આગામી 10 દિવસમાં કોરોનાના કેસ વધીને ત્રણ ગણા થઈ શકશે, પાંચ એપ્રિલ સુધીનો સમય સંવેદનશીલ

આગામી 10 દિવસમાં કોરોનાના કેસ વધીને ત્રણ ગણા થઈ શકશે, પાંચ એપ્રિલ સુધીનો સમય સંવેદનશીલ

  • ઇન્ક્યુબેશન પીરિયડ શરૂ થયો છે. જેમાં ચેપ વધુ ફેલાય તેવી શક્યતા છે: આરોગ્ય અગ્ર સચિવ
  • ચાર મોત સાથે ગુજરાતે મહારાષ્ટ્રની બરાબરી કરી, પણ મૃત્યુના કિસ્સાની ટકાવારીમાં ગુજરાત દેશમાં મોખરે

ગાંધીનગરઃ અમદાવાદમાંથી કોરોના પોઝિટિવ એક મહિલાના મોતના ખરાબ સમાચાર સાથે ગુજરાતમાં કોરોનાને કારણે કુલ પોઝિટિવ કેસનો આંક પંચાવને પહોંચ્યો છે. હજુય ખરાબ સમાચાર એ છે કે અત્યાર સુધી લૉકડાઉનના પાલનમાં જો ગુજરાતના લોકોએ નિષ્કાળજી દાખવી હશે અને હજુ પણ આમ જ ચાલું રહેશે તો પરિસ્થિતિ ઓર વકરશે.

24 કલાકમાં 11 કેસ નોંધાયા
આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે હવે પાંચ એપ્રિલ સુધીનો ગાળો ગુજરાતમાં ઇન્ક્યુબેશન પિરિયડનો છે. અર્થાત કોઇને પણ કોરોનાનો ચેપ લાગ્યો હશે તો તેમના શરીરમાં વાઇરસની વૃદ્ધિ થશે અને આવાં લોકોને લક્ષણો દેખાવવાની શરૂઆત થવાની સાથે કોરોનાના પોઝિટિવ કેસમાં ખૂબ મોટો ઉછાળો આવી શકે છે. આમ, હવે પછીનો લગભગ એક અઠવાડિયાનો સમય ખૂબ જ સંવેદનશીલ ગણાશે. એક રીતે જોઇએ તો ગુજરાત કોરોના વાઇરસના ચેપના ત્રીજા તબક્કામાં ગમે ત્યારે પ્રવેશી શકે છે. છેલ્લાં 24 કલાકમાં કુલ નવા 11 કિસ્સા નોંધાયાં છે જેમાં અમદાવાદના ત્રણ, ત્રણ રાજકોટ, ગાંધીનગર- 1 વડોદરા-1, મહેસાણા-1 તથા ગીર સોમનાથમાં -1 કિસ્સો નોંધાયો છે. આ તમામ અગિયાર કિસ્સામાંથી આઠ લોકલ ટ્રાન્સમિશનથી, જ્યારે બે વિદેશપ્રવાસથી અનુક્રમે યુ કે અને સાઉદી અરેબિયાથી પરત ફર્યાં છે જ્યારે એક વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટરી મધ્યપ્રદેશના ઇન્દોરની છે.

24 કલાકમાં 11 કેસ, તેમાં સ્થાનિક ચેપના 8

ક્રમઉમરજાતિશહેરચેપની વિગત
139પુરુષરાજકોટલોકલ ટ્રાન્સમિશન
233સ્ત્રીરાજકોટલોકલ ટ્રાન્સમિશન
337પુરુષરાજકોટલોકલ ટ્રાન્સમિશન
466પુરુષવડોદરાયુ.કે. 
581પુરુષગાંધીનગરલોકલ ટ્રાન્સમિશન
652પુરુષમહેસાણાલોકલ ટ્રાન્સમિશન
770પુરુષઅમદાવાદઆંતરરાજ્ય–ઇન્દોર
833પુરુષઅમદાવાદલોકલ ટ્રાન્સમિશન
945સ્ત્રીઅમદાવાદલોકલ ટ્રાન્સમિશન
1025પુરુષગાંધીનગરલોકલ ટ્રાન્સમિશન
1165પુરુષગીર-સોમનાથસાઉદી અરેબિયા

હજુ 176 લોકો શંકાસ્પદ છે
રાજ્યમાં અત્યાર સુધીમાં 995 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે, જે પૈકી 940 સેમ્પલ નેગેટિવ આવ્યા છે, માત્ર 55 કેસ પોઝીટીવ આવ્યાં હતાં. પરંતુ હજુ 176 લોકો શંકાસ્પદ છે. રાજ્યમાં 20,103 નાગરિકોને હોમ ક્વોરન્ટાઈન રખાયા હતા તેમાં ઘટાડો થયો છે, 19,340 લોકોને જ હોમ કોરોન્ટાઈન હેઠળ છે

મહેસાણાના કેસની લિન્ક ગાંધીનગર સાથે
મહેસાણા જિલ્લા કલેકટર એચ. કે. પટેલે નિવેદન કર્યું છે કે મહેસાણાનો જે પોઝીટીવ કેસ બતાવ્યો છે તે મૂળ ગાંધીનગર જિલ્લાના કુડાસણ ગામનો છે. તેને ગાંધીનગરના વેડાના ફાર્મસિસ્ટના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે. પોઝિટિવ આવેલા યુવાનની પત્ની વિજાપુર શિક્ષિકા તરીકે નોકરી કરે છે, તે કારણે તેણે સરનામું વિજાપુરનું આપ્યું હતું.