અમે અસંભવિત લાગતા લક્ષ્યાંકો પર કામ કરી રહ્યાં છીએ : મોદી

અમે અસંભવિત લાગતા લક્ષ્યાંકો પર કામ કરી રહ્યાં છીએ : મોદી

। બેંગકોક ।

થાઇલેન્ડમાં આસિયાન-ઇન્ડિયા સમિટ, ઇસ્ટ એશિયા સમિટ અને આરસીઇપી સમિટમાં ભાગ લેવા શનિવારે બેંગકોક પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિમિબુત્ર સ્ટેડિયમ ખાતે આયોજિત સવાસ્દી પીએમ મોદીએ ગુરુનાનક દેવની ૫૫૦મી જન્મજયંતી નિમિત્તે સ્મારક સિક્કો જારી કર્યો હતો. તે ઉપરાંત તામિલ ક્લાસિક સાહિત્ય ગણાતા તિરુકિકુરલનું થાઇ ભાષામાં ભાષાંતર કરેલા પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. પીએમ મોદીએ થાઇલેન્ડની જનતા અને ભારતીય સમુદાયના લોકોને દિવાળી અને છઠ પૂજાની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ૧૩૦ કરોડ ભારતીય ન્યૂ ઇન્ડિયાનાં નિર્માણમાં લાગી ગયાં છે. અમે આતંકવાદ અને અલગતાવાદની બહુ મોટી સમસ્યામાંથી ભારતને મુક્ત કર્યો છે. અમે અગાઉ અસંભવિત લાગતા લક્ષ્યાંકો પર કામ કરી રહ્યાં છીએ.

થાઇલેન્ડ સાથેના સદીઓ જૂના સંબંધોનો ઉલ્લેખ કરતા વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચેના ઐતિહાસિક સંબંધ ફક્ત સરકારો વચ્ચે નથી. આ પૌરાણિક સંબંધ ભગવાન રામની મર્યાદા અને બુદ્ધની કરુણા આપણો સહિયારો વારસો છે. કરોડો ભારતીયોનું જીવન રામાયણથી પ્રેરિત થાય છે તો એ જ દિવ્યતા થાઇલેન્ડમાં રામાકિયનની છે.

૩ દિવસના થાઇલેન્ડના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે, ચીન સમર્થિત પ્રાદેશિક વેપાર કરાર આરસીઇપી (રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ) માટેની મંત્રણાઓમાં ભારત પોતાના માટે લાભદાયી પરિણામો ઇચ્છે છે. કરારમાં માલસામાન, સેવાઓ અને મૂડીરોકાણમાં સંતુલન જળવાવું જોઇએ.  અમે સ્પષ્ટ રીતે વાજબી પ્રસ્તાવો રજૂ કર્યાં છે અને ઘણી ગંભીરતા સાથે મંત્રણાઓમાં જોડાયા છીએ. અમે આ કરારમાં જોડાનારા દેશોની લાગણીઓ પર ધ્યાન આપવા તૈયાર છીએ, પરંતુ સાથે સાથે અમે તેમના તરફથી મહત્ત્વાકાંક્ષાના સ્તરમાં મર્યાદા ઇચ્છીએ છીએ.

મોદીએ જણાવ્યું હતું કે, પરસ્પરના લાભ માટે થનારો RCEP કરાર મંત્રણામાં ભાગીદાર દેશો અને ભારતના હિતમાં રહેશે. ૧૦૦ કરોડ કરતાં વધુ લોકોના બજારને ખુલ્લું મૂકવાના બદલામાં અમે ઇચ્છીએ છીએ કે સભ્ય દેશો ભારતના શ્રમિકો અને સેવાઓને પરવાનગી આપે. અમે પણ લાભદાયી પરિણામો ઇચ્છીએ છીએ. તેના માટે અમે માનીએ છીએ કે, વેપાર ખાધ પર અમારી ચિંતાઓને પણ ધ્યાનમાં લેવામાં આવે.

સવાસ્દી’ વેલકમ અને ગૂડ બાય માટે વપરાતો થાઈ શબ્દ

થાઇલેન્ડમાં લોકો વેલકમની શુભેચ્છા પાઠવવા અને આવજો (ગૂડ બાય) કહેવા માટે સવાસ્દી શબ્દનો ઉપયોગ કરે છે. હાઉડી મોદીનો અર્થ થતો હતો કેમ છો મોદી? સવાસ્દી પીએમ મોદીનો અર્થ થાય છે વેલકમ પીએમ મોદી. પીએમ મોદીએ સવાસ્દી પીએમ મોદી પર જણાવ્યું હતું કે, ભારત અને થાઇલેન્ડ ફક્ત ભાષાથી જ નહીં પરંતુ લાગણીઓથી જોડાયેલા છે. તમે મને સવાસ્દી મોદી કહ્યું. આ શબ્દ સંસ્કૃત શબ્દ સવસ્તી સાથે સંકળાયેલો છે જેનો અર્થ થાય છે કલ્યાણ.

થાઇલેન્ડના કણ કણમાં પોતીકાપણું લાગે છે : પીએમ મોદી

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, પ્રાચીન સુવર્ણભૂમિ થાઇલેન્ડની ધરતી મને વિદેશ જેવી લાગતી નથી. થાઇલેન્ડના કણ કણ અને જન જનમાં પોતીકાપણંુ નજરે પડે છે. ભારત અને થાઇલેન્ડ હજારો વર્ષોથી સમુદ્રી માર્ગે જોડાયેલા છે. આપણા નાવિકો હજારો માઇલની સફર કરીને સમૃદ્ધિ અને સંસ્કૃતિનો સેતૂ બનાવ્યો હતો. ભારતની અયોધ્યાનગરી થાઇલેન્ડની આ-યુથ્યા છે. અયોધ્યામાં અવતાર લેનાર નારાયણનું પવિત્ર વાહન ગરુડમાં થાઇલેન્ડને અપ્રતિમ શ્રદ્ધા છે.