આઇટી રિટર્નની મુદત ૧૦ જાન્યુઆરી સુધી લંબાવાઈ, મુદત વીતે દંડની જોગવાઈ

આઇટી રિટર્નની મુદત ૧૦ જાન્યુઆરી સુધી લંબાવાઈ, મુદત વીતે દંડની જોગવાઈ

। નવી દિલ્હી ।

આવકવેરા વિભાગે કોવિડ મહામારીને જોતાં વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારો કર્યો છે. બેલેન્સશીટ ઓડિટ થતી હોય તેવા કરદાતા અને કંપની ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધીમાં રિટર્ન ફાઇલ કરી શકશે બાકીના કરદાતા ૧૦ જાન્યુઆરી, ૨૦૨૧ સુધીમાં રીટર્ન ફાઇલ કરી શકશે. વિવાદ સે વિશ્વાસ યોજના હેઠળ જાહેરાત કરવાની મુદત ૩૧ જાન્યુઆરી કરવામાં આવી છે. સરકારે સીજીએસટી કાયદા હેઠળ રજૂ કરવાના રહેતાં વાર્ષિક રિટર્ન રજૂ કરવાની મુદતમાં પણ ૨૮ ફેબ્રુઆરી સુધીનો વધારો કર્યો છે. સરકારે સમયસર રીટર્ન ફાઇલ ના કરનાર માટે દંડની રકમ પણ વધારી છે. જો વાર્ષિક આવક રૂ. પાંચ લાખ સુધી હોય તો રૂપિયા ૧,૦૦૦ અને વાર્ષિક આવક રૂપિયા પાંચ લાખથી વધુ હોય તો રૂપિયા ૧૦,૦૦૦ સુધીનો દંડ ભરવો પડશે.

ઓનલાઇન રિટર્ન ફાઇલ કરી શકાશે

કરદાતા જાતે જ પોતાનું ઓનલાઇન આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે. તે માટે સૌથી પહેલાં આઈટી વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જઈને પાન નંબરની મદદથી લોગ ઇન કરવાનું રહેશે. જો પહેલી વાર નોંધણી કરાવી રહ્યા હોવ તો ન્યૂ ટુ ઇ-ફાઇલિંગ પર જઈને પોતાની નોંધણી કરાવવાની રહેશે. પહેલેથી નોંધાયેલા હોય તો રજિસ્ટર્ડ યૂઝરના વિકસ્પ પર જઈને લોગ ઇન કરવાનું રહેશે.યૂઝર ટાઇપ કરીને ક્લિક કર્યા બાદ પાન નંબર આધારે વિગતો આપવાની રહેશે. નોંધણી ફોર્મ ભરીને વેરિફાઈ કરતાં તમારી નોંધણી થઈ જશે. તે પછી લોગ ઇન કરીને રિટર્ન ફાઇલ કરી શકશો. આવકવેરા માટે ફોર્મ પસંદગી મહત્ત્વની છે.