આખા દેશમાં એનઆરસી લાગુ કરાશે, ડરવાની જરૂર નથી : અમિત શાહ

આખા દેશમાં એનઆરસી લાગુ કરાશે, ડરવાની જરૂર નથી : અમિત શાહ

। નવી દિલ્હી ।

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં સવાલોના જવાબ આપતાં જણાવ્યું હતું કે, આસામની જેમ એનઆરસી (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ)ની પ્રક્રિયા સમગ્ર દેશમાં લાગુ કરાશે. એનઆરસીની પ્રક્રિયામાં ધર્મના આધારે કોઇ કાર્યવાહી થવાની નથી તેથી કોઇપણ ધર્મના વ્યક્તિએ તેનાથી ડરવાની જરૂર નથી. આ પ્રક્રિયા દેશના દરેક નાગરિકને એનઆરસીમાં આવરી લેવા માટે જ હાથ ધરાશે. એનઆરસીમાં ચોક્કસ ધર્મના લોકોને તેમાંથી બાકાત રાખવાની કોઇ જોગવાઇ નથી. એનઆરસી અને સિટિઝનશિપ એમેન્ડમેન્ટ બિલ બંને અલગ અલગ બાબત છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, જેમના નામનો એનઆરસીના ફાઇનલ લિસ્ટમાં સમાવેશ થયો નથી તે ટ્રિબ્યૂનલમાં અપીલ કરી શકે છે. આસામમાં ટ્રિબ્યૂનલની રચના કરાશે. જેઓ વકીલનો ખર્ચ ઉઠાવી શક્તાં નથી તેમના વકીલનો ખર્ચ આસામ સરકાર વહન કરશે.અમિત શાહે જણાવ્યું હતું કે, દેશમાં સિટિઝનશિપ એમેન્ડમેન્ટ બિલની જરૂર છે જેથી ભારત આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અથવા અફઘાનિસ્તાનમાં ધર્મના આધારે સતાવણી વેઠનારા હિંદુ, બૌદ્ધ, શીખ, જૈન, ખ્રિસ્તી અને પારસી નિરાશ્રિતોને ભારતની નાગરિકતા આપી શકાય.

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ સૈયદ નાસિર હુસેને સવાલ પૂછયો હતો કે, ગૃહમંત્રીએ કોલકાતામાં નાગરિકતાના મામલામાં પાંચ-૬ ધર્મના નામનો ઉલ્લેખ કર્યો તો પરંતુ મુસ્લિમોને બાકાત રાખ્યા હતા. જેના કારણે મુસ્લિમોમાં અસુરક્ષાની ભાવના જન્મી છે. ઉલ્લેખનીય છે કે આસામમાં એનઆરસીના ફાઇનલ લિસ્ટમાંથી ૧૯ લાખ લોકો બાકાત રહી ગયાં હતાં.

શાહનો આઝાદને પડકાર, રેકોર્ડ પર કહો કે મેં આપેલા આંકડા ખોટા છે

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદે અમિત શાહને આંકડાના મામલે ટોકયા હતા. આઝાદને પડકારતાં શાહે જણાવ્યું હતું કે, જો આઝાદ મારા રજૂ કરેલા આંકડાને પડકાર આપે છે તો હું તેની જવાબદારી લેવા તૈયાર છું. આઝાદ એકવાર રેકોર્ડ પર કહી દે કે આંકડા ખોટા છે. પછી હું કલાકો સુધી આ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છું.

કાશ્મીરમાં અખબારો, ટીવી ચેનલો, બેન્કો, સરકારી કચેરીઓ અને અદાલતો ધમધમી રહ્યાં છે : અમિત શાહ

અમિત શાહે જણાવ્યું હતું કે, પાંચમી ઓગસ્ટે આર્ટિકલ ૩૭૦ નાબૂદ થયા પછી કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બની રહી છે. પ્રદેશમાં ઇન્ટરનેટ સેવાઓ બહાલ કરતાં પહેલાં સુરક્ષાની ચિંતાઓ દૂર કરાશે. ઇન્ટરનેટ કોમ્યુનિકેશન અને ઇન્ફર્મેશનનું મહત્ત્વનું સાધન છે પરંતુ કેટલીકવાર સુરક્ષાની ચિંતાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. અમારે પાડોશી દેશમાં થતી ગતિવિધિઓને પણ ધ્યાનમાં રાખવાની હોય છે. શાહે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં દવાનો પૂરતો જથ્થો છે. મોબાઇલ મેડિકલ વાન પણ શરૂ કરાઈ છે. સરકાર આરોગ્ય સેવાઓની કાળજી લઇ રહી છે. કાશ્મીરમાં તમામ ઉર્દૂ અને અંગ્રેજી અખબાર, ટીવી ચેનલ કામ કરી રહ્યાં છે. બેંકિંગ સેવાઓ ધમધમી રહી છે. તમામ સરકારી કચેરીઓ અને અદાલતો ખુલ્લી છે. કાશ્મીરમાં પથ્થરમારાના બનાવોમાં મોટો ઘટાડો નોંધાયો છે અને પાંચમી ઓગસ્ટથી કાશ્મીરમાં એકપણ ગોળી ચલાવવામાં આવી નથી કે કોઇ નાગરિકનું મોત થયું નથી.

આસામની ભાજપ સરકાર એનઆરસીની વિરુદ્ધ!

અમિત  શાહે સંસદમાં સમગ્ર દેશમાં એનઆરસી લાગુ કરવાની જાહેરાત  કરી ત્યારે આસામમાં ભાજપ સરકારના નાણા મંત્રી હેમંત બિશ્વા  સરમાએ કેન્દ્ર સરકારને એનઆરસીની અંતિમ  યાદીને રદ કરી નાખવા અપીલ કરી છે. આસામ સરકારે એનઆરસીનો  સ્વીકાર કર્યો નથી. આસામ સરકાર અને ભાજપે અમિત શાહને  એનઆરસી નકારી કાઢવા વિનંતી કરેલી જ છે.

પ. બંગાળમાં એનઆરસી લાગુ થવા દઈશું નહીં : મમતા

રાજ્યસભામાં સમગ્ર દેશમાં એનઆરસી લાગુ કરવાના અમિત શાહના નિવેદન પર વળતો પ્રહાર કરતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, અમે પશ્ચિમ બંગાળમાં એનઆરસી લાગુ થવા દઇશું નહીં. અમે જનતાને હિંદુ અને મુસલમાનના નામે વિભાજિત કરતા નથી. પશ્ચિમ બંગાળમાં રહેતા કોઇપણ વ્યક્તિની નાગરિકતા કોઇ છીનવી શક્તું નથી.