આત્મનિર્ભર યોજનામાં અત્યાર સુધી ૭૧,૮૦૦ લોકોને જ લોનનો લાભ

આત્મનિર્ભર યોજનામાં અત્યાર સુધી ૭૧,૮૦૦ લોકોને જ લોનનો લાભ

। ગાંધીનગર ।

ગુજરાત સરકારે લોકડાઉનમાં આર્થિક નુકસાનગ્રસ્ત નાના-મધ્યમવર્ગના લોકોને સહકારી બેન્કો મારફત રૂ. ૧ લાખ સુધીની વ્યાજ સબસિડીવાળી લોન અપાવવા જાહેર કરેલી ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૧’ની અવધિ વધુ ૧ મહિનો લંબાવવાનું નક્કી કર્યું છે. આ યોજનામાં લોન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ હતી, જે ૩૦મી સપ્ટેમ્બર સુધીની કરવાની પ્રક્રિયા ફાઇલ ઉપર શરૂ થઈ છે અને ટૂંક સમયમાં એનો નવો જીઆર પણ બહાર પડશે, એમ સૂત્રો જણાવી રહ્યાં છે.

વાસ્તવમાં યોજના-૧ના અસંતોષજનક દેખાવને પગલે સમયગાળો લંબાવાઇ રહ્યો છે. રાજ્ય સરકારે આ યોજનામાં ૧૦ લાખ જેટલા નાના અને મધ્યમવર્ગના વ્યવસાયિકોને ૧ લાખની લોન અપાવવાનું તથા આ યોજનામાં ૩ વર્ષ માટે ૬ ટકા વ્યાજ સબસિડી પાછળ કુલ રૂ. ૧ હજાર કરોડ ખર્ચવાનું જાહેર કર્યું હતું. આની સામે લેટેસ્ટ આંકડા પ્રમાણે અત્યાર સુધી ૬૭,૪૮૪ વ્યક્તિઓને અંદાજે કુલ રૂ. ૬૩૧ કરોડનું ધિરાણ થયું છે. આવી જ રીતે નાના વેપારીઓ, મધ્યમવર્ગની વ્યક્તિઓ, કારીગરોને રૂ. ૧ લાખથી અઢી લાખ સુધીની લોન અપાવવા માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૨ જાહેર થઈ હતી, જેમાં સરકારે ૩ વર્ષ માટે ૪ ટકા વ્યાજ સબસિડી પાછળ રૂ. ૩૦૦ કરોડ ખર્ચવાનું પણ ઘોષિત કર્યું હતું. સૂત્રોના કહેવા પ્રમાણે આ યોજના-૨માં અત્યાર સુધી માત્ર ૪,૩૧૬ વ્યક્તિઓને કુલ રૂ. ૧૦૭ કરોડની લોન અપાઈ છે. યોજના-૨માં અરજી કરવાનો સમય ૩૦મી સપ્ટેમ્બર સુધીનો છે.

દસેક દિવસ પહેલાં મુખ્યમંત્રીએ આ સહાય યોજનાઓ અંગે સમીક્ષા બેઠક યોજી તે પછી ધિરાણ થોડું ઘણું વધ્યું છે. મૂળે આ બંને યોજનાઓ જે રાજ્યની ૧૯૬ નાગરિક સહકારી બેન્કો, ૧૭ જિલ્લા મધ્યસ્થ બેન્કો તથા ૧૬૯ શરાફી સહકારી મંડળીઓ દ્વારા હાથ ધરાઈ રહી છે, તેમાં બેન્કો-મંડળીઓ જામીન-સિક્યોરિટી આપી શકે તેવાંને જ લોન આપતી હોઈ નાના અને મધ્યમવર્ગના લોકો મુશ્કેલી અનુભવી રહ્યાં છે.