આણંદ હત્યા કેસ / પબજી રમીને માનસિક અસ્વસ્થ થયેલા ભત્રીજાને તેના કાકા ભુવા પાસે લઈ જતા યુવકે ચાકુ મારી હત્યા કરી હતી

આણંદ હત્યા કેસ / પબજી રમીને માનસિક અસ્વસ્થ થયેલા ભત્રીજાને તેના કાકા ભુવા પાસે લઈ જતા યુવકે ચાકુ મારી હત્યા કરી હતી

  • પબજીના રવાડે ચઢતા માનસિક અસ્વસ્થ થયો હતો
  • કાકા તેની પર મેલીવિદ્યા તથા દોરાધાગા કરી તેને ગાંડો બનાવવાની કોશિશ કરી રહ્યા હોવાનું લાગ્યું હતું
  • પોલીસે શખ્સની ભૂમેલથી ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી 

આણંદ: આણંદ પાસેના લાંભવેલ ગામ સ્થિત અમર કોલ્ડ સ્ટોરેજ પાસે વિદ્યાનગરના આધેડની તેના ભત્રીજાએ જ ચપ્પુ મારી હત્યા કરી નાંખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં ભૂમેલથી ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં પબજી ગેમ રમીને માનસિક અસ્વસ્થ થયેલા યુવકને તેના કાકા સ્વસ્થ બનાવવા માટે ભુવા પાસે લઈ જતા હતા. જેમાં તેને મનમાં કાકા તેને ગાંડો બનાવવાની કોશિશ કરી રહ્યા હોવાનું લાગ્યું હતું. જેને પગલે તેણે હત્યાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસ શનિવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે.
પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી ભૂમેલ પાસેથી ભત્રીજાને ઝડપી પાડ્યો

વિદ્યાનગરના નાના બજાર સ્થિત શાંતિ નગર સોસાયટીમાં રહેતા 41 વર્ષીય પ્રેમજી શંભુભાઈ ભાટીયાની ગુરૂવારે રાત્રિના સાડા નવ કલાકે લાંભવેલ અમર કોલ્ડ સ્ટોરેજ પાસે લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પરિવારજનોની સઘન પૂછપરછ કરી હતી. જેમાં હત્યા મૃતકના ભત્રીજા 23 વર્ષીય જગદીશ ભોજા ભાટીયાએ કરી હોવાનું ખૂલ્યું હતું. જેને પગલે પોલીસે રાત્રિના જ સર્ચ ઓપરેશન હાથ ધરીને તેને ભૂમેલ પાસેથી ઝડપી પાડ્યો હતો.
કાકા ગાંડો બનાવવાની કોશિશ કરી રહ્યા હોવાનું લાગતા હત્યા કરી

પોલીસે તેની કડકાઈપૂર્વક પૂછપરછ કરતાં તેણે પોલીસ સમક્ષ કબુલાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષથી તે પબ્જી રમતો હતો. છેલ્લાં કેટલાંય સમયથી તે માનસિક અસ્વસ્થ રહેતો હતો. જેને પગલે તેને સારો કરવા માટે તેના કાકા પ્રેમજી ભાટીયા તેને ભુવા પાસે લઈ જતા હતા. જોકે, યુવકને તેના કાકા મેલીવિદ્યા અને દોરાધાગા કરી તેને ગાંડો બનાવવાની કોશિશ કરી રહ્યો હોવાનું લાગ્યું હતું. જેને પગલે તેણે રાત્રિના સલુણથી આવતા પેશાબ કરવાના બ્હાને લાંભવેલ કોલ્ડ સ્ટોરેજ પાસે બાઈક ઊભું રખાવી ઉપરા-છાપરી ગળા, પેટ અને છાતીના ભાગે નવેક જેટલાં ઘા મારી હત્યા કરી નાંખી હતી.

અઢી ઇંચનો ઘા વાગ્યો હોવા છતાં પ્રેમજીએ લોહીલુહાણ હાલતમાં બાઈક હકાર્યું હતું
આરોપી જગદીશ તેની ફોઈના ઘરે સલુણ ગયો હતો. તેના કાકા તેને લેવા માટે સલુણ ગયા હતા. દરમિયાન બાઈક પર બંને સાથે વિદ્યાનગર તરફ આવી રહ્યા હતા એ સમયે તેણે પેશાબ કરવાના બ્હાને લાંભવેલ કોલ્ડ સ્ટોરેજ પાસે બાઈક થોભાવ્યું હતું. ત્યારે તેના કાકાએ બીડી પીવાની શરૂઆત કરી હતી. પરંતુ પ્રેમજીભાઈ કંઈ સમજે વિચારે તે પહેલાં જ તેણે તેના કાકા પર ચપ્પાથી હુમલો કર્યો હતો. જોકે, તેનાથી બચવા માટે ગળામાં અઢી ઈંચનો ઘા હોવા છતાં તેમણે બાઈક હકાર્યું હતું. પરંતુ થોડે દૂર જઈને લોહીલુહાણ હાલતમાં તેઓ નીચે ફસડાઈ પડ્યા હતા. અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.

હત્યા કર્યા બાદ યુવકે તેના કાકીને જાણ કરી હતી
જગદીશ ધોરણ 12 સુધી ભણેલો છે. તેને પોલીસ બનવાની ઈચ્છા છે. તે ચકલાસી પાસે ફૂટપાથ પર ચપ્પલ વેચવાનું કામ કરે છે. તેના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા. જોકે, તેની માનસિક સ્થિતિને કારણે જ તેની પત્ની પણ તેને છોડીને જતી રહી છે. રાત્રિના કાકાની હત્યા કર્યા બાદ જગદીશે જાતે જ ફોન કરીને તેના કાકી અને ભાઈને સમગ્ર બનાવની જાણ કરી હતી. બાદમાં તે ઘટનાસ્થળ છોડીને ફરાર થઈ ગયો હતો.

દંપત્તિને સંતાન ન હોય પુત્રની જેમ રાખતા હતા
મૃતક પ્રેમજી ભાટીયા અને તેમની પત્ની શાંતિબેનના લગ્ન વીસ વર્ષ અગાઉ થયા હતા. જોકે, તેમને સંતાન નહોતું. જેને પગલે જ પ્રેમજીભાઈના ભાઈ ભોજાભાઈના સંતાનોને પોતાના સંતાનો માન્યા હતા. છેલ્લાં વીસેક દિવસથી તેઓ વિદ્યાનગર ખાતે તેમની સાથે રહેવા આવ્યા હતા. તેમણે જગદીશને પોતાના પુત્રની જેમ રાખ્યો હતો.