આજથી અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશીઓની ધરપકડ કરવાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન

આજથી અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશીઓની ધરપકડ કરવાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન

અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે રવિવારથી સમગ્ર અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકો સામે અભિયાનનો પ્રારંભ કરાશે. ઇમિગ્રેશન અને કસ્ટમ વિભાગના વજાએ જણાવ્યું હતું કે, આ અભિયાનની સાથે જેમને દેશ છોડવાના આદેશ અપાઈ ચૂક્યા છે તેવા પરિવારોને પણ દેશનિકાલ કરવાના પ્રયાસો કરાશે. મેથ્યૂ આલ્બેન્સે જણાવ્યું હતું કે, અમારા મુખ્ય લક્ષ્યાંક ઇમિગ્રેશન કોર્ટ કેસોના દસ્તાવેજો પર આધારિત રહેશે. તાજેતરમાં મોટી સંખ્યામાં મધ્ય અમેરિકાના લોકો સરહદ પાર કરીને અમેરિકામાં પ્રવેશ્યા છે. આ પ્રકારના અભિયાન ૨૦૧૬ અને ૨૦૧૭માં પણ ચલાવવામાં આવ્યાં હતાં. આ પ્રકારના ફેમિલી ઓપરેશન નવા નથી. આ અમારા દૈનિક કામકાજનો હિસ્સો છે. અમે આ પ્રકારે અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશીઓને હાંકી કાઢવા વધારાના રિસોર્સ ઊભા કરી રહ્યાં છીએ.

આ ઓપરેશનમાં મુખ્યત્વે ૧૦ મેજર કોર્ટ ડોકેટ પરના દેશનિકાલના અંતિમ આદેશ મેળવી ચૂકેલા લોકો લક્ષ્યાંક પર રહેશે. શિકાગો, લોસએન્જલસ, ન્યૂયોર્ક અને મિયામીમાં આ પ્રકારનું અભિયાન વેગથી ચલાવાશે. જોકે તેનો અર્થ એ નથી કે ચોક્કસ મર્યાદિત વિસ્તારોમાં જ ધરપકડો કરાશે. આ રાજ્યો સિવાય અન્યત્ર પણ અધિકારીઓ તપાસ કરી શકશે.

અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમે પહેલાં કરતાં રહ્યાં હતાં તેમ આ વખતે પણ અમારુંં મુખ્ય ધ્યાન અપરાધીઓ પર વધુ કેન્દ્રિત રહેશે. રવિવારથી આ અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે. અમારા અધિકારીઓ લોકોને દેશનિકાલ કરીને તેમના દેશમાં મોકલી આપશે. તેવી જ રીતે અપરાધીઓને અમેરિકાની અથવા તો તેમના દેશની જેલોમાં ધકેલી દેવાશે. ટ્રમ્પે ટ્વિટર પર જણાવ્યું હતું કે, અમારા એજન્ટ અમેરિકામાં વસતા લાખો ગેરકાયદેસર વિદેશીઓની ધરપકડ કરવાની યોજના બનાવી રહ્યાં છે. આમાં સિક્રેટ જેવું કશું નથી. મેં આદેશ આપ્યો છે અને સેંકડો લોકો તે અંગે જાણે છે.

આખાને આખા પરિવારોને દેશનિકાલ

ટ્રમ્પના આદેશને પગલે જેમને દેશમાંથી હાંકી કાઢવાના આદેશો અપાયા છે તેવા આખાને આખા પરિવારોને દેશનિકાલ કરાશે. જો પિતા કાયદેસર હશે અને પુત્ર ગેરકાયદેસર હશે તો પુત્રને દેશનિકાલ કરી દેવાશે.

હાલ ધરપકડ કરાયેલા અને હોટેલોમાં રખાયા છે તેવા પરિવારોને ડિટેન્શન સેન્ટરોમાં ખસેડવામાં આવશે અથવા દેશનિકાલ કરાશે.