અયોધ્યામાં લાઠી-ગોળીઓ ઝીલનાર કારસેવકો ભૂલ્યા ભુલાય તેમ નથી, જાણો કેમ?,તેની પાછળનો આવો છે ઈતિહાસ

અયોધ્યામાં લાઠી-ગોળીઓ ઝીલનાર કારસેવકો ભૂલ્યા ભુલાય તેમ નથી, જાણો કેમ?,તેની પાછળનો આવો છે ઈતિહાસ

અયોધ્યામાં આજે ભગવાન રામના જન્મસ્થળે રામમંદિર  બાંધવા માટે નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ  કરવામાં આવશે. પરિણામે ભગવાન રામમાં આસ્થા અને શ્રદ્ધા  રાખનાર સૌ કોઈની છાતી ગજગજ ફૂલશે.  લેકિન… આ રામજન્મ મંદિર બાંધવા માટે કહો કે, રામકા મંદિર  વહી બનેગા જહાં રામ કા જન્મ હુઆ થાનો નારો લગાવી ૧૯૯૨માં  અયોધ્યા કૂચ કરી ગયેલા દેશના હજારો-લાખો કારસેવકો ભૂલ્યા ભુલાય તેમ નથી. આ કારસેવકોમાં ગુજરાત  અમદાવાદના પણ બે હજારથી વધુ કારસેવકો હતા જેની નોંધ લેવી જ  રહી.

સને ૧૯૯૨ની બીજી નવેમ્બરે દેશના વિવિધ ભાગોમાંથી  કારસેવકો અયોધ્યા જવા રવાના થયા હતા. ગુજરાતના કારસેવકો  પણ રેલવે, ટ્રેન કે અન્ય વાહનો સાથે અયોધ્યા પહોંચ્યા હતા.  આખુંયે અયોધ્યા પોલીસ છાવણીમાં ફેરવાયેલું હતું. કોઈ  જગાથી અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળ સુધી પહોંચવું કઠિન  હતું.

પરિણામે અલગ અલગ ટુકડીઓ પાડીને કૂચ કરવી તેવો  નિર્ણય લેવાયો હતો. પણ તે વેળાના ઉત્તરપ્રદેશની મુલાયમસિંહ સરકારે કાળોકેર  વર્તાવ્યો હતો. કારસેવકો પર લાઠીચાર્જ, ધાણી ફૂટે તેવા  ગોળીબાર અને સતત પથ્થરમારા વચ્ચે વિશ્વ હિંદુ પરિષદના નેતા  વિજય સેગલે પ્રથમ ટુકડીનું નેતૃત્વ કરી રામજન્મસ્થળ સુધી કૂચ  કરી હતી.બીજી ટુકડીનું નેતૃત્વ અમદાવાદના તત્કાલીન ભાજપી  સાંસદ હરિન પાઠક અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ઉમા ભારતીએ  કર્યું હતું.

હરિન પાઠક કહ્યું કે, અમારી ટુકડી અયોધ્યાના સાંકડા  માર્ગો પર ઇધરઉધર રખડતા રખડા પથ્થરો ખાતા ખાતા ઝાડવા સાફ  કરતા કરતાં રામજન્મભૂમિ સ્થળ પર પહોંચવા આગળ વધ્યા ત્યારે  અમારી ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં ધકેલી દીધા હતા.  અમારી અગાઉ કારસેવાનું નેતૃત્વ કરી રહેલા અશોક સિંઘલને પણ  જેલના હવાલે કરવામાં આવ્યા હતા.

કાર સેવકોની ત્રીજી ટુકડી ૨જી ડિસેમ્બરે (૧૯૯૨) માં અયોધ્યા કૂચ  કરી ગઈ હતી અને એ આખરી કૂચ બની ગઈ હતી. બાબરી ધ્વંશ થતા  રામજન્મભૂમિ મંદિરના નિર્વાણનો માર્ગ ખુલ્લો થયો હતો.  કારસેવામાં અને તે અગાઉ રામરથયાત્રામાં જોડાયેલા ગુજરાત  વિશેષ કરીને અમદાવાદના હજારો યુવાનોની બહાદુરી, રામ  પ્રત્યેની આસ્થા અને કરેંગે યા મરેંગાના મંત્રએ રામજન્મ મંદિરનું  સ્વપ્નું પૂરું થયું છે. કારસેવામાં શહીદ થયેલા અને જીવિત  કારસેવકોના પરિવારો શિલાન્યાસ ટાણે ફટાકડા ફોડી દિવાળી  મનાવશે.

પાયાનો પથ્થર : ૧૯૯૦માં સોમનાથથી નીકળેલી રથયાત્રાએ દેશભરમાં અહાલેક જગાવેલી

જયશ્રીરામ…ના ગગનભેદી નારા સાથે આજે તા. ૫મીએ  ઉત્તરપ્રદેશનું કહો કે, ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા ગાજી ઊઠશે  એ સાથે રામજન્મભૂમિ મંદિરના શિલાન્યાસ ટાણે આખોયે દેશ  રામભક્તમય બની જશે. મંદિરોમાં ઘંટનાદ થશે, આરતી,  અર્ચનપૂજન થશે, પરંતુ સૌથી આનંદ અને ઉત્સાહ તો  રામજન્મભૂમિ આંદોલનમાં જોડાયેલા હજારો-લાખો એવા  નામી-અનામી કારસેવકો અને નેતાઓને થશે, જ્યાં સુધી  ગુજરાત અને અમદાવાદને લાગેવળગે છે ત્યાં સુધી જીવિત  કારસેવકોએ શિલાન્યાસ ટાણે ઘેર દિવાળી જેવા દીવડા  પ્રગટાવવાનો પૂજા અને આરતી સાથે ફટાકડા ફોડવાનો નિર્ણય  કર્યો છે.

પરિણામે ગુજરાત અને એમાંયે અમદાવાદમાં  રામજન્મભૂમિ મંદિર શિલાન્યાસનો ચોમેર આનંદોત્સવ છવાશે  અને એ ઘરઘરનો હશે, જાહેર નહીં, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પણ  જળવાશે. જોકે, આ ખુશીનો નઝારો માણતા પહેલાં રામજન્મભૂમિ  મંદિરના બાંધકામ માટે સમગ્ર દેશમાં અહાલેક જગાવાઈ હતી એ  ભાજપના તેના લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વ હેઠળની  રામરથયાત્રાની ભીતરમાં ડોકિયું કરવું અત્યંત જરૂરી છે. 

વાત છેક ૧૯૯૦ની છે. ૧૯૯૦ની ૨૫મી સપ્ટેમ્બરે આ રામરથયાત્રા  સોમનાથથી શરૂ થઈ હતી અને બે દિવસ બાદ ૨૭મીએ અમદાવાદ આવી  પહોંચતા રથના સારથિ લાલકૃષ્ણ અડવાણીનું ઠેરઠેર ભવ્ય સ્વાગત  થયું હતું અને શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.

૧૫ કિલો ચોકલેટનું રામમંદિર

શ્રી રામ પ્રત્યે શ્રધ્ધા દર્શાવવા મહિલા ભક્ત શિલ્પાબેન ભટ્ટે માત્ર ૧૨ કલાકમાં ૧૫ કિલો ચોકલેટના ઉપયોગથી રામમંદિરની પ્રતિકૃતિ બનાવી છે. અયોધ્યામાં ભૂમિપૂજન પછી મંદિરને સરસપુર રામજી મંદિરમાં સર્મિપત કરાશે. ( Source – Sandesh )