અ’વાદ 2020 / શહેરને મળશે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ,ત્રણ મોટા બ્રિજ,લક્ષ્મણ ઝૂલા જેવો વોક વે,

અ’વાદ 2020 / શહેરને મળશે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ,ત્રણ મોટા બ્રિજ,લક્ષ્મણ ઝૂલા જેવો વોક વે,

  • વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું મોદીના હસ્તે માર્ચમાં લોકાર્પણ
  • હાલ વિશ્વમાં સૌથી મોટા મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમની 95 હજારની ક્ષમતા સામે મોટેરામાં 1.10 લાખ પ્રેક્ષક બેસી શકશે 

અમદાવાદ: મોટેરા ખાતેનું સરદાર પટેલ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ઓલિમ્પિક સ્તરનું સ્ટેડિયમ છે. માર્ચ-2020માં તેનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. 1.10 લાખ પ્રેક્ષકની કેપેસિટીવાળું આ સ્ટેડિયમ વિશ્વનું પ્રથમ છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્ટેડિયમની કેપેસિટી 95 હજાર છે. ક્રિકેટ ઉપરાંત અન્ય ગેમ રમી શકાય તે રીતે સ્ટેડિયમની ડિઝાઈન બની છે. સ્ટેડિયમમાં લાઈટિંગ માટે એક પણ પોલનો ઉપયોગ કરાયો નથી. આ સ્ટેડિયમમાં એક સરખા પેવેલિયન એરિયાના બે ક્રિકેટ ગ્રાઉન્ડ, ઈન્ડોર પ્રેક્ટિસ માટે ક્રિકેટ અકાદમી, ઓલિમ્પિક સ્તરનો સ્વિમિંગ પૂલ,જિમ્નેશિયમ છે.
અને આ સુવિધા પણ ખરી

  • બે ઇલેક્ટ્રિક વીડિયો સ્ક્રીન
  • સીસીટીવી કેમેરા
  • ફૂડઆઉટલેટ એરિયા
  • 04 ડ્રેસિંગ રૂમ વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે ક્રિકેટરો માટે હશે
  • 3000 કાર પાર્કિંગ કેપેસિટી
  • 10,000 ટુ વ્હીલર કેપેસિટી
  • 63 એકર સ્ટેડિયમનો ફેલાવો
  • 700 કરોડ ખર્ચ સ્ટેડિયમ પાછળ
  • 75 કોર્પોરેટ બોક્સ તૈયાર કરાયા
  • 4.5 વર્ષ નિર્માણમાં સમય થયો

