આગામી વર્ષે ભારતમાં યોજાનારા T-20 વર્લ્ડકપ, અ’વાદ સહિત 8 શહેરોમાં મેચો રમાશે

આગામી વર્ષે ભારતમાં યોજાનારા T-20 વર્લ્ડકપ, અ’વાદ સહિત 8 શહેરોમાં મેચો રમાશે

આગામી વર્ષે ભારતમાં ટી૨૦ વર્લ્ડ કપ યોજાશે ત્યારે બીસીસીઆઈએ મેદાન શોર્ટલિસ્ટ કર્યા છે. અમદાવાદ સહિત આઠ શહેરોમાં ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૧ની મેચો રમાશે તેવા અહેવાલો છે. નોંધનીય છે કે, આગામી વર્ષે ભારત ટી૨૦ વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે અને બીસીસીઆઈ તેના માટે તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ૨૦૨૦ અને ૨૦૨૧માં ટી૨૦ ફોર્મેટમાં બે મોટી ઇવેન્ટનું આયોજન કર્યું હતું. ૨૦૨૦માં વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમવાનો હતો પરંતુ કોરોનાના કારણે આ વર્લ્ડ કપને ૨૦૨૨ સુધી સ્થગિત કરવામાં આવ્યો છે જ્યારે ૨૦૨૧માં યોજાનાર ટૂર્નામેન્ટ અગાઉના આયોજન અનુસાર ભારતમાં જ રમાશે. બીસીસીઆઈએ વર્લ્ડ કપ માટેની તૈયારીના ભાગરૂપે મેદાનોને પણ શોર્ટલિસ્ટ કર્યા છે જેમાં અમદાવાદ, બેંગલોર, ચેન્નઇ, દિલ્હી, મોહાલી, ધર્મશાળી, કોલકાતા અને મુંબઈને પસંદ કરવામાં આવ્યા છે. જો કે બોર્ડના કેટલાક સભ્યો આ પસંદગીથી નાખુશ હોવાના અહેવાલો છે કારણ કે, તેઓ ઇચ્છે છે કે મેચ રમાડવા માટે કેટલાક અન્ય સ્થળ માટે પણ વિચારણા કરવામાં આવે. ૨૪ ડિસેમ્બરે બોર્ડની એજીએમ યોજાવાની છે તેમાં આ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

અહેવાલો અનુસાર એક સભ્યે જણાવ્યું હતું કે વર્લ્ડ કપની મેચોનું આયોજન દરેક શહેર માટે ગૌરવની વાત છે. અમારી પાસે પણ ઉચ્ચ સ્તરનું સ્ટેડિયમ અને સુવિધાઓ છે અને અમે ઇચ્છીએ છીએ કે બીસીસીઆઈ આ બાબત પર વિચારણા કરે. તેઓ કહે છે કે ભારતની મેચોને મોટા સેન્ટરો યોજે તે સામે તેમને વાંધો નથી પરંતુ તેમને કેટલીક મેચો તો ફાળવવી જોઈએ.

મોટેરા સ્ટેડિયમ પર ગાંગુલી સામે જય શાહની ટીમનો ૨૮ રનથી વિજય

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પર બુધવારે રમાયેલી સૌરવ ગાંગુલીની પ્રેસિડેન્ટ ઇલેવન અને જય શાહની સેક્રેટરી ઇલેવન વચ્ચે રમાયેલી મેચમાં સેક્રેટરી ઇલેવનનો ૨૮ રનથી વિજય થયો હતો. પ્રથમ દાવ લેતાં સેક્રેટરી ઇલેવને ૧૨ ઓવરમાં જયદેવ શાહના ૩૮ અને મોહમ્મદ અઝરુદ્દીનના ૩૭ રનની મદદથી ત્રણ વિકેટે ૧૨૮ રન નોંધાવ્યા હતાં.

સૌરવ ગાંગુલીએ ૨૬ રનમાં એક વિકેટ અને મૃણાલ ઓઝાએ ૧૩ રન આપી એક વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં પ્રેસિડેન્ટ ઇલેવન ૧૨ ઓવરમાં ચાર વેકિટ ગુમાવીને ફક્ત ૧૦૦ રન બનાવી શકી હતી. પ્રેસિડેન્ટ ઇલેવન તરફથી સૌરવ ગાંગુલીએ ૫૩ રન કર્યા હતાં. જય શાહે ૩૯ રન આપી બે વિકેટ ઝડપી હતી. પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ આ મેચમાં ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો.