અ’વાદ પૂર્વ વિસ્તારના ડૉક્ટરોએ તો હદ કરી, કરિયાણાની દુકાનની જેમ કટિંગ લાવનારને 50 ટકા ફી માફી

અ’વાદ પૂર્વ વિસ્તારના ડૉક્ટરોએ તો હદ કરી, કરિયાણાની દુકાનની જેમ કટિંગ લાવનારને 50 ટકા ફી માફી

દર્દીઓ માટે ભગવાનનું સ્વરૂપ ગણાતા ડોક્ટરો માંથી કેટલાક ડોક્ટરો મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ નક્કી કરેલી ગાઈડલાઈનનો ભંગ કરીને છડેચોક પોતાની પબ્લિસિટી કરી રહ્યા છે. ‘વરને કોણ વખાણે વરની મા’ કહેવતની માફક ડોક્ટરો  ફરફરિયા જેવા બે પાનાના ચોપાનિયામાં જાહેરાત પ્રસિધ્ધ કરાવી, એમસીઆઈના નિયમનો ભંગ કરી અનૈતિક કૃત્ય કરી રહ્યા છે.

અમુક ડોક્ટરો  તો પેમ્ફ્લેટ લાવે તે દર્દી(ડોક્ટર માટે ગ્રાહક)ને પચાસ ટકા રાહતની પણ લાલચ આપી રહ્યાં છે. નિકોલની કાનબા હોસ્પિટલ ડોક્ટરો ના નામ જાહેર કરીને નિયમભંગ કરતી હોવાનું લોકોનું માનવું છે. જો નિયમભંગ સાબિત થાય તો MCI ડોક્ટરનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરી શકે છે.

ડોક્ટરો એ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તેના માટે MCIએ ગાઈડલાઈન નક્કી કરી આપી છે. પરંતુ ડોક્ટરો  તેનો ઉલાળ્યો કરીને સ્વ-પ્રસિદ્ધિ કરી રહ્યા છે. તેને અટકાવનાર પણ કોઈ નથી. ડોક્ટરો  વ્યક્તિગત પબ્લિસિટી કરી શકે નહીં. આ નિયમ વિરુદ્ધ છે. તેમ છતાં નિકોલની કાનબા હોસ્પિટલ ફરફરિયામાં જાહેરાત છપાવે છે. ડોક્ટરો એ તેના ક્લિનિકમાં દર્દી વાંચી શકે તે રીતે તેની ફી અને અન્ય ચાર્જનું બોર્ડ રાખવું પડે. છતાં આ હોસ્પિટલ જાહેરખબરમાં ફી જાહેર કરી નાખે છે.

ડોક્ટરો  ઉદ્દઘાટનની જાહેરાત આપી શકે પરંતુ પોતાની પ્રસિદ્ધિ થાય તેવી જાહેરાત કરી શકે નહીં. MCI ગાઈડલાઈનનો ભંગ થાય નહીં તેના માટે ડોક્ટરો  હોસ્પિટલ મારફત જાહેરખબર આપીને સ્વ-પ્રસિદ્ધિ કરાવે છે. તેમાં તમામ ડોક્ટરો ના નામ, તેમની ડિગ્રી વગેરે લખી નાખે છે.

સીધી અથવા આડકતરી રીતે, ડોક્ટર દ્વારા, ડોક્ટરો ના જૂથ દ્વારા અથવા સંસ્થા મારફત દર્દીનું ધ્યાન આર્કિષત કરી શકે નહીં. ડોક્ટરની વ્યાવસાયિક સ્થિતિ, કુશળતા, લાયકાત, સિદ્ધિઓ, પ્રાપ્તિ, વિશેષતા, નિમણૂકો, સંગઠનો, જોડાણો અથવા સન્માનની પ્રસિદ્ધિ કરી શકે નહીં. છતાં ફરફરિયામાં બધું છાપી નાખવામાં આવે છે.

એક હોસ્પિટલે તો વિશ્વનું શ્રેષ્ઠ મશીન હોવાનો અને ગુજરાતમાં પ્રથમ લાવ્યાનો દાવો કરતી જાહેરખબર છપાવી છે. બાપુનગરમાં આવું મશીન પ્રથમ લાવ્યા હોય તે દાવો જ કેટલો હાસ્યાસ્પદ છે તેની દર્દીઓને પણ જાણ હોય છે. કરિયાણાની દુકાન હોય તે રીતે પેમ્ફ્લેટનું કટિંગ લાવનારને તપાસ ફીમાં ૫૦ ટકાની રાહત જાહેર કરાઈ છે. દર્દ હોય તે આપમેળે જ હોસ્પિટલમાં જાય તેના માટે ડિસ્કાઉન્ટ થોડું હોય ? તેવો પ્રશ્ન દર્દીઓમાં ઊઠયો છે.