પાલડી પાસે બાયો ડાયવર્સિટી પાર્ક, નદી પર પહેલો વોક-વે પૂર્વ-પશ્ચિમ અમદાવાદને જોડશે
સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ-પશ્ચિમ કાંઠે આગામી 12 મહિનામાં 162 કરોડના વિવિધ 7 પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં બાયો ડાયવર્સિટી પાર્ક, પશ્ચિમના સુભાષબ્રિજથી રેલવે બ્રિજ વચ્ચે રોડ સહિતના પ્રોજેક્ટ લોકો માટે ખુલ્લા મુકાશે.
ઓક્ટોબરથી લક્ષ્મણ ઝૂલા જેવા વોક-વેની મજા મળશે
સાબરમતી નદી ઉપર સરદાર બ્રિજ અને એલિસબ્રિજ વચ્ચે પશ્ચિમ કાંઠે ઈવેન્ટ સેન્ટર ફલાવર પાર્કથી પૂર્વ કાંઠે સૂચિત એક્ઝિબિશન સેન્ટરને જોડતો લક્ષ્મણ ઝૂલા જેવા પેડેસ્ટ્રિયન બ્રિજની કામગીરી ચાલી રહી છે, જેનો અંદાજે રૂ.75 કરોડનો ખર્ચ થશે. બ્રિજ ત્રણ સ્પાનનો હશે જે 300 મીટરની લંબાઈ અને 10થી 14 મીટર પહોળાઈનો તૈયાર કરવામાં આવનાર છે. બ્રિજની વચ્ચે લેન્ડસ્કેપિંગ અને બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ પેડેસ્ટ્રિયન બ્રિજ રાહદારીઓ ઓક્ટોબરથી ખુલ્લો મુકાવાની શક્યતા છે.
1 હજાર કાર માટે સપ્ટેમ્બરથી 6 માળનું પાર્કિંગ શરૂ થઈ જશે
સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે ફ્લાવર ગાર્ડનની સામેના ભાગે 67 કરોડના ખર્ચે મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં એક બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર તથા છ માળ મળીને અંદાજે 1000 કાર અને 150 ટૂ વ્હીલરનું પાર્કિંગ થઈ શકશે. આ પાર્કિંગમાં સેન્સર બેઝ પાર્કિંગ સિસ્ટમ લગાવાશે. જેમાં હયાત પાર્કિંગની માહિતી દરેક લેવલે ટેક્નોલોજીની મદદથી ડિસ્પ્લે કરવામાં આવશે. સપ્ટેમ્બરથી પાર્કિંગ શરૂ થશે.
NID પાછળ અને શાહપુરમાં 4 માસમાં બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
સાબરમતીના પશ્ચિમ કાંઠે એનઆઈડીની પાછળ, પૂર્વ કાંઠે શાહપુરમાં મલ્ટિલેવલ એક્ટિવિટીઝ માટે ખુલ્લી જગ્યા, ક્રિકેટ પીચ, ટેનિસ કોર્ટ, મલ્ટિપલ સ્પોર્ટ્સ કોર્ટ, સ્કેટિંગ રિંક, સ્કેટ બોર્ડ, જોગિંગ ટ્રેક જેવી સુવિધા સાથે 27 કરોડના ખર્ચે બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એપ્રિલ સુધીમાં શરૂ થશે. અહીં આંતરિક વોક-વે અને ફેન્સિંગ તથા ખુલ્લા ઈવેન્ટ એરિયા જેવી સુવિધાઓ પણ હશે.
સીજી રોડ: અમદાવાદીઓને ચાલવા વધુ સ્પેસ મળશે
પરિમલ અંડરપાસથી શરૂ કરી સ્ટેડિયમ અંડરપાસ સુધીના 3 કિલોમીટરની લંબાઈનો સીજી રોડ 20 વર્ષ પછી 33 કરોડના ખર્ચે રી-ડેવલપ કરાઈ રહ્યો છે. જાન્યુઆરીમાં તમામ કામગીરી પૂરી થશે. જોકે, રી-ડેવલપમેન્ટ પછી રોડની લંબાઈ કે પહોળાઈમાં સહેજપણ ફેરફાર થશે નહીં, પરંતુ રાહદારીઓને ચાલવા માટે વધુ સ્પેસ રાખવામાં આવી છે.
લો-ગાર્ડન હેપી સ્ટ્રીટ: જૂની રોનક નવા સ્વરૂપે પાછી આવશે
લો ગાર્ડન હેપી સ્ટ્રીટ જાન્યુઆરીથી શરૂ કરાશે. અહીં લોકોને પાર્કિંગની સુવિધા મળી રહેશે. સાંજે અહીં નક્કી કરાયેલી મોબાઈલ ફૂડવાન જ ઊભી રહેશે. મ્યુનિ.એ નક્કી કરેલી ડિઝાઈન પ્રમાણેની જ ફૂડવાન નક્કી કરેલા વેન્ડર્સને લાવવાની રહેશે. 320 મીટરના રોડને કલ્ચરલ સહિતના અન્ય કાર્યક્રમો કરવા માટે ભાડે પણ લઈ શકાશે. જો કે, આ અંગેની નીતિ બનાવાશે, અહીં ત્રણ દરવાજા જેવી હેરિટેજ વોલ બનાવાશે જેમાં લોકો બેસી પણ શકશે. 32 જેટલી ફૂડવાન અહીં ઊભી રાખવા માટે મ્યુનિ.એ ટેન્ડર મંજૂર કર્યા છે.
ત્રણ મોટા બ્રિજ: જૂનથી ઓગસ્ટ સુધીમાં લોકો માટે ખુલ્લા મુકવામાં આવશે
સીમ્સ રેલવે બ્રિજ: સાયન્સ સિટી, સોલા, હેબતપુર વચ્ચે ટ્રાફિકનું ભારણ ઘટશે

સાયન્સ સિટી, સોલા, હેબતપુર વચ્ચે કનેક્ટિવિટી ઉપરાંત એસજી હાઈવે પરના ટ્રાફિકના ભારણમાં ઘટાડો કરવા સીમ્સ હોસ્પિટલથી થલતેજને જોડતો બ્રિજ 70 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. આ બ્રિજ જુલાઈથી ખુલ્લો મુકાશે.
વિરાટનગર: રોજ 75 હજાર લોકોને ટ્રાફિકજામમાંથી છુટકારો મળશે
નરોડા-નારોલ રોડ પરના વિરાટનગર જંકશન ખાતે 45.38 કરોડ ખર્ચે તૈયાર થઈ રહેલો બ્રિજ જૂનમાં ખુલ્લો મુકાશે. આ બ્રિજ બનવાથી ટ્રાફિકનું ભારણ ઘટશે અને 75 હજાર લોકોને તેનો લાભ મળશે.
રાજેન્દ્રપાર્ક: ઓઢવ, વસ્ત્રાલ અને નવા નરોડાના લોકોને સૌથી વધુ લાભ
નારોલ-નરોડા વચ્ચેના ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખીને રાજેન્દ્ર પાર્ક જંક્શન ખાતે 82 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા બ્રિજનું ઓગસ્ટમાં લોકાર્પણ કરાશે. ઓઢવ, વસ્ત્રાલ અને નવા નરોડાના લોકોને આ બ્રિજનો મહત્તમ લાભ મળશે.