કોંગ્રેસનો હાથ પકડ્યો અને ધારાસભ્યો બન્યા હતા, જોકે પાછળથી તેઓ ભાજપમાં જોડાઇ ગયા, પરંતુ ચૂંટણી હારી ગયા પછી તેઓ ખૂણો પાળી રહ્યા છે. છેવટે ભાજપે અલ્પેશ ઠાકોરને ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનાવી કામ આપ્યું છે. રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. એને કારણે સવર્ણોને અનામતના લાભો મળતા થયા છે. અદાલતમાં વિવિધ કેસોને કારણે તે ચૂંટણી લડી શકતા નથી, પરંતુ કોંગ્રેસના હાઇકમાન્ડે તેમને ગુજરાતમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. હાલ પ્રદેશ કોંગ્રેસમાં પણ તેઓ ખૂણો પાળી રહ્યા હોય એવી સ્થિતિમાં છે.

દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ કોઈ પાર્ટી જોઇન્ટ કરી નથી
પાટીદાર અનામત આંદોલન સમયે ઊભરી આવેલા દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ કોઇ પાર્ટી જોઇન્ટ કરી નથી, પરંતુ તેઓ હાલ અપક્ષ ધારાસભ્ય છે, જોકે કોંગ્રેસ પ્રત્યે તેનું કૂણું વલણ છે. હાલ રાજ્યમાં આંદોલન જેવો કોઇ માહોલ નથી, જેથી તેઓ પણ રાજકીય ખૂણો પાળી રહ્યા છે. આ ત્રણેય યુવા નેતાઓ પૈકી હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનને કારણે ફેમસ થયા હતા. અલ્પેશ ઠાકોર તેમના ઠાકોર-ઓબીસી સેનાને કારણે લોકપ્રિય બન્યા હતા, જ્યારે જિજ્ઞેશ મેવાણી તો અનુસૂચિત જાતિના વિકાસ માટે આંદોલનકારી બન્યા હતા, ગુજરાતમાં સરકારમાં પરિવર્તન આવતાં જ આ ત્રણેય યુવાનોના આંદોલનોને તોડી નાખ્યા છે, જેણે આનંદીબહેન પટેલની સરકારમાં જન્મ લીધો હતો. પરિણામે, 2015ની ચૂંટણીના સમાજના નેતાઓના હાલ બેહાલ થઈ ગયા હોય એવું કહેવાય છે.

( Source – Divyabhaskar )