આજે વર્ષ 2021-22નું કેન્દ્રીય બજેટ, આમ આદમીથી માંડી અમીર વર્ગને મોટી અપેક્ષાઓ

આજે વર્ષ 2021-22નું કેન્દ્રીય બજેટ, આમ આદમીથી માંડી અમીર વર્ગને મોટી અપેક્ષાઓ

। નવી દિલ્હી ।

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સોમવારે સવારે ૧૧:૦૦ કલાકે લોકસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના બીજા શાસનકાળમાં પોતાનું ત્રીજું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. છેલ્લા ઘણા વર્ષોથી આર્થિક મંદીનો સામનો કરી રહેલા ભારતીય અર્થતંત્રને કોરોના મહામારીએ બેવડો માર માર્યો હતો. કોરોના મહામારી પછી મોદી સરકાર દ્વારા રજૂ કરાઇ રહેલા આ પહેલા કેન્દ્રીય બજેટ પર દેશ આશાની મીટ માંડીને બેઠો છે. ભારતીય અર્થતંત્રના દરેક તબક્કા વર્ષ ૨૦૨૧-૨૨ માટેના આ બજેટમાં પોતાની અપેક્ષાઓ સંતોષાશે કે કેમ તેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. હાલ ભારતીય અર્થતંત્રનો જીડીપી વૃદ્ધિદર છેલ્લા ૧૦ વર્ષના તળિયે બેઠો છે, દેશમાં બેરોજગારીનો દર ટોચ પર છે, મોંઘવારી માઝા મૂકી રહી છે, સરકારની મહેસૂલી આવકમાં ઘટાડાના કારણે અંદાજપત્રીય ખાધ વિક્રમજનક સપાટી પર પહોંચી છે ત્યારે નિર્મલા સીતારામન માટે અર્થતંત્રની ગાડીને પાટા પર ચડાવવાનું મહાકાય લક્ષ્યાંક સરળ બની રહેશે નહીં. જોકે નાણાપ્રધાન સંકેત આપી ચૂક્યા છે કે વર્ષ ૨૦૨૧નું બજેટ અગાઉ ક્યારેય ન થયું હોય તે રીતે વધાવી લેવામાં આવશે. તેથી હવે નાણાપ્રધાન કોરોનાગ્રસ્ત અર્થતંત્રને ઉગારવા માટે કઇ પ્રાથમિકતાઓને મહત્ત્વ આપે છે તે સોમવારે રજૂ થનારા બજેટમાં જોવું રહ્યું.

પહેલીવાર સંપૂર્ણ પેપરલેસ કેન્દ્રીય બજેટ

કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા ભારતના ઇતિહાસમાં પહેલીવાર કેન્દ્રીય બજેટ સંપૂર્ણ પેપરલેસ બની રહેશે. આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર બજેટ દસ્તાવેજોનું પ્રિન્ટિંગ કરાશે નહીં. સરકારે આ માટે સંસદના બંને ગૃહની મંજૂરી મેળવી લીધી છે. બજેટના દસ્તાવેજોના પ્રિન્ટિંગ માટે ૧૦૦ કર્મચારીઓને સતત ૧૫ દિવસ પ્રેસમાં રહેવું પડે જે કોરોના મહામારીમાં અત્યંત જોખમકારક જણાતા આ નિર્ણય લેવાયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા હવે સોમવારે બંને ગૃહના સંસદસભ્યોને બજેટની સોફટ કોપી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આમ આદમી, પગારદાર વર્ગ, રિટેલ રોકાણકારોની અપેક્ષાઓ

  • વર્ક ફ્રોમ હોમ કરનારા કર્મચારીઓને રૂ. ૫૦,૦૦૦ના વધુ સ્ટાન્ડર્ડ ડિડક્શનની અપેક્ષા
  • આઇટી એક્ટની ધારા ૮૦સી અને ૮૦ડી અંતર્ગત સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધવાની અપેક્ષા
  • આવકવેરામાં રાહત આપીને ગ્રાહકની ખરીદશક્તિ વધારવાની અપેક્ષા
  • સ્ટાર્ટ-અપ, એમએસએમઇને ટેક્સ હોલીડે અથવા કર રાહતની અપેક્ષા
  • રિટેલ ઇન્વેસ્ટર્સને એક્ઝમ્પશન લિમિટ રૂ.૧ લાખથી વધીને બે લાખ થવાની અપેક્ષા
  • ડેબ્ટ લિન્ક્ડ સેવિંગ્સ સિસ્ટમ અમલી બને તેવી રોકાણકારોને અપેક્ષા
  • સિનિયર સિટિઝન્સ માટે પેન્શન સ્કીમની અપેક્ષા
  • સરકાર પારિવારિક બચતમાં વધારો કરવા બચતયોજનાઓને પ્રોત્સાહન આપે તેવી અપેક્ષા
  • શ્રમિક મહિલાઓને શ્રમ ભાગીદારીમાં વધારા અને કામકાજી મહિલાઓને આવકવેરામાં રાહતની અપેક્ષા
  • સરકાર રોજગારી વધારવા માટે મહત્ત્વનાંસેક્ટરોમાં ખર્ચમાં વધારો કરે તેવી સંભાવના, મનરેગાનું વિસ્તરણ થઇ શકે

( Source – Sandesh )