આપણે પોતાની જાતને ક્યારેય ગલીપચી નથી કરી શકતા..!

આપણે પોતાની જાતને ક્યારેય ગલીપચી નથી કરી શકતા..!

કોઈ બીજાને ગલગલિયાં કરવા કે પછી કોઇક બીજી વ્યક્તિ તમને ગલીપચી કરે તેમાં મજા આવે છે. પરંતુ આપણે જાતે પોતાને ગલગલિયા કે ગલીપચી શા માટે નથી કરી શકતા? બર્લિનની હુમબોલ્ટ યુનિવર્સિટીના સંશોધકોએ આ મુદ્દે ઉંદરો પર પ્રયોગ કરતાં તેમના ધ્યાને આવ્યું છે કે ગલગલિયાં કરતાં ઉંદરની પ્રતિક્રિયા પણ માનવી જેવી જ હોય છે. સંશોધકોના ધ્યાને આવ્યું કે કોઇ બીજા દ્વારા ગલીપચી થાય અને પોતાની જાતે ગલીપચી કરવાના કિસ્સામાં ઉંદરો બે અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં હતાં. તેમણે જોયું કે ઉંદર જ્યારે પોતાની જાતને ગલીપચી કરે ત્યારે ચહેરા પર સ્મિત લાવનારા ઉંદરના મગજનો ભાગ સક્રિય જ નહોતો થતો. પરંતુ સંશોધનકર્તાએ જાતે ઉંદરને ગલીપચી કરતાં તે જોઈ શક્યા કે ઉંદરના મગજ સુધી સિગ્નલ જતા હતા. તેને સોમેટસેન્સરી સિસ્ટમ કહેવામાં આવે છે. તે સિસ્ટમને કારણે જ ઉંદરને ગલીપચી કરતાં ઉંદરે પ્રતિક્રિયા આપતાં અવાજ પણ કર્યો.

પણ આનું કારણ શું ?

ન્યૂરો સાયન્સિસ્ટ મિશેલ બ્રેસ્ટે જણાવ્યું હતું કે વ્યક્તિ પોતે જ પોતાના શરીરને સ્પર્શીને ગલીપચી કરે ત્યારે શરીર કોઈ પ્રતિક્રિયા નથી આપતું. ઉંદરો અને માનવી બંનેમાં આ અંગેની સમાનતા છે. વ્યક્તિ પોતે પોતાની જાતને સ્પર્શે ત્યારે શરીર પ્રતિક્રિયા નથી આપતું. માનસ ગલીપચી માટે પહેલેથી તૈયાર હોવાથી કદાચ શરીર હસવા જેવી પ્રતિક્રિયા નથી આપતું, પરંતુ બીજી કોઇ વ્યક્તિ ગલીપચી કરે તો આપણું શરીર પ્રતિક્રિયા આપે છે. જર્મનીમાં હ્યુમર કેર ઇન્સ્ટિટયૂટના મનોવિજ્ઞાની મિશેલ તિત્સેના જણાવ્યા મુજબ, ‘આપણે પોતાની જાતને સ્પર્શ કરીએ કે ગલીપચી કરીએ ત્યારે આપણું મગજ પહેલેથી જાણતું હોય છે કે તે સ્પર્શ નુકસાનકારક કે મહત્ત્વનો નથી. તેથી શરીર પ્રતિક્રિયા જ નથી આપતું.’

આપણે શા માટે હસીએ છીએ?

ગલીપચી ક્યારેક ખતરાના સંકેત રૂપ પણ હોય છે. શરીરના જે ભાગ પર ન્યૂરોનનું પ્રમાણ વધુ હોય છે અર્થાત પેટ, બગલ, જાંઘ અને પેટનો વચ્ચેના ભાગ ગલીપચીને મુદ્દે વધુ સંવેદનશીલ હોય છે. મગજને જ્યારે લાગે છે કે ગલીપચી કરવી તે ખતરનાક નથી ત્યારે તે હસીને તણાવ દૂર કરે છે. હસવાથી તણાવ દૂર થાય છે અને આરોગ્ય પણ સારું રહે છે. કેટલાક લોકોને ગલીપચીનો વિચાર આવતાં જ હસવું આવી જાય છે. ક્યારેક કોઇ ગલીપચી કરે તે પહેલાં જ હસવું આવી જતું હોય છે. સંશોધકોનું કહેવું છે કે ઉંદરના મગજનો જે ભાગ ગલીપચી કરતાં સક્રિય થાય છે તે ભાગ ગલીપચી કર્યાના બરોબર પહેલાં પણ સક્રિય થઈ જતો હોય છે. પરંતુ માનવ શરીર તેના અલગ અલગ સ્થાને ગલીપચીની અલગ અલગ સંવેદનાશક્તિ ધરાવતું હોય છે. તેથી આગળપર તમને કોઈ ગલીપચી કરે તો હસવું રોકીને રાખશો. તેમ કરતાં સામી વ્યક્તિને સમજાશે નહીં કે તમે કયા સ્થાને ગલીપચી અનુભવો છો. તેમ થતાં તમને ગલીપચી કરવા ઇચ્છનારને તમને ગલીપચી કરવા સ્થાન શોધવા મહેનત કરવી પડશે અને તમે બચી જશો.

ડરનો રોમાન્ચ

પોતાને ગલીપચી કરતાં આપણે પોતાની જાતને પૂરતા પ્રમાણમાં ચેતવણી સૂચક સંકેત નથી આપી શકતા. ગલીપચી પછી હસવું પણ આવે તે માટે નેરફેનકિત્સેલ અર્થાત ડરના રોમાન્ચની આવશ્યકતા રહે છે. જર્મન ભાષામાં ડરના રોમાન્ચને નેરફેનકિત્સેલ કહેવામાં આવે છે અને બીજા દ્વારા ગલીપચી થતાં જ તે રોમાન્ચ સર્જાય છે. ઉંદર પણ ચોક્કસ સમયથી વધુ સમય માટે ગલીપચી કરવામાં આવતાં તેનાથી છટકીને ભાગી જવા પ્રયાસ કરતા હોય છે. તિત્સેનું કહેવું છે કે ગલીપચીથી આપણું મગજ ખુશી અને સાધારણ દર્દ એમ બંનેનો એક સાથે અનુભવ કરે છે. તેને કારણે મગજ પર તંગદિલી સર્જાતાં અનિયંત્રિત હસવું આવી જતું હોય છે.

મંદીને કારણે પગારમાં પડતા કાપથી સ્મૃતિ ઘટે!

મંદીનો માર મગજ પર!

મંદીની અસર આપણા ગજવા પર અવશ્ય પડતી હોય છે, તેનો અનુભવ તો ઘણાને થઈ ગયો હોય છે. પરંતુ તેનાથી મગજને અસર થતી હોય એવું હવે સંશોધનમાં બહાર આવ્યું છે. ખેર, એ તો વૈજ્ઞાનિક ઢબે થયેલું સંશોધન છે. છતાં તમને પોતાને પણ અનુભવ થઈ ગયો હશે કે જ્યારે ગજવામાં કડકી ચાલતી હોય ત્યારે તમારું મગજ બરાબર કામ કરતું ન હોય એવું તમને લાગ્યું જ હશે, હવે એ વાતને વિજ્ઞાનનું સમર્થન મળ્યું છે, એમ કહી શકાય.  વિજ્ઞાનીઓએ વીસ વર્ષ સુધી કરેલા અભ્યાસ બાદ તારણ કાઢયું છે કે મંદીને કારણે મગજ પર ખાસ કરીને તમારી સ્મૃતિ પર અસર પડતી હોય છે. ૧૯૯૦માં આ અભ્યાસ અમેરિકાના ૩૦૦૦ પુખ્ત વયની વ્યક્તિઓ ઉપર હાથ ધરાયો હતો. આ અભ્યાસનો હેતુ પગારની મગજના આરોગ્ય ઉપર થતી અસર જાણવાનો હતો. જે વ્યક્તિઓને અભ્યાસ હેઠળ આવરી લીધા છે, તેઓએ મોટી મંદીનો સામનો કર્યો હતો. એ વખત આખા વિશ્વમાં મંદીનું મોજું ફરી વળ્યું હતું. દુનિયાભરમાં આર્થિક અનિિૃતતા ઘેરી વળી હતી. એ સમયે જેઓ વીસી- ત્રીસીમાં હતા, તેમને મંદીને કારણે જે વેઠવું પડયું તેની અસર પાછળથી થઈ હતી અને તેમની સ્મૃતિમાં વિક્ષેપ પડયો હતો.

અભ્યાસ કઈ રીતે થયો ?

આ અભ્યાસ બોર્ડેક્ષના ઇન્સેર્મ રિસર્ચ સેન્ટરના નેતૃત્વ હેઠળ ૩૨૮૭ લોકો ઉપર થયો હતો. આ તમામની વય અભ્યાસના પ્રારંભે ૨૩થી ૩૫ વર્ષની હતી. અભ્યાસ હેઠળ આવરી લેવાયેલા લોકોને ત્રણ જૂથમાં વહેંચી દીધા હતા. પહેલા જૂથમાં ૧૧૦૮ લોકો હતા, જેમનો પગાર આગલા વર્ષ કરતાં ૨૫ ટકા ઘટાડી દેવાયો હતો. જ્યારે બીજા જૂથના ૩૯૯ લોકોમાં એવા બે કે તેથી વધુ પગારકાપ આવ્યા હતા. ત્રીજા જૂથમાં ૧૭૮૦ લોકો હતા, જેમનો પગારકાપ થયો ન હતો.   અભ્યાસના અંતે આ લોકોના થિન્કિંગ અને મેમરી ટેસ્ટ લેવાઈ હતી, જેના પરથી એવું માપન થતું હતું કે તેઓ ટાસ્ક કેટલી સારી રીતે પૂર્ણ કરે છે અને કેટલા સમયમાં પૂરી કરે છે.

તારણ શું નીકળ્યું ?

સંશોધકોને જણાયું કે અભ્યાસમાં આવરી લીધેલા જે લોકોએ બે કે તેથી વધુ વખત પગાર કાપ સહન કરવો પડયો હતો, તેમનો દેખાવ પગાર કાપ ભોગવવાનો વારો ન આવ્યો હોય એવા લોકોની સરખામણીએ સૌથી ખરાબ હતો. સરેરાશ તેમના ગુણ ૩.૭૪ પોઇન્ટ નીચા હતા અને તેમના સમકક્ષની સરખામણીએ ૨. ૮ ટકા નીચા હતા.  જેમનો પગાર કાપ એક જ વખત થયો હતો, તેવા લોકોનો સ્કોર પગારમાં કાપ વેઠવો ન પડયો હોય એવા લોકોની સરખામણીએ ૨.૮૭ પોઇન્ટ નીચો હતો.

ગરીબાઈથી મગજનું સ્વાસ્થ્ય નબળું હોવાનું પુરવાર થતું નથી !

જોકે આ અભ્યાસ પરથી સંશોધકોએ ભલે એવું તારણ કાઢયું હોય કે મગજની સ્થિતિનો સીધો સંબંધ નાણાં સાથે હોય છે. પરંતુ ન્યૂરોલોજીમાં પ્રકાશિત બીજા એક અભ્યાસમાં એવું પુરવાર થયું નથી કે ગરીબાઈને કારણે મગજનું આરોગ્ય નબળું હોય છે. અભ્યાસના લેખક ડો. ગ્રાસેટ કહે છે કે મગજના વૃદ્ધત્વમાં સામાજિક અને આર્થિક પરિબળોની ભૂમિકા અંગે વધુ પરીક્ષણોની જરૂર છે. અભ્યાસ એટલો સીમિત હતો કે તેમાં ભાગ લેનારાઓએ તેમની આવકની જાણ ચોક્કસ આંકડાઓ જણાવી ન હતી